રાજકોટ
News of Thursday, 29th September 2022

ચલો ચલાવીએ ચરખા - મહાત્મા ગાંધી મ્યુઝિયમ ખાતે તા. ૧ થી ૩ ઓક્ટોબર ચરખા ચળવળનો ભાગ બનવા આહવાન

પરંપરાગત ચરખા સ્વાવલંબન અને સાદગીનું પ્રતીક, જીવન પ્રત્યે સર્વગ્રાહી અભિગમ અપનાવવાના પ્રતીક 'ચરખા' સાથે જોડાવાનો અવસર

રાજકોટ: ખાદી કાંતવાનું સાધન, ચરખો ગાંધીજીએ અપનાવી સ્વદેશીની ચળવળને વેગ આપવાનું કાર્ય કર્યું હતું. ઘર ઘર સુધી ચરખાને લોકપ્રિય કરવાનું કાર્ય ગાંધીજીએ કર્યું હતું. પરંપરાગત ચરખા સ્વાવલંબન અને સાદગીનું પ્રતીક, જીવન પ્રત્યે સર્વગ્રાહી અભિગમ અપનાવવાનું માધ્યમ સમયાંતરે  સિમિત બનતું ગયું. ચરખો કાંતવાની પ્રાચીન પરંપરાને પુનર્જીવિત કરવાના આશયથી ઈન્ટેક સંસ્થાના રાજકોટ ચેપ્ટર દ્વારા આગામી તા.૧ થી ૩ ઓક્ટોબર સુધી મહાત્મા ગાંધી મ્યુઝિયમ ખાતે પાયલોટ પ્રોજેક્ટના ભાગ રૂપે ત્રિદિવસીય વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું છે.

 આ વર્કશોપમાં સવારે ૧૧.૦૦ થી ૧.૦૦ કલાક દરમિયાન વિવિધ પ્રકારના ચરખા અંગેની લોકોને જાણકારી આપવામાં આવશે. તેમજ પેટી ચરખાનો ઉપયોગ કરઈ રીતે કરવો અને તેને કાંતવા અંગેની તાલીમ આપવામાં આવશે, તેમજ સાંપ્રત સમયમાં હર ઘર ચરખા અભિયાનને પ્રોત્સાહન આપવાની પ્રવૃત્તિઓ યોજવામાં આવશે.

  ’ચાલો ચલાવીયે ચરખા’ વર્કશોપનું સંચાલન દિપાલીબેન રાજ્યગુરુ અને તેમની ટીમના સભ્યો દ્વારા કરવામાં આવશે. આ વર્કશોપમાં જોડાવા ઈચ્છતા લોકોએ તેમનું નામ, સરનામું, ઉંમર અને કોન્ટેક્ટ નંબર ઈ-મેઈલ એડ્રેસ intachrajkot@gmail.com પર અથવા ૭૮૫૯૯૩૩૭૯૧ નંબર પર મેસેજ કરીને રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે. અત્રે ઉલ્લેખનીય છે કે, ઈન્ટેક સંસ્થાના રાજકોટ ચેપ્ટર દ્વારા હેરિટેઝ સ્થળો અને સંસ્કૃતિને રક્ષિત કરવા તેમજ તેમના ડોક્યુમેન્ટેશન માટે સંસ્થા કાર્યરત છે. જેમાં કલેકટર અરુણ મહેશ બાબુ, કમિશ્નર અમિત અરોરા સહીત રાજકોટના પ્રબુદ્ધ નાગરિકો જોડાયેલા છે.

(1:01 am IST)