રાજકોટ
News of Friday, 30th October 2020

સાદગીપૂર્વક ઇદે મીલાદ સંપન્ન

ગાઇડ લાઇન અનૂસાર જુલૂસો નહીં યોજાતા મુસ્લિમ વિસ્તારો પૈગમ્બર જયંતિના નાદથી ગૂંજયા : અનેક સ્થળોએ 'કેક' કાપી વિતરણના કાર્યક્રમ યોજાયાઃ શુક્રવારના લીધે આખો દી' ઉત્સાહનો ધમધમાટ રહ્યો

રાજકોટ તા. ૩૦ :.. ઇસ્લામ ધર્મના સ્થાપક અને મહાન અંતિમ પૈગમ્બર હઝરત મુહમ્મદ સાહેબની જન્મ જયંતિ ઇદે મીલાદના સ્વરૂપમાં મુસ્લિમ સમાજ દ્વારા આજે સાદાઇપૂર્વક ઉજવવામાં આવી રહી છે.

વૈશ્વિક મહામાારી અને તંત્રની ગાઇડ લાઇન્સ મુજબ ઉજવણી થઇ રહી હોય મુસ્લિમ સમાજ દ્વારા ઇદે મીલાદના પ્રસંગે ખાસ આકર્ષણરૂપ રાબેતા મુજબ યોજાતા જુલૂસ આજે કોઇપણ શહેર કે ગામમાં યોજાયા નથી અને સાદગીપૂર્ણ તમામ ધાર્મિક વિધિઓ મસ્જીદોમાં રાબેતા મુજબ સંપન્ન થઇ છે.

બીજી તરફ આજે ઇદે મીલાદની ઉજવણી જાહેર માર્ગો ઉપર શકય નહીં થતા મુસ્લિમ વિસ્તારો પૂરતી સિમિત બની રહી છે. ત્યારે ગઇ રાતથી અને આજે આખો દિવસ મુસ્લિમ વિસ્તારો પૈગમ્બર જયંતિના નાદ સાથે ગૂંજતા રહ્યા હતાં.

લગભગ મુસ્લિમ વિસ્તારોમાં જાહેરમાં કેક કાપીને વિતરણ કરવાના કાર્યક્રમો યોજાયા હતા અને રાત્રી ભર ઇબાદ તો ચાલુ રાખી દેશ અને દેશવાસીઓની સુખ અને સમૃધ્ધિ ખાતર દુઆઓ માંગવામાં આવી છે.

સૌરાષ્ટ્ર-કચ્છમાંથી મળતા અહેવાલ અનૂસાર ઇદે મીલાદની સર્વત્ર સાદાઇથી ઉજવણી કરવામાં આવી છે બીજી તરફ આજે શુક્રવારના લીધે પણ ઇદનો બમણો ઉત્સાહ મુસ્લિમ સમાજમાં આખો દિવસ રહેવા પામ્યો છે.

ભાવનગર શહેર જીલ્લામાં ઇદે મિલાદની શાદગીપૂર્ણ ઉજવણી

જશ્ને ઇદે મિલાદુન્નબી  નિમિતે દર વર્ષે ભાવનગર શહેરના કસ્બા અંજુમને ઇસ્લામની આગેવાની હેઠળ શાનદાર ઝૂલૂસ નિકળતુ હતુ પરંતુ આ વર્ષે કોરોના મહામારીને ધ્યાને લઇ જુલૂસ મોકૂફ રાખવામાં આવ્યું છે. ઇદે મિલાદ નિમિતે ભાવનગર શહેરના મુસ્લીમ વિસ્તારો, શેરી, મહોલ્લાહ અને ઘર ઉપર લાઇટ ડેકોરેશન, કમાનો, ઇસ્લામી નિશાનો, લગાડવામાં આવ્યા છે. ભાવનગથર શહેરના મુસ્લીમ વિસ્તારોને શાનોશોકત સાથે શણગારવામાં આવ્યા છે. પરંતુ તમામ ધાર્મિક કાર્યક્રમો મોકૂફ રાખી ઇદે મિલાદની ઉજવણી શાદગી પૂર્ણ કરવામાં આવી રહી છે.

(11:30 am IST)