રાજકોટ
News of Thursday, 30th June 2022

કાલે સ્‍વામિનારાયણ ગુરૂકુળમાં ધર્મજીવનદાસજી સ્‍વામીનો જન્‍મોત્‍સવ : અષાઢી બીજની રથયાત્રા

યજ્ઞ-સર્વરોગ કેમ્‍પ : ૪ વાગ્‍યે ગુરૂકુળથી રાજમાર્ગો પર દર્શનીય યાત્રા

રાજકોટ,તા. ૩૦ : શ્રી સ્‍વામિનારાયણ ગુરૂકુલ રાજકોટના સ્‍થાપક પ.પૂ.સદગુરૂ શ્રી ધર્મજીવનદાસજી સ્‍વામીની અષાઢી બીજના રોજ ૧૨૧મી જન્‍મજયંતિ ગુરૂકુલ પરિવાર અને સ્‍વામિનારાયણ સંપ્રદાયના અનુયાયીઓ ધાર્મિક આયોજનો કરી હર્ષાલ્લસા સાથે ઉજવી કાલે શુક્રવારે કાર્યક્રમો યોજાયેલ છે.

સ્‍વામિનારાયણ સંપ્રદાયના વિરલ પૂ.શાષાીજી મહારાજે સન્‌ ૧૯૪૮ ભારતની ઉગતી આઝાદી સાથે સૌરાષ્‍ટ્રના પાટનગર રાજકોટ ખાતે ફકત ૭વિદ્યાર્થીઓથી શ્રી સ્‍વામિનારાયણ ગુરૂકુલનો શુભારંભ કર્યો. આ દિવસેથી લઇ આજ દિવસ સુધી ગુરૂકુલની પ્રગતી દિનપ્રતિદિન વધતી રહી છે. આજે દેશ-વિદેશમાં ગુરૂકુલની ૫૦ શાખાઓ કાર્યરત છે. અને તેના મહંત તરીકે સદગુરૂ શ્રી દેવકૃષ્‍ણદાસજી સ્‍વામી સેવા આપી રહ્યા છે. આ બધી સંસ્‍થાઓમાં ત્રીસ હજાર જેટલા વિદ્યાર્થીઓ અભ્‍યાસની સાથે સદ્‌વિદ્યા અને બ્રહ્મવિદ્યાનું શિક્ષણ પ્રાપ્‍ત કરી રહ્યા છે.

કાલે અષાઢી બીજના રોજ સવારના ૭ કલાકથી ધુન-ભજન અને સ્‍વામીના ગુણાનુવાદની સભા થશે. ૪૧૨ કલાકની અખંડ ધુન થશે. સ્‍વામીજી જ્‍યાં પોતાનું જીવન વિતાવ્‍યુ હતું. તે રૂમમાં આખો દિવસ દર્શન થઇ શકશે. આ પવિત્ર દિવસે રથયાત્રાના દર્શન મંદિરમાં થશે તથા યજ્ઞશાળામાં વિષ્‍ણુયાગ અને ગુરૂકુલ હોસ્‍પિટલમાં સર્વરોગ નિદાન કેમ્‍પ રાખવામાં આવેલ છે. તો લાભ લેવા રાજકોટ ગુરૂકુલ પરિવારને નિમંત્રણ પાઠવેલ છે.

બપોરના ચાર વાગ્‍યે જગન્‍નાથજી રથયાત્રા ગુરૂકુલથી નીકળશે. જેમાં સ્‍વામીજીના દર્શન પણ થશે. આ રથયાત્રા ઢેબર રોડ સ્‍વામિનારાયણ ગુરૂકુલથી નાગરીક બેંક ચોક, ભકિતનગર સર્કલ, ૮૦ ફુટ રોડ, વાણીયા વાડી, જલારામ ચોક, પારડી રોડ, આનંદનગર રોડ, કોઠારિયા રોડ, સહકાર રોડ, ત્રિશુલ ચોક, ગાયત્રીનગર મેઇન રોડ, જલારામ ચોક, ધર્મજીવન મેઇન રોડ થઇ ગુરૂકુલ પરત પધારશે. ધર્મજીવન મેઇન રોડ થઇ ગુરૂકુલ પરત પધારશે. આ પવિત્ર દિવસે ધુન-ભજન તથા રથયાત્રાનો લાભ લેવા રાજકોટ ગુરૂકુલ પરિવારે ભકતોને નિમંત્રણ પાઠવેલ છે.

(2:48 pm IST)