રાજકોટ
News of Wednesday, 30th September 2020

ફરજના સિમાડા વિસ્તારી રાજકોટમાં ફરજ બજાવતાં છોટા ઉદેપુરના ડો. કાજલ બુંબડીયા

દરેક આરોગ્યકર્મી માટે કર્મભુમિ અને દર્દીઓ જ પરિવાર સમાન

રાજકોટ તા. ૩૦ : કોરોનાએ વિસ્તારેલા સીમાડાને રોકવા માટે આરોગ્ય કર્મીઓ પોતાની ફરજના સીમાડા વિસ્તારીને નિસ્પૃહ ભાવે કામ કરી રહ્યા છે. રાજયના દરેક જિલ્લામાં કોરોનાના દર્દીઓની સારવાર માટે કોઇપણ પ્રકારના ભય અને આનાકાની વિના ફરજ પર હાજર રહીને આરોગ્ય કર્મીઓ કામગીરી કરી રહ્યા છે. તો ચાલો આજે એવા આરોગ્યના કર્મવીરોને મળીએ જેઓ છેલ્લા કેટલાક મહિનાઓથી દર્દીઓની સારવાર અર્થે પોતાના પરિવાર અને મુળ કાર્યસ્થળ છોડીને રાજકોટમાં પોતાની ફરજ અદા કરી રહ્યા છે.

છોટા ઉદેપુરના સંખેડાના પી.એચ.સી. કેન્દ્રમાં મેડીકલ ઓફિસર તરીકે ફરજ નિભાવતા ડો. કાજલ બુંબડીયા છેલ્લા એક મહિનાથી રાજકોટના સમરસ કોવીડ કેર સેન્ટરમાં ઓકિસજન પર રહેલા કોરોના દર્દીઓની સારવાર કરી રહ્યા છે. રાજકોટમાં મળેલી ડ્યુટી વિશે વાતચીત કરતાં જણાવ્યું હતું કે, 'રાજકોટમાં કોરોનાને કારણે ઉભી થયેલી સ્થિતિને કાબુમાં લેવા માટે આરોગ્ય જગત એકજુટ બનીને કાર્ય કરી રહ્યું છે. ત્યારે રાજકોટના દર્દી નારાયણની સારવારમાં તબીબ સ્ટાફની કોઈ કમી ન સર્જાય તેવા હેતુસર અન્ય જિલ્લામાંથી આરોગ્ય કર્મીઓ ફરજ નિભાવી રહ્યા છે. આજે રાજકોટના સમરસ કોવીડ કેર સેન્ટરમાં સુરેન્દ્રનગર, છોટા ઉદેપુર, અરવલ્લી, આણંદ  અને પોરબંદર સહિતના જિલ્લાના આરોગ્ય કર્મીઓ દર્દીઓ માટે સેવારત છે.'

'વસુધૈવ કુંટુંબકમ્'ની ભાવનામાં માનતા ભારત દેશના આરોગ્ય કર્મીઓ આજે સાચા અર્થમાં કોરોના દર્દીઓને પરિવારની હુંફ આપીને તેમની સેવા-સુશ્રુષા કરી રહ્યા છે. ફરજને પ્રાધાન્ય આપીને કર્મ કરી રહ્યા છે. ત્યારે તબીબોની કર્તવ્યપરાયણતાની વિશાળતા અચુક કોરોનાની અસરને સંકુચિત કરીને રહેશે.

(1:23 pm IST)