રાજકોટ
News of Friday, 30th October 2020

લગ્નના પખવાડીયા પહેલા સુનિતાએ દાદા અને પિતા બંને ગુમાવ્યાઃ માંગરોળના શૈયા ગામનો કરૂણ બનાવ

યુવતિના દાદા ખીમજીભાઇ કુરાણીયાનું હાર્ટએટેકથી મૃત્યુ થયાના બે દિવસ બાદ તેણીના પિતા જેન્તીભાઇ કુરાણીયા પાણીને બદલે ભુલથી એસિડ પી જતાં રાજકોટમાં દમ તોડ્યો

રાજકોટ તા. ૩૦: ન જાણ્યુ જાનકીનાથે કાલે શું થવાનું...આ ઉકિત મુજબ માંગરોળના શૈયા ગામે જે યુવતિના પખવાડીયા બાદ લગ્ન હતાં તેણે ત્રણ જ દિવસમાં દાદા અને પિતા બંને ગુમાવતાં પરિવારમાં કલ્પાંત સર્જાયો છે.

શૈયા ગામે રહેતાં જેન્તીભાઇ ખીમજીભાઇ કુરાણીયા (બ્રાહ્મણ) (ઉ.વ.૫૦) ગઇકાલે બપોરે ભુલથી પાણીની બોટલને બદલે તેના જેવી જ બોટલમાં ભરેલુ એસિડ પી જતાં માંગરોળ સારવાર અપાવી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. અહિ વહેલી સવારે દમ તોડી દેતાં હોસ્પિટલ ચોકીના હેડકોન્સ. દેવરાજભાઇ નાટડાએ માંગરોળ પોલીસને જાણ કરી હતી.

જેન્તીભાઇ ત્રણ ભાઇમાં મોટા હતાં અને મજૂરી કરતાં હતાં. તેને સંતાનમાં એક પુત્ર અને બે પુત્રી છે. કરૂણતા એ છે કે પંદર દિવસ બાદ જેન્તીભાઇની એક દિકરી સુનિતના લગ્ન લેવાયા હોઇ બધા તેની તૈયારીમાં હતાં. એ પહેલા એટલે કે બે દિવસ પહેલા જેન્તીભાઇના પિતા ખીમજીભાઇ કરમણભાઇ કુરાણીયાનું હાર્ટએટેકથી મૃત્યુ થયું હતું. તેના કારણે જેન્તીભાઇને સતત ઉજાગરો હતો. ગઇકાલે તેણે ભુલથી એસિડ પી લીધું હતું અને સારવાર દરમિયાન તેમનું પણ મોત થયું હતું. આમ પખવાડીયા બાદ જે ઘરના આંગણે દિકરીના લગ્નના ઢોલ ધ્રબુકવાના હતાં એ દિકરીએ દાદા અને પિતા બંને ગુમાવતાં ગમગીની છવાઇ ગઇ છે.

(11:31 am IST)