રાજકોટ
News of Friday, 30th July 2021

પ્રદ્યુમન પાર્ક ઝુના મહેમાન બનશે સફેદ મોર-સફેદ સ્પુનબિલ

રાજકોટ ઝુ અને સુરત ઝુ ૪-૪ પ્રાણીઓ એક બીજાને અપાશે : પ્રદ્યુમન પાર્ક ઝુ અને સુરતના ઝુલોજીકલ ગાર્ડન વચ્ચે પ્રાણીઓના આદાનપ્રદાન થશે

રાજકોટ,તા. ૩૦ : શહેરની ભાગોળે પ્રદ્યુમન પાર્ક ઝુમાં, સેન્ટ્રલ ઝૂ ઓથોરીટી, ન્યુ દિલ્હીના માર્ગદર્શન હેઠળ આધુનિક ઢબે વિકાસ કરવામાં આવી રહ્યો છે. દર વર્ષે વન્યપ્રાણી વિનિમય હેઠળ ભારતના અન્ય ઝૂ પાસેથી નવા નવા વન્યપ્રાણી-પક્ષીઓ મેળવી રાજકોટ ઝૂનો વિકાસ કરવામાં આવે છે. તેમ મેયર ડો.પ્રદિપ ડવ, ડે.મેયર ડો.દર્શિતાબેન શાહ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પુષ્કરભાઈ પટેલ, મ્યુનિસિપલ કમિશનર અમિત અરોરા, શાસક પક્ષ નેતા વિનુભાઈ ઘવા, દંડક સુરેન્દ્રસિંહ વાળા તથા બાગ બગીચા સમિતિ ચેરમેન અનિતાબેન ગોસ્વામીએ જણાવ્યું છે.

રાજકોટ મહાનગરપાલિકાના પ્રાણીઉદ્યાન અને સુરતના ડો.શ્યામા પ્રસાદ મુખર્જી ઝુલોજીકલ ગાર્ડન વચ્ચે વન્ય પ્રાણીઓના આદાનપ્રદાન માટે સેન્ટ્રલ ઝૂ ઓથોરીટી ન્યુ દિલ્હી દ્વારા મંજુરી મળેલ છે.

જેમાં પ્રથમ તબક્કે રાજકોટ ઝૂ દ્વારા સુરત ઝૂને સફેદ વાઘ જોડી-૦૧, શિયાળ જોડી-૦૧ અને સિલ્વર ફીઝન્ટ જોડી-૦૧ આપવામાં આવેલ છે તેમજ સુરત ઝૂ ખાતેથી જળ બિલાડી જોડી-૦૧ તથા દીપડા જોડી-૦૧ રાજકોટ ઝૂને આપવામાં આવેલ છે. બાકી રહેલ વન્યપ્રાણી-પક્ષીઓનું વિનિમય ટૂંક સમયમાં પૂર્ણ કરવામાં આવશે. હાલ આ તમામ પ્રાણીઓને બે અઠવાડિયા સુધી કવોરેન્ટાઇનમાં અવલોકન હેઠળ રાખવામાં આવેલ છે. કવોરેન્ટાઇન સમય પૂર્ણ થતા મુલાકાતીઓ માટે પ્રદર્શિત કરવામાં આવશે. ગુજરાતમાં નર્મદા નદીમાં જોવા મળતી જળ બિલાડી ખુબ જ રમતીયાળ હોય, મુલાકાતીઓ માટે આકર્ષકનું કેન્દ્ર બની રહેશે. હાલ રાજકોટ ઝૂ ખાતે જુદી જુદી ૫૫ પ્રજાતિના કુલ-૪૫૦ પ્રાણી-પક્ષીઓ મુલાકાતીઓ માટે પ્રદર્શિત કરવામાં આવી રહ્યા છે. (૨૨.૪૭)

કયાં કયાં પ્રાણીઓની અદલા -બદલી

ક્રમ  રાજકોટ ઝૂ થી સુરત ઝૂ    સુરત ઝૂ થી રાજકોટ ઝૂ

૧    સફેદ વાઘ જોડી-૦૧       જળ બિલાડી જોડી-૦૧

૨    શિયાળ જોડી-૦૧           દીપડા જોડી-૦૧

૩    હોગ ડીઅર જોડી-૦૧       સફેદ મોર જોડી-૦૧

૪    સિલ્વર ફીઝન્ટ જોડી-૦૧   સફેદ સ્પુનબિલ જોડી-૦૧

(3:08 pm IST)