રાજકોટ
News of Monday, 30th November 2020

લૂંટ, મારામારી સહિત ૨૭ ગુનામાં સામેલ આકાશ ઉર્ફે મરચો બાબરીયા છરી સાથે પકડાયો

થોરાળા પોલીસે ભાવનગર રોડ ટ્રેકટર ચોક પાસેથી દબોચ્યો : ત્રણ દિ' પહેલા આશ્રમ રોડ પર રોહન રૈયાણી પર છરીથી હુમલો કર્યો હતો

રાજકોટ તા. ૩૦ : ભાવનગર રોડ ભાણજીબાપાના પુલ પાસે ટ્રેકટર ચોકમાંથી થોરાળા પોલીસે બાતમીના આધારે લૂંટ, મારામારી સહિતના ૨૭ ગુનામાં સામેલ મનહરપરાના શખ્સને છરી સાથે પકડી લીધો હતો.

મળતી વિગત મુજબ શહેર પોલીસ કમિશનર શ્રી મનોજ અગ્રવાલની સૂચનાથી થોરાળા પોલીસ મથકના પી.આઇ. જી.એમ.હડીયાના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ જી.એસ.ગઢવી, હેડ કોન્સ. ભૂપતભાઇ વાસાણી, શૈલેષભાઇ ભીસડીયા, નરસંગભાઇ ગઢવી, વિજયભાઇ મેતા, જયદીપભાઇ ધોળકીયા, કિરણભાઇ પરમાર, યુવરાજસિંહ રાણા તથા રમેશભાઇ માલકીયા સહિત પેટ્રોલીંગમાં હતા ત્યારે કોન્સ. જયદીપભાઇ ધોળકીયા, કિરણભાઇ પરમાર તથા યુવરાજસિંહ રાણાને મળેલી બાતમીના આધારે ભાવનગર રોડ ભાણજીબાપાના પુલ પાસે ટ્રેકટર ચોકમાંથી જાહેરમાં છરી સાથે નીકળેલો આકાશ ઉર્ફે મરચો ઉર્ફે મચો હરીભાઇ બાબરીયા (ઉ.વ.૨૩) (રહે. મનહરપરા શેરી નં. ૭)ને પકડી લીધો હતો. આકાશ ઉર્ફે મરચો બાબરીયાએ ત્રણ દિવસ પહેલા આશ્રમ રોડ પર પારૂલ બગીચા પાસે ફૂડ ઝોનમાં ઉછીના પૈસા માંગી મિત્ર રોહન સુરેશભાઇ રૈયાણી (ઉ.વ.૨૪) (રહે. ઠાકોરદ્વાર સોસાયટી) પર છરી વડે હુમલો કર્યો હતો. તે અગાઉ ભકિતનગર, એ-ડીવીઝન, બી-ડીવીઝન, તાલુકા, થોરાળા અને માલવીયાનગર પોલીસ મથકમાં લૂંટ, મારામારી અને છરી સાથે સહિત ૨૭ ગુનામાં પકડાઇ ચૂકયો છે.

સુરેશ છરી સાથે પકડાયો

ગાંધીગ્રામ પોલીસ મથકના પીએસઆઇ આર.એસ.પટેલ, હેડ કોન્સ. ખોડુભા જાડેજા, કોન્સ. વનરાજભાઇ, દિવ્યરાજસિંહ, દિગ્વિજયસિંહ, બ્રીજરાજસિંહ તથા ગોપાલભાઇ સહિતે પેટ્રોલીંગ દરમિયાન સુરેશ કેશુભાઇ ઉકેડીયા (ઉ.વ.૧૯) (રહે. પોપટપરા શેરી નં. ૧૪)ને બાઇક પર છરી સાથે પકડી લીધો હતો.

(2:45 pm IST)