રાજકોટ
News of Friday, 30th July 2021

રૂ. ૧૬ લાખનો ચેક રિટર્ન થતા પુનાની કંપનીના સંચાલક સામે કોર્ટમાં ફરીયાદ

રાજકોટ, તા. ૩૦ :  રૂ. ૧૬,૪૦,૭૧૮-૮૦ પૈસાનો ચેક રીટર્ન થતા એકર શેરીંગ એન્ડ બેન્ડીંગ સોલ્યુશન-પુનાની સામે રાજકોટ કોર્ટમાં ફોજદારી ફરીયાદ થયેલ છે.

રાજકોટના અટીકા ઇન્ડસ્ટ્રીઝ એરીયામાં આવેલ જયશ્રી મશીન ટુલ્સ પ્રા. લી.ના મેનેજીંગ ડાયરેકટર-નલિનભાઇ દયાળજીભાઇ હરસોડા કે જેઓ હાઇડ્રોલીક અને મિકેનીકલ મશીનરીનું ઉત્પાદન કરે છે તેઓની પાસેથી પુનાની પ્રખ્યાત કંપની એકર શેરીંગ એન્ડ બેન્ડીંગ સોલ્યુશનના ઓથોરાઇઝ સીગ્નેચર નવીન્દ્રભાઇએ વેપારી સંબંધોના હિસાબે ઉધાર માલ કે જેમાં મીકેનિકલ અન્ડરક્રે શેરીંગ મશીનો, મીકેનિકલ પ્રેસબ્રેક મશીનો વગેરે જેવી આઇટમો રૂ. ૧૬,૪૦,૭૧૮-૮૦ પૈસાની ખરીદી ઇન્વોઇલ બીલ મુજબ ઉધારમાલ ખરીદ કરેલ.

આ અંગે ફરીયાદીના બુકસ ઓફ એકાઉન્ટ મુજબ ઉપરોકત રકમ કાયદેસરની લેણી બાકી નીકળતી રકમ ચુકવણી કરવા વાસ્તે રૂ. ૧૬,૪૦,૭૧૮-૮૦ પૈસાનો ચેક લખી આપેલ અને વિશ્વાસ, ખાત્રી અને બાંહેધરી આપેલ કે સદરહું ચેક બેંકમાં રજુ કર્યે થી પાસ થઇ જશે અને તમોને તમારી રકમ મળી જશે. આમ વિશ્વાસ રાખીને ફરીયાદી કંપનીએ, આરોપી કંપની પાસેથી ચેક સ્વીકારેલ અને તેઓની સુચના અનુસાર ફરીયાદીએ બેંકમાં રજુ કરેલ. પરંતુ સ્ટોપ્ડ પેમેન્ડના કારણે ચેક બેંકમાંથી રીટર્ન થયેલ. જેથી કાયદા મુજબ તથા નિયમ મુજબ, સમય મર્યાદામાં ફરીયાદી કંપનીએ આરોપી કંપનીને તેમના એડવોકેટશ્રી હર્ષદકુમાર એસ. માણેક દ્વારા લીગલ ડીમાન્ડ સ્ટેચ્યુટરી નોટીસ આપેલ છતાં પણ તેનું પાલન કરેલ નહી કે રકમ ચુકવેલ નહીં કે નોટીસનો જવાબ પણ આાપેલ નહીં. જેથી છેવટે ચેક રીટર્ન થવા સબબની ફોજદારી ફરીયાદ રાજકોટની ચીફ જયુડી. મેજી. ની કોર્ટમાં (સ્પે. કોર્ટમાં) દાખલ કરેલ છે. આરોપીને હાજર થવા કોર્ટે યોગ્ય હુકમ કરેલ છે.

આ કામમાં ફરીયાદી-જયશ્રી મશીન ટુલ્સના મેનેજીંગ ડાયરેકટરશ્રી નલિનભાઇ દયાળજીભાઇ હરસોરા વતી રાજકોટના જાણીતા ધારાશાસ્ત્રી શ્રી હર્ષદકુમાર એસ. માણેક, ભરતભાઇ જોષી, સોનલબેન ગોંડલીયા, જાગૃતિબેન કેલૈયા, હેતલબેન ભટ્ટ રોકાયેલ છે. 

(3:18 pm IST)