રાજકોટ
News of Friday, 30th October 2020

જામનગર રોડ પર યુવાનને માર મારી લુંટી લેનાર યાસીન ઉર્ફ ભુરો પકડાયોઃ આકરી પુછતાછ

અમારા નાસ્તાના પૈસા તું આપી દેજે કહી ૧૫ દિ' પહેલા ડખ્ખો કર્યો'તો : પોલીસ કમિશનર કચેરીના લિમડા નીચે લઇ જઇ પ્ર.નગર પોલીસે કાયદો સમજાવ્યો

રાજકોટ તા. ૩૦: પંદર દિવસ પહેલા જામનગર રોડ પર ઇંડાની લારીએ નાસ્તો કરવા ગયેલા યુવાનને 'અમારા નાસ્તાના પૈસા પણ તું આપી દેજે' તેમ કહી હુમલો કરી સોનાના ચેઇનની લૂંટ ચલાવવામાં આવી હતી. આ ગુનામાં ફરાર જામનગર રોડ સ્લમ કવાર્ટર પાસે હુડકોમાં રહેતાં યાસીન ઉર્ફ ભુરો ઓસમાણભાઇ કઇડા (ઉ.વ.૩૨)ને પ્ર.નગર પોલીસે ઝડપી લઇ કાયદાનું ભાન કરાવ્યું છે.

યાસીનને પોલીસ કમિશનર કચેરીના લિમડા નીચે લઇ જઇ તેની આકરી સરભરા કરી કાયદાનું ભાન કરાવવામાં આવ્યું હતું. પોલીસ કમિશનરશ્રી મનોજ અગ્રવાલ, જેસીપી ખુરશીદ અહેમદ, ડીસીપી મનોહરસિંહ જાડેજા, એસીપી પી. કે. દિયોરાએ ફરાર ગુનેગારોને શોધી કાઢવા સુચના આપી હોઇ પીઆઇ એલ. એલ. ચાવડા, પીએસઆઇ બી. વી. બોરીસાગર, હેડકોન્સ. સી. જે. ઝાલા, હેડકોન્સ. કે. એન. ગોહિલ, કોન્સ. આનંદભાઇ મકવાણા તથા લોકરક્ષક રસિકભાઇ ધાંધલ સહિતના પેટ્રોલીંગમાં હતાં ત્યારે માહિતી મળતાં યાસીન ઉર્ફ ભુરાને પકડી લેવાયો હતો. આ શખ્સ અગાઉ મારામારીમાં સંડોવાઇ ચુકયો છે અને પાસાની હવા પણ ખાઇ આવ્યો હોવાનું પોલીસ સુત્રોએ જણાવ્યું હતું.

(2:48 pm IST)