રાજકોટ
News of Monday, 30th November 2020

રાજકોટ રૂરલ પોલીસે 7 ચોરીનો ભેદ ઉકેલ્યો :GPS મેપનો ઉપયોગ કરી ચોરી કરતા ભાયાવદર-ઉપલેટાના 2 શખ્સને ઝડપી પાડ્યા: ત્રીજાની શોધખોળ શરૂ

મહારાષ્ટ્ર રાજ્ય સહિત 7 જગ્યા પર ચોરી કરી હોવાનું કબૂલ કર્યું: ચોરી કરેલા 16 હજાર 300 રૂપિયા, 4 મોબાઈલ અને ચોરી કરવાના હથિયાર જપ્ત

રાજકોટ રૂરલ પોલીસે ભાયાવદર અને ઉપલેટામાંથી 2 શખ્સોને ચોરીના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા છે. બંને શખ્સો ચોરી કરવા માટે GPS મેપનો ઉપયોગ કરતા હતા. પોલીસ તપાસમાં આ શખ્સોએ માત્ર ભાયાવદર અને ઉપલેટામાં જ નહીં પરંતુ મહારાષ્ટ્ર રાજ્ય સહિત 7 જગ્યા પર ચોરી કરી હોવાનું કબૂલ કર્યું છે. હાલ પોલીસે બંને આરોપીઓની પૂછપરછ શરૂ કરી છે.

રાજકોટ રૂરલ પોલીસને માહિતી મળી હતી કે, ભાયાવદર અને ઉપલેટા વચ્ચે ઝૂંપડામાં બે શખ્સો ચોરીના મુદ્દામાલના ભાગ પાડી રહ્યાં છે. જેથી પોલીસે સ્થળ પર પહોંચી તપાસ કરતા આરોપી સાયમલ ઉર્ફે સાયમંડ ભાભોર અને કોલેજ ઉર્ફે કોયલો મીનાના નામના બંને શખ્સો પાસેથી ચોરી કરેલા 16 હજાર 300 રૂપિયા, 4 મોબાઈલ અને ચોરી કરવાના હથિયાર મળી આવ્યા હતા. જે પોલીસ જપ્ત કર્યા હતા. પોલીસ તપાસમાં બંને આરોપીઓએ તેના સાથીદાર જેન્તી જવસિંગ પલાસ સાથે મળી 7 ચોરી કરી હોવાનુ કબૂલ કર્યુ હતું. જેથી પોલીસે ત્રીજા આરોપીની શોધખોળ હાથ ધરી છે

(5:46 pm IST)