રાજકોટ
News of Friday, 30th October 2020

૮૦ ફુટ રોડ પર જલ્પા અને ચાપડી ઉંધીયાના ધંધાર્થીની પત્નિ ફોરમ વચ્ચે ડખ્ખો થતાં જલ્પા ફિનાઇલ પી ગઇ

ચાપડીની રેકડીએ કામ કરતાં પતિ અશોકને જલ્પા તેડવા આવતાં ચડભડ થયા બાદ મારામારીઃ ફોરમ અને તેનો પતિ વિશાલ મુળ ગોંડલ ચોરડીના વતનીઃ અશોકને ચોરડી ગામે લઇ જવા મામલે ડખ્ખો

રાજકોટ તા. ૩૦: વાણીયાવાડી મેઇન રોડ પર રહેતી જલ્પા અશોક વાળોતરીયા (આહિર) (ઉ.વ.૨૫) નામની પરિણીતા અને શેઠ હાઇસ્કૂલ સામે આશાપુરા ચાપડી ઉંધીયુ નામે રેંકડી રાખી ધંધો કરતાં ગોંડલના ચોરડી ગામના વિશાલ હદવાણી (પટેલ)ની પત્નિ ફોરમ વચ્ચે રાતે ચડભડ-મારામારી થયા બાદ જલ્પા ફિનાઇલ પી જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાઇ હતી.

જલ્પાએ જણાવ્યું હતું કે તેના લગ્ન છ વર્ષ પહેલા અશોક સાથે થયા છે અને સંતાનમાં એક પુત્ર છે. પતિ અશોક વિશાલની ચાપડી ઉંધીયાની લારીએ કામ કરે છે. થોડા દિવસથી પોતાને પતિ અશોક સાથે માથાકુટ ચાલતી હોઇ તે ઘરે આવતો નહોતો. ગત રાતે પોતે પતિને તેડવા ગઇ ત્યારે ચાપડીવાળા વિશાલની ઘરવાળી ફોરમે આ બાબતે માથાકુટ કરી હતી અને અશોકને પોતાના ગામ ચોરડી લઇ જવાની વાત કરતાં ઝઘડો થતાં પોતાને માઠુ લાગતાં ફિનાઇલ પી લીધી હતી.

બીજી તરફ ફોરમ વિશાલ હદવાણી (ઉ.વ.૨૨-રહે. ચોરડી તા. ગોંડલ) પણ પોતાને ચાપડી ઉંધીયાની રેંકડી પાસે જલ્પા અને તેની માતા કલ્પનાબેને  ઝઘડો કરી ઢીકા-પાટુનો માર માર્યાની ફરિયાદ સાથે સિવિલ હોસ્પિટલમાં દાખલ થઇ હતી. હોસ્પિટલ ચોકીના દેવરાજભાઇ નાટડાએ ભકિતનગર પોલીસમાં બંને એન્ટ્રી નોંધાવી હતી.

(11:30 am IST)