રાજકોટ
News of Friday, 30th October 2020

રૈયા રોડ દ્વારકેશ પાર્કના હિતેષ હુંબલની રિવોલ્વર બનેવીના મિત્રો પિયુષ ડેર, નંદો સહિતના લૂંટી ગયા

બનેવી ઘનશ્યામ જળુને મિત્ર જયદિપ સાથે માથાકુટ થતાં પિયુષે પોતે સમાધાન કરાવી દેશે તેમ કહી ઇન્દિરા સર્કલે બોલાવ્યા બાદ બીજા ત્રણ જણા સાથે મળી લૂંટ ચલાવીઃ એક જ્ઞાતિજને સમાધાનનો પ્રયાસ કરાવ્યો પણ પિયુષ અને નંદો હથીયાર પાછુ આપવા તૈયાર ન થયાઃ ગાંધીગ્રામ પોલીસે ગુનો નોંધ્યોઃ રિવોલ્વરમાં ૬ કાર્ટીસ પણ હતાં

રાજકોટ તા. ૩૦: રૈયા રોડ દ્વારકેશ પાર્કમાં રહેતો આહિર યુવાન પોતાના બનેવીને તેના મિત્ર સાથે થયેલી માથાકુટ બાબતે બનેવીના મિત્રને ઇન્દિરા સર્કલ પાસે મળવા જતાં અને વાતચીત કરવા જતાં ચાર જણાએ ધોલધપાટ કરી આહિર યુવાનની લાયસન્સ વાળી છ કાર્ટીસ સાથેની રૂ. ૭૫ હજારની રિવોલ્વર લૂંટી લેવાતા મામલો પોલીસ સુધી પહોંચ્યો છે.

આ બારામાં ગાંધીગ્રામ પોલીસે રૈયા રોડ પર દ્વારકેશ પાર્ક સોસાયટી શેરી નં. ૬માં પુષ્કર ખાતે રહેતાં અને પરાપીપળીયા ગામે ખેતી ધરાવતાં હિતેષ અમરાભાઇ હુંબલ (આહિર) (ઉ.વ.૩૩)ની ફરિયાદ પરથી પિયુષ ડેર તથા નંદો અને બે અજાણ્યા સામે આઇપીસી ૩૯૨, ૧૧૪, ૧૩૫ (૧) મુજબ લૂંટનો ગુનો નોંધાયો છે.

હિતેષ હુંબલે ફરિયાદમાં જણાવ્યું છે કે પરાપીપળીયામાં મારે ખેતી ઉપરાંત પુષ્કર નામથી રેસ્ટોરન્ટ પણ છે. મારે સંતાનમાં એક દિકરો અને એક દિકરી છે. ૨૦૧૦માં મેં સ્વરક્ષણ માટે પોલીસ કમિશનર તરફથી ૩૨ બોરની રિવોલ્વર રાખવા માટેનું લાયસન્સ મેળવ્યું છે. તા. ૧/૧/૨૦ના રોજ આ લાયસન્સ રિન્યુ કરાવવા માટે આપતાં ૩૧/૧૨/૨૦૨૨ સુધી વેલીડ કરી રિન્યુ કરી અપાયું છે. લાયસન્સને આધારે રિવોલ્વર અમરનાથ થાણે મુંબઇથી ૨૦૧૧માં ખરીદી હતી. હું આ હથીયાર મારી સાથે જ રાખતો હતો.

ચાર દિવસ પહેલા તા. ૨૬/૧૦ના બપોરે સાડા ત્રણેક વાગ્યે હું ઘરે જમતો હતો ત્યારે મારા બનેવી ઘનશ્યામ જળુનો ફોન આવ્યો હતો કે હું મારી ગોંડલ રોડ પર આવેલ મહિરાજ હોટલે હાજર હતો ત્યારે મારા મિત્ર જયદિપ ઉર્ફ ભૂપી વ્યાસે ફોન કરી મને મા બેન સમી ગાળો આપી છે અને તે વધુ ઝઘડો કરશે તેવી બીક છે. બનેવી ઘનશ્યામભાઇએ આ વાત કરતાં મેં તેમને કહેલ કે કજયદિપ તમારો મિત્ર છે, આપણે તેની પાસે જઇને સમજાવીશું. તમે હોટેલે રહો હું જમીને આવું છે.

એ પછી હું મારી લાયસન્સવાળી રિવોલ્વર લઇને બનેવીને હોટેલે ગયો હતો. ત્યાં વાતચીત કર્યા બાદ મારી વર્ના ગાડીમાં જયદિપની બેઠક કોઠારીયા રોડ કેદારનાથના ગેઇટ પાસે હોઇ ત્યાં ગયા હતાં. પરંતુ ત્યાં જયદિપ હાજર ન હોઇ તેને બનેવીએ ફોન કરતાં તે ફોનમાં આડા અવળા જવાબ આપી ફોન કટ કરી નાંખતો હતો. આથી અમે પરત હોટેલે આવીગયા હતાં. ત્યાં ઘનશ્યામે તેના મિત્ર પિયુષ ડેર સાથે વાત કરી પોતાને જયદિપે ગાળો દીધી છે તેમ કહેતાં પિયુષે તમે અગિયાર વાગ્યે ઇન્દિરા સર્કલે આવો આપણે જયદિપને બોલાવી વાત કરી લઇશું તેમ કહ્યું હતું.

ત્યારબાદ અમે ઇન્દિરા સર્કલ પાસે રાજધાની હોટેલ પાસે સાડા અગિયારેક વાગ્યે ગયા હતા. જ્યાં મારા બનેવી ઘનશ્યામ જળુએ પિયુષને વાત કરી જયદિપ કયાં છે? તેમ પુછતાં પિયુષ સાથેના બે માણસોએ મને પકડી લીધો હતો અને પિયુષે બાઇકમાંથી ધોકો કાઢી ઘનશ્યામને પકડી રાખેલ. ત્રીજા અજાણ્યાએ બેઝબોલનો ધોકો તેની પાસે હોઇ તે લઇ મારી પાસે આવી મારી કમરે બાંધેલી રિવોલ્વર ખેંચી કાઢી હતી. એ પછી પિયુષે તેને 'નંદા રિવોલ્વર મને આપી દે' તેમ કહેતાં એ શખ્સનું નામ નંદો હોવાની ખબર પડી હતી. ત્યારબાદ ત્રણેયએ મળી મને અને બનેવીને ઢીકાપાટુનો માર માર્યો હતો. અમે ગાડીમાં બેસી ઘનશ્યામભાઇની હોટલે જતાં રહ્યા હતાં.

પિયુષ ડેર પણ મારા બનેવીનો મિત્ર હોઇ અને અમે બધા એક જ જ્ઞાતિના હોઇ  પિયુષે જણાવેલ કે હું તમારું હથીયાર સવારે હોટલે આપી જઇશ. પણ એ પછી તેણે ફોન બંધ કરી દીધો હતો. રિવોલ્વરમાં છ કાર્ટીસ પણ હતાં.

ત્યારબાદ ૨૭મીએ જ્ઞાતિના ભરતભાઇ ઉર્ફ બાબભાઇ ડાંગરે પણ મારા બનેવી ઘનશ્યામભાઇને ફોન કરી કહેલું કે ચિંતા ન કરતાં રિવોલ્વર પાછી અપાવી દઇશ. આથી અમે રાહ જોઇ હતી. વળી ભરતભાઇએ જે કંઇ બન્યું હોઇ તેમાં ફરિયાદ ન કરતાં હું પુરૂ કરાવી દઇશ તેવી વાત પણ કરી હોઇ જેથી ફરિયાદ કરી નહોતી.

પણ હવે ભરતભાઇ ઉર્ફ બાબભાઇએ જણાવેલ કે પિયુષ અને તેનો મિત્ર નંદો વાત કરતાં હતાં કે હવે તે હથીયાર પાછુ આપવા માંગતા નથી. આથી અંતે ફરિયાદ નોંધાવવી પડી છે. પોલીસે ૭૫ હજારની રિવોલ્વર લૂંટી જવાનો ગુનો નોંધ્યો છે. પીઆઇ કે. એ. વાળાની રાહબરીમાં પીએસઆઇ આર. એસ. પટેલ, હીરાભાઇ રબારી અને ડી. સ્ટાફે વિશેષ તપાસ હાથ ધરી છે.

(12:19 pm IST)