રાજકોટ
News of Thursday, 30th June 2022

ધર્મરાજ પાર્કમાં 'દાદીની દયા' નામના મકાનમાં દરોડોઃ દારૃના જથ્થા સાથે દિપકડોસાની ધરપકડ

યુનિવર્સિટી પોલીસે અલગ અલગ ૫૭ બોટલો કબ્જે કરીઃ પોતાનો અને પથારીવશ ભાઇની દવાનો ખર્ચ કાઢવા દમણથી બોટલો લાવ્યાનૂં રટણ

રાજકોટ તા. ૩૦: ગાંધીગ્રામમાં ધરમનગર મેઇન રોડ પ શિવમ્ પાર્કની બાજુમાં આવેલા ધર્મરાજપાર્ક-૫માં 'દાદીની દયા' નામના મકાનમાં રહેતો એક વૃધ્ધ દારૃનો વેપલો કરતો હોવાની અને ઘરમાં જથ્થો હોવાની બાતમી મળતાં યુનિવર્સિટી પોલીસે દરોડો પાડતાં રૃા. ૨૬૧૬૦નો ૫૭ બોટલ દારૃ મળતાં ધરપકડ કરી હતી.

પોલીસે દિપક મુળજીભાઇ કોટક (ઉ.૬૪) નામના વૃધ્ધની ધરપકડ કરી તેની પાસેથી સિગ્નેચર, બ્લેક બાય બકાર્ડી, રોયલ સ્ટેગ બેરલ, કલાસીક અને મેકડોવેલ્સ નંબર વનની બોટલો કબ્જે કરી છે.

પીઆઇ એ. બી. જાડેજાની રાહબરીમાં પીએસઆઇ એ. બી. જાડેજા, હેડકોન્સ. રાજેશભાઇ મિયાત્રા, યુરવાજસિંહ ઝાલા, સિધ્ધરાજસિંહ જાડેજા, ભગીરથસિંહ ખેર, કોન્સ. બલભદ્રસિંહ જાડેજા, ગોપાલસિંહ જાડેજા, વનરાજભાઇ લાવડીયા, દિવ્યરાજસિંહ જાડેજા અને બ્રિજરાજસિંહ ગોહિલે કાર્યવાહી કરી હતી. પોલીસે પ્રાથમિક પુછતાછ કરતાં એવી વિગતો ખુલી હતી કે પકડાયેલા વૃધ્ધ તેના ભાઇ સાથે રહે છે. ભાઇ પણ પથારીવશ છે અને આ વૃધ્ધને પણ બિમારી છે. દવાના ખર્ચા કાઢવા દમણથી બોટલો વેંચવા માટે લાવ્યાનું કબુલ્યું હતું.

(12:09 pm IST)