રાજકોટ
News of Thursday, 30th June 2022

પારકી પરણેતર સાથેના પ્રેમનો કરૂણ અંજામઃ ગાંધીગ્રામમાં ૨૦ વર્ષના અખ્તરની છરીના ૧૧ ઘા ઝીંકી દઇ ક્રુર હત્યા

નાણાવટી ચોક આવાસ કવાર્ટરમાં નાનીમા સાથે રહેતાં યુવાનને નીચેના બ્લોકમાં રહેતી મુળ ગોવાની નેન્સી સાથે બે વર્ષથી પ્રેમ હતોઃ રાતે પ્રેમિકા સાથે બેઠો'તો ત્યાં જ તેણીનો પતિ હુશેન દલવાણી આવી ગયો ને ખચાખચ ઘા ઝીંકી દીધા :અખ્તર મંડપ સર્વિસમાં નોકરી કરતો હતોઃ એક વર્ષનો હતો ત્યારે જ માતાએ છુટાછેડા લઇ બીજુ ઘર કર્યુ હોઇ તેને નાનીમાએ ઉછેર્યો હતોઃ યુનિવર્સિટી પોલીસે મૃતકના નાની રસિદાબેન જેઠવાની ફરિયાદ પરથી હુશેન અને અજાણ્યા સામે ગુનો નોંધ્યોઃ આરોપીઓની શોધખોળ : રસિદાબેન ઘરમાં હતાં ત્યારે અખ્તરની પ્રેમિકા નેન્સીએ આવી કહ્યું-જલ્દી ચાલો મારા પતિ હુશેને અખ્તરને છરીના ઘા મારી દીધા છેઃ હોસ્પિટલે ખસેડાયો પણ મૃતદેહ જ પહોંચ્યાનું જાહેર થયું

વધુ એક હત્યાઃ શહેરમાં હત્યાની વધુ એક ઘટનામાં ગાંધીગ્રામ નાણાવટી ચોક આવાસ યોજના કવાર્ટરમાં રહેતાં૨૦ વર્ષના અખ્તરને તેની પ્રેમીકા નેન્સીના પતિ હુશેને છરીના ખચાખચ ૧૧ ઘા ઝીંકી રહેંસી નાંખ્યો હતો. બનાવ સ્થળ, અખ્તરનો નિષ્પ્રાણ દેહ અને તેનો ફાઇલ ફોટો જોઇ શકાય છે
જેના કારણે હત્યા થઇ એ હુશેનની પત્નિ નેન્સી
પત્નિના પ્રેમીને ક્રુરતાથી પતાવી દેનારો હુશેન દલવાણી
રાજકોટ તા. ૨૯:  શહેરમાં હત્યાની વધુ એક ઘટના બની છે. ગાંધીગ્રામ નાણાવટી ચોકમાં આવાસ યોજના કવાર્ટરમાં પોતાના નાનીમા સાથે રહેતાં ૨૦ વર્ષના ઘાંચી મુસ્લિમ યુવાનને નીચેના બ્લોકમાં રહેતી બે પુત્રીની માતા એવી મુસ્લિમ પરિણીતા સાથે બે ત્રણ વર્ષથી પ્રેમ હોઇ ગત રાતે તે પ્રેમિકા સાથે કવાર્ટર સામેની શેરીમાં બેઠો હતો ત્યારે જ પ્રેમિકાનો પતિ આવી જતાં બંનેને મારકુટ કર્યા બાદ પત્નિની નજર સામે જ તેના પ્રેમીને છરીના ૧૧ જેટલા ઘા ગળા, પેટ, સાથળ, પડખા, બંને કોણી પાસે ઝનૂન પુર્વક ઝીંકી દઇ આંતરડા કાઢી નાંખી મોતને ઘાટ ઉતારી દીધો હતો. હત્યા બાદ તે અન્ય એક શખ્સ સાથે ભાગી ગયો હતો. બે પુત્રીની મા એવી પારકી પરણેતર સાથેના પ્રેમમાં વીસ વર્ષના યુવાને જીવ ગુમાવતાં નાણાવટી ચોક વિસ્તારમાં ચકચાર મચી ગઇ હતી.
આ બનાવમાં યુનિવર્સિટી પોલીસે હત્યાનો ભોગ બનેલા અખ્તર હુશેનભાઇ પાયક (ઉ.વ.૨૦)ના નાનીમા નાણાવટી ચોક આવાસ યોજના કવાર્ટર બ્લોક નં. ૧૫ કવાર્ટર નં. ૩૬૪માં રહેતાં રસીદાબેન કરીમભાઇ જેઠવા (ઘાંચી) (ઉ.વ.૬૧)ની ફરિયાદ તેમના નીચેના બ્લોક નં. ૧૨માં જ રહેતાં હુશેન ઇબ્રાહીમભાઇ દલવાણી તથા અજાણ્યા શખ્સ સામે આઇપીસી ૩૦૨, ૧૧૪ મુજબ હત્યાનો ગુનો નોંધ્યો છે.
રસીદાબેન જેઠવાએ પોલીસને જણાવ્યું છે કે હું નાણાવટી ચોકમાં રહુ છું અને પારકા ઘરના કામ કરુ છું અને મારી મોટી દિકરી રેશ્માબેનનો પુત્ર અખ્તર (ઉ.૨૦) મારી સાથે જ રહેતો હતો. મારા પતિ કરીમભાઇને માનસિક બિમારી હોઇ તે નવેક વર્ષ પહેલા ઘરેથી નીકળી ગયા બાદ પત્તો નથી. મારે સંતાનમાં બે દિકરી અને એક દિકરો છે. જેમાં મોટા દિકરાનું અવસાન થઇ ગયું છે. તેનાથી નાની દિકરી રેશ્માબેન અને તેનાથી નાની શબાનાબેન છે. મોટી રેશ્માના લગ્ન એકવીસ વર્ષ પહેલા હુશેન વલીભાઇ પાયક સાથે થયા હતાં. તેના થકી તેને સંતાનમાં એક દિકરો અખ્તર હતો. અખ્તરનો જન્મ થયાના એકાદ વર્ષ પછી મારી દિકરી રેશ્માબેનના તેના પતિ હુશેન સાથે છુટાછેડા થઇ ગયા હતાં. એ પછી થોડા સમય બાદ રેશ્માએ મુકેશ બાબુભાઇ વ્યાસ સાથે બીજા લગ્ન કર્યા હતાં. ત્યારથી તે તેની સાથે રહેવા જતી રહી હોઇ તેનો દિકરો અખ્તર મારી સાથે રહેતો હતો.
રસિદાબેને વધુમાં જણાવ્યું હતું કે મારી સગી બહેન અમીનાબેન અબ્દુલભાઇ રાઉમા હતાં તે અને તેના પતિ બંને અવસાન પામ્યા છે. તેનો દિકરો આરીફ જે હાલ ભગવતીપરામાં રહે છે અને મારી ઘરે ત્રણ ચાર દિવસે આટો મારવા આવતો રહે છે. અમારી આવાસ યોજનાનાં નીચેના કવાર્ટરમાં નેન્સી હુશેન ઇબ્રાહીમ દલવાણી  રહે છે. તેની સાથે મારા દોહિત્ર અખ્તરને બે ત્રણ વર્ષથી પ્રેમ સંબંધ હતો અને બંને અવાર-નવાર મળતાં હતાં. મંગળવારે ૨૮મીએ રાતે સવા નવેક વાગ્યે હું તથા મારી બહેનનો દિકરો આરીફ ઘરે હતાં ત્યારે નેન્સી હુશેન દલવાણી મારા ઘરે આવી હતી અને વાત કરી હતી કે, 'મારા પતિ અને અખ્તર વચ્ચે મારામારી થઇ છે, મારા પતિ તથા તેની સાથેના શખ્સોએ અખ્તરને છરીના ઘા મારી દીધા છે, તમે જલ્દી આવો' તેમ કહેતાં મારો ભાણેજ નેન્નસી સાથે ગયો હતો અને થોડીવાર બાદ ઘરે આવી કહેલું અખ્તરને છરી, પેટમાં છરીના ઘા લાગ્યા છે અને ૧૦૮ મારફત હોસ્પિટલે લઇ ગયા છે.
ત્યારબાદ હું અને ભાણેજ આરીફ હોસ્પિટલે પહોંચ્યા હતાં. પરંતુ ડોકટરે અખ્તરનું મોત થયાનું જણાવ્યું હતું. એ પછી મે સગા સંબંધીને જાણ કરી હતી. આરીફ અને બીજા સગાએ જોતાં અખ્તરને છાતીના ભાગે, પેટમાં, ડાબા અને જમણા પડખામાં, બંને કોણી અને સાથળના ભાગે તેમજ બેઠકના ભાગે મળી છરીના ૧૧ જેટલા ઘા ઝીંકાયા હોવાનું જણાયું હતું. તેમજ જમણા પડખાના ભાગેથી આંતરડા બહાર નીકળી ગયેલા જોવા મળ્યા હતાં.
એ પછી હુશેનની પત્નિ નેન્સી પણ હાજર હોઇ તેને મેં અને ભાણેજ આરીફે બનાવ બાબતે પુછતાં નેન્નસીએ કહ્યું હતું કે હું અને અખ્તર રાતે આવાસ યોજના કવાર્ટરની સામેની શેરીમાં મળવા માટે ભેગા થયા હતાં. તે વખતે જ મારો પતિ હુશેન અને તેની સાથે અજાણ્યો શખ્સ બાઇક પર આવ્યા હતાં અને અખ્તર સાથે ઝઘડો કરી અમને બંનેને મારકુટ કરી હતી.  તેમજ હુશેને છરીના ઘા અખ્તરને ઝીંકી દીધા હતાં. રસિદાબેનની ઉપરોકત વિગતોને આધારે પીઆઇ એ. બી. જાડેજા, રાજેશભાઇ મિયાત્રા સહિતે ગુનો નોંધ્યો હતો. પીએસઆઇ એ. બી. જાડેજા અને ડી. સ્ટાફની ટીમે આરોપીઓને ઝડપી લેવા દોડધામ આદરી છે. બનાવની જાણ થતાં ક્રાઇમ બ્રાંચ અને એસઓજીની ટીમો પણ પહોંચી ગઇ હતી. મોડી રાતના ત્રણેક વાગ્યા સુધી પોલીસે આરોપીઓને શોધવા અલગ અલગ દિશામાં દોડધામ કરી હતી. હત્યાનો ભોગ બનનાર અખ્તર મંડપ સર્વિસમાં કામ કરતો હતો. તેના નાનીમાએ જણાવ્યું હતું કે અખ્તરને અમારા નીચેના બ્લોકમાં જ રહેતાં હુશેનની ઘરવાળી નેન્સી સાથે બે ત્રણ વર્ષથી પ્રેમ હતો. નેન્સી બે છોકરીની મા છે અને તે મુળ ગોવાની છે.
અગાઉ પણ અખ્તર અને હુશેન વચ્ચે બોલાચાલી થયા બાદ સમાધાન થયુ  હતું, આ વખતે હત્યા થઇ
પોલીસની પ્રાથમિક તપાસમાં ખુલ્યા મુજબ હત્યાનો ભોગ બનનાર અખ્તરને ત્રણેક વર્ષથી પારકી પરણેતર નેન્સી સાથે પ્રેમ થઇ ગયો હતો. નેન્સી ક્રિશ્ચીયન મુળ ગોવાની છે અને તેની સાથે હુશેન દલવાણીએ લવમેરેજ કર્યા છે. નેન્સીને બે પુત્રી છે. અખ્તરને પડોશી એવી નેન્સી સાથે પ્રેમ થઇ ગયો હોઇ બંને અવાર-નવાર મળતાં હતાં. અગાઉ પતિ હુશેનને જાણ થઇ જતાં તેણે અખ્તર સાથે માથાકુટ કરી હતી અને સમજાવ્યો હતો. જે તે વખતે સમાધાન થઇ ગયું હતું. પરંતુ ગત રાતે અખ્તરે કામેથી આવ્યા બાદ નેન્સીને ફોન કરી મળવા બોલાવી હતી. બંને ઘર નજીક નંદનવન સોસાયટીના ખુણે શેરીમાં બેઠા હતાં ત્યાં જ હુશેન આવી ગયો હતો અને આ વખતે વાત અખ્તરની હત્યા સુધી પહોંચી ગઇ હતી.

 

(1:33 pm IST)