રાજકોટ
News of Monday, 30th July 2018

જુના માર્કેટ યાર્ડના નાલા પાસે ટ્રકે લુનાને ઉલાળી દેતાં ગંજીવાડાના કોળી વૃધ્ધનું મોત

યાર્ડમાં આવેલી પોતાની ફરસાણની દૂકાનેથી ચીજવસ્તુ લેવા નીકળ્યા અને અકસ્માત નડ્યો

અકસ્માતગ્રસ્ત બંને વાહનો અને તળશીભાઇ કોળીનો નિષ્પ્રાણ દેહ જોઇ શકાય છે

રાજકોટ તા. ૩૦: જુના માર્કેટ યાર્ડ નજીક નાલા પાસે પેટ્રોલ પંપ નજીકના રોડ પર સાંજે ટ્રકે લુનાને ઉલાળી દેતાં લુના ચાલક ગંજીવાડામાં રહેતાં કોળી વૃધ્ધનું ગંભીર ઇજા થતાં મોત નિપજ્યું હતું.

ગંજીવાડા-૬૬માં રહેતાં અને જુના યાર્ડમાં ફરસાણની દૂકાન ચલાવતાં તળશીભાઇ દાનાભાઇ કુંભાણી (ઉ.૬૫) નામના કોળી વૃધ્ધ સાંજે યાર્ડથી લુના નં. જીજે૩કયુ-૬૬૨૯ હંકારીને બહાર નીકળ્યા ત્યારે યાર્ડના નાલા પાસે ટ્રક નં. જીજે૩બીવી-૯૮૪૪ના ચાલકે ઠોકરે ચડાવતાં ગંભીર ઇજા થતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ મોત નિપજ્યું હતું.

બનાવ અંગે હોસ્પિટલ ચોકીના જગુભા ઝાલા અને રવિભાઇ ગઢવીએ આજીડેમ પોલીસને જાણ કરી હતી. મૃત્યુ પામનાર તળશીભાઇ બે ભાઇ અને બે બહેનમાં મોટા હતાં. સંતાનમાં ત્રણ પુત્રી અને ચાર પુત્ર છે. બનાવની પરિવારમાં ગમગીની છવાઇ ગઇ હતી.

(4:13 pm IST)