રાજકોટ
News of Thursday, 30th June 2022

ગૂંડાગીરીની પાંચ મિનીટઃ કાલાવડ રોડ પર ચાર શખ્સોએ વેપારીને છરી ઝીંકી દૂકાન બંધ કરાવી

દૂકાનની ઉપરના ફલેટમાં રહેતાં કુલદીપ, ગટ્ટો, ચેતન અને અજાણ્યાએ રાતે ૧:૧૦ થી ૧:૧૫ સુધી આચરેલી ગૂંડાગીરી સીસીટીવી કેમેરામાં કેદ : શ્રીજી પાન એન્ડ કોલ્ડ્રીંકસવાળા દિલીપસિંહ સોલંકી છરી ઝીંકાયા બાદ દૂકાનમાં પુરાઇ જતાં ધોકા-ધૂંબા મારી શટર ખોલાવી ફરીથી હુમલો કર્યો, પાંચેક ફડાકા માર્યા, માથું પકડી દૂકાનના ઓટા પર પછાડ્યું: બીજા વેપારીઓએ છોડાવ્યાઃ તાલુકા પોલીસે ગુનો નોંધ્યો : કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ કાબૂમાં રાખવા પોલીસ ગમે તેટલી મથે, અમુકને જાણે પોલીસનો ડર જ નથી

આતંક હી આતંક

 તસ્વીરમાં વેપારી દિલીપસિંહને કઇ રીતે ધોકો ફટકારી દૂકાન બંધ કરવા ડરાવાયા તે દ્રશ્યો ઉપરની તસ્વીરોમાં જોઇ શકાય છે. બેઠક પર છરી ઝીંકાતા દૂકાનદાર અંદર જઇ શટર બંધ કરી દે છે એ પછી શટર ખોલાવવા ધોકા ધૂંબા ફટકારાય છે એ દ્રશ્ય નીચેની પ્રથમ તસ્વીરમાં અને પાંચ મિનીટ બાદ શટર ખોલાવી ફરી વેપારીને લાફા મારી તેનું માથુ ઓટા પર પછાડાય છે તે બીજી અને ત્રીજી તસ્વીરમાં અને સોૈથી છેલ્લે બીજા વેપારીઓ આવીને છોડાવે છે એ છેલ્લી તસ્વીરમાં જોઇ શકાય છે (સીસીટીવી ફૂટેજમાંથી લીધેલી તસ્વીર-અશોક બગથરીયા)

રાજકોટ તા. ૨૯: શહેરમાં કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિને કાબૂમાં લેવા પોલીસ ગમે તેટલા પ્રયાસો કરે પરંતુ જેને પોલીસથી ડરવું જ નથી એવા શખ્સો ગમે ત્યારે કાયદાની એક બે ને ત્રણ કરી નાંખે છે. સરાજાહેર મારામારી ગુંડાગીરીની ઘટનાઓ અવાર નવાર બનતી રહે છે. આવી વધુ એક ઘટના સામે આવી છે જેમાં કાલાવડ રોડ પાન એન્ડ કોલ્ડ્રીંકસની દૂકાન ધરાવતાં ગરાસીયા યુવાન રાતે એકાદ વાગ્યા પછી દૂકાન બંધ કરવાની તૈયારીમાં હતાં ત્યાં જ દૂકાન ઉપરના જ ફલેટમાં રહેતાં ચારેક શખ્સો છરી-ધોકા સાથે ધસી આવ્યા હતાં અને દૂકાન બંધ કરી દે, અમે આવીએ એટલે બંધ કરી જ દેવાની કહી માર મારી બેઠક પર છરી ઝીંકી દઇ આતંક મચાવ્યો હતો. વેપારી યુવાન ઓચીંતા હુમલાથી પોતાની દૂકાનમાં પુરાઇ જતાં આ શખ્સોએ પાંચેક મિનીટ સુધી શટર પર ધોકા-ધૂંબા મારી શટર ખોલાવી ફરીથી મારકુટ કરી આતંક મચાવ્યો હતો.

આ બનાવમાં તાલુકા પોલીસે યુનિવર્સિટી રોડ પુષ્કર ધામ નજીક વિમલનગર-૨માં બગીચા સામે રહેતાં દિલીપસિંહ કાળુભા સોલંકી (ઉ.૨૬) નામના ક્ષત્રિય યુવાનની  ફરિયાદ પરથી કુલદિપ વાઢેર, ગટ્ટો અને એક અજાણ્યો તથા ચેન રાઠોડ નામના શખ્સો વિરૃધ્ધ આઇપીસી ૩૨૪, ૩૨૩, ૫૦૪, ૫૦૬ (૨), ૧૧૪, ૧૩૫ મુજબ ગુનો નોંધ્યો છે.

દિલીપસિંહ સોલંકીએ જણાવ્યું હતું કે  હું પરિવાર સાથે રહુ છું અને કાલાવડ રોડ પર સામ્રાજ્ય એપાર્ટમેન્ટ નીચે શ્રીજી પાન એન્ડ કોલ્ડ્રીંકસ નામે દૂકાનમાં બેસી વેપાર કરુ છું. રાત્રે સવા એકાદ વાગ્યે હું મારી દૂકાને હતો અને સાફસફાઇ બાદ બંધ કરવાની તૈયારીમાં હતો ત્યાં ચારેક શખ્સો જેમાં ચેતન રાઠોડ, કુલદિપ રાઠોડ, તેની સાથે બે અજાણ્યા જેમાં એકનું નામ ગટ્ટો હતું તે આવ્યા હતાં અને ચેતને મને 'દૂકાન બંધ કર' કહી ગાળો દઇ બોલાચાલી કરતાં મેં તેને ગાળ બોલવાની ના પાડતાં કુલદિપ વાઢેરે તેની પાસેના ધોકાથી હુમલો કરી મને માર માર્યો હતો.

તેમજ ચેતને છરી કાઢી મને થાપાની ડાબી બાજુ બેઠકના ભાગે ઘા ઝીંકી મારી નાખવાની ધમકી આપી હતી. તેમજ બે અજાણ્યા શખ્સોએ ઢીકાપાટુનો માર માર્યો હતો અને ભાગી ગયા હતાં. મેં બૂમાબૂમ કરતાં બાજુની દૂકાનવાળા અજયભાઇ ભાટીયા આવી ગયા હતાં અને સામેની સાઇડમાં ઉભેલા શુભમભાઇ, રાજભાઇ તપણ આવી જતાં મને બચાવી સારવાર માટે લઇ ગયા હતાં. જ્યાં સાતેક ટાંકા આવ્યા હતાં. તાલુકા પોલીસ મથકના પીએસઆઇ પી. એમ. રાઠવાએ ગુનો નોંધી આરોપીઓની શોધખોળ હાથ ધરી છે.

ગૂંડાગીરીની આ ઘટનામાં સીસીટીવી ફૂટેજ વાયરલ થયા છે. જેમાં મારામારી કરનારા શખ્સો રાત્રે ૧:૧૦ કલાકે આવી દૂકાનદાર દિલીપસિંહને મારકુટ કરતાં અને ધક્કો મારી દૂકાનમાં ધકેલતાં દેખાય છે. ગભરાયેલા દૂકાનદાર શટર બંધ કરી પોતાની દૂકાનમાં પુરાઇ જાય છે. એ પછી પણ આ શખ્સો અટકતા નથી અને દૂકાનના શટર પર ધોકા-ધૂંબા મારી ખોલવા માટે દબાણ કરતાં દેખાય છે. બાજુની દૂકાનમાં  એક યુવાન સુતલો હોય છે તેની બાજુમાં જઇને એક શખ્સ બાંકડા પર પાટુ મારતો દેખાય છે. એ પછી દેકારો થતાં આ યુવાન જાગીને જ્યાં માથાકુટ થતી હોય છે તે તરફ જતો દેખાય છે. બીજી તરફ ત્રણ શખ્સો દૂકાનનું શટર ખોલાવવા શટર ઉપર ધોકા ધુંબા ફટકારવાનું ચાલુ જ રાખતાં દેખાય છે. પછી એક શખ્સ ઓટલો ઠેંકી અંદર જાય છે અને દૂકાનનું શટર ખોલાવે છે અને દૂકાનદારને એક શખ્સ લગભગ પાંચેક લાફા મારતો ફૂટેજમાં દેખાય છે. એ પછી એક શખ્સ તેનું માથુ પકડું દૂકાનના ઓટલા પર પછાડતો પણ દેખાય છે. બાદમાં તેને ખેંચીને બહાર કાઢે છે ત્યાં બીજા દૂકાનદારો આવી જાય છે અને માથાકુટ કરનારા શખ્સોને ત્યાંથી દૂર ખસેડે છે. આ બધુ ૧:૧૫ સુધી ચાલતું રહે છે.

વેપારી દિલીપસિંહના ભાઇ પ્રદિપસિંહે જણાવ્યું હતું કે મારા ભાઇનો કોઇ વાંક જ નહોતો. દૂકાન બંધ કરવાની તૈયારીમાં જ હતાં ત્યાં આ શખ્સોએ આવી અમે આવી એટલે દૂકાન બંધ જ કરી દેવાની, બંધ કરો કહી હુમલો કર્યો હતો. આ શખ્સો દૂકાનની ઉપરના ફલેટમાં જ રહે છે અને બાજુની હોસ્ટેલ સાથે પણ સંપર્ક ધરાવતાં હોવાનું જાણવા મળ્યું હતું. આ શખ્સો નશો કરેલી હાલતમાં હોય તેમ પણ લાગતું હતું. પોલીસે આ બધાની શોધખોળ હાથ ધરી છે.

ચારેય આરોપીને પકડી લેવાયાઃ એસીપી જે. એસ.ગેડમ

. આ ઘટનામાં તાલુકા પોલીસે રાતોરાત ચાર શખ્સોને પકડી લેવામાં આવ્યાનું એસીપી જે. એસ. ગેડમે જણાવ્યું છે. જે ચાર આરોપી પકડાયા છે તેમાં એક ચેતન રાઠોડ એમજી હોસ્ટેલનો છે અને બાકીના ત્રણ બીજે રહે છે. વધુ પુછતાછ થઇ રહી છે.

 

(3:36 pm IST)