રાજકોટ
News of Friday, 30th July 2021

ગોડાઉન રોડ ફૂટપાથ પર કોઠારીયા સોલવન્ટના રાજેશભાઇ જાદવનું મોત

પીવાની ટેવને લીધે ઘર છોડી ફૂટપાથ પર રહેતા'તા

રાજકોટ તા. ૩૦: કોઠારીયા સોલવન્ટ શિતળાધાર ૨૫ વારીયામાં રહેતાં રાજેશભાઇ ભીખાભાઇ જાદવ (ઉ.વ.૪૫) ગોડાઉન રોડ પર કનક પ્લાસ્ટીક સામે ફૂટપાથ પર બેભાન થઇ જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ તબિબે મૃત જાહેર કર્યા હતાં.

હોસ્પિટલ ચોકીના વાલજીભાઇ નિનામાએ જાણ કરતાં એ-ડિવીઝનના આર. એલ. વાઘેલાએ જરૂરી કાર્યવાહી કરી હતી. મૃતકના સગાએ જણાવ્યા મુજબ  રાજેશભાઇને સંતાનમાં ચાર પુત્રી અને એક પુત્ર છે. અગાઉ તેઓ છુટક મજૂરી કરતાં હતાં. મુળ મહારાષ્ટ્રા વતની હતાં. કેટલાક સમયથી દારૂ પીવાની આદત પડી ગઇ હોઇ ઘર છોડી ફૂટપાથ પર જ રહેતાં હતાં. બિમાર થઇ જતાં કેટલાક સમયથી જમવાનું પણ છોડી દીધું હતું. ગઇકાલે ફૂટપાથ પર જ બેભાન થઇ ગયા હતાં અને દમ તોડી દીધો હતો.

આર્થિક ભીંસને લીધે મુળજીભાઇએ ઝેર પીધું

આજીડેમ પાસે માંડા ડુંગર ભીમરાવનગર-૧૧માં રહેતાં મુળજીભાઇ રૂપાભાઇ ડોડીયા (ઉ.વ.૬૫)એ આર્થિક ભીંસને લીધે ઝેરી દવા પી લેતાં સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવતાં આજીડેમ પોલીસને જાણ કરાઇ હતી. તેમને સંતાનમાં બે પુત્ર છે. એક અલગ રહે છે. પોતે અગાઉ મધ્યાહન ભોજનનું કામ કરતાં હતાં. પણ હાલમાં યોજના બંધ હોઇ આર્થિક મુંજવણ ઉભી થતાં પગલુ ભર્યાનું તેના સગાએ કહ્યું હતું.

મહિલાએ અને યુવાને બ્લીચીંગ-ફિનાઇલ પીધા

બે અલગ અલગ બનાવમાં નવાગામ સાત હનુમાન પાસેના પીપળીયામાં કિંગ સોસાયટીમાં રહેતી નાયદાબેન જાવેદ ઇદ્રીશી (ઉ.વ.૨૫) બ્લીચીંગ વોટર પી જતાં અને મવડી ઓમનગર-૪માં રહેતો અતુલ વાલજીભાઇ ચોૈહાણ (ઉ.૨૯) ફિનાઇલ પી જતાં બંનેને સિવિલ હોસ્પિટલમાં ખસેડાતાં કુવાડવા રોડ પોલીસ અને તાલુકા પોલીસને જાણ કરાઇ હતી.

(1:08 pm IST)