રાજકોટ
News of Thursday, 30th June 2022

પીજીવીસીએલ ‘ઘીસોડા'ના માર્ગેઃ ફોલ્‍ટ સેન્‍ટરમાં કોન્‍ટ્રાકટ સીસ્‍ટમ

સીટી-ર ડીવીઝનના ૭ સબ ડીવીઝન માટે ર૭ લાખનું ટેન્‍ડર બહાર પાડયું: હવે ભાડૂતી માણસો ફોલ્‍ટ રીપેર કરી આપશે : શાપર-વેરાવળ તથા મેટોડા માટે પણ ટેન્‍ડરઃ હાલ જીઇબીના માણસો ફરિયાદ કરો એટલે તરત આવે છે...કોન્‍ટ્રાકટમાં લોકો હેરાન-પરેશાન થશે : ફોલ્‍ટ સેન્‍ટરમાં કોન્‍ટ્રાકટ સિસ્‍ટમથી લાઇટો ગૂલ થાય તો લોકો કલાકો હેરાન થવાનો પણ ભય : રાજકોટમાં ચોથા વીજ સબ ડીવીઝનની તાકિદે જરૂરીયાત શહેર વધી રહ્યું છે, હવે ડીવીઝન વધારો : મોટો હોબાળો મચી ગયોઃ લોકોમાં પ્રચંડ રોષ-દેકારોઃ ચૂંટણી આવે છે... ભાજપને ભારે પડવાનો ભયઃ કોઇ માથાભારે માણસોનું ટેન્‍ડર પાસ થયું તો... આ વિચાર માત્રથી પ્રજા ફફડી રહી છે

રાજકોટ,તા. ૨૯ : શહેરનો વિકાસ અને વિસ્‍તાર દિવસેને દિવસે વધી રહ્યો છે. નાગરીકોને સુવિધા પુરી પાડવીએ તમામ તંત્રની ફરજ અને જવાબદારી છે. એક સમયે ૮ થી ૧૦ લાખની વસ્‍તીનું રાજકોટ આજે ૨૦ લાખ ઉપર પહોંચતા તેની મુળભૂત જરૂરીયાતો લાઇટ-પાણી પણ વધી છે. ત્‍યારે પીજીવીસીએલ દ્વારા મનસ્‍વી નિર્ણય દ્વારા પ્રજા બાનમાં આવી જશે.
પીજીવીસીએલ હેઠળના સીટી-૨ ડીવીઝનમાં આવતા બધા સબ ડીવીઝનો તથા શાપર વેરાવળ અને મેટોડા સબ ડિવીઝનમાં  ફોલ્‍ટ સેન્‍ટર માટેનું ટેન્‍ડર બહાર પાડવામાં આવ્‍યુ છે. હાલ પીજીવીસીએલના સ્‍ટાફ દ્વારા જ પ્રજાની લાઇટ અંગેની ફરિયાદનું નિરાકરણ ત્‍વરીત કરવામાં આવી રહ્યુ છે. ત્‍યારે પ્રાઇવેટ પાર્ટીને ફોલ્‍ટ સેન્‍ટર સોંપવાનો નિર્ણય નગરજનો માટે ભારે મુશ્‍કેલી સર્જે એવી પરિસ્‍થિતી જાણી જોઇને ઉભી કરવામાં આવી રહી છે.
શહેરના સીટી-૨ ડીવીઝન હેઠળ પ્રદ્યુમનનગર, ઉદ્યોગ નગર, મહિલા કોલેજ, લક્ષ્મીનગર, બેડી નાકા, રૈયા રોડ અને માધાપર સબ ડીવીઝનનો સમાવેશ થાય છે. જેમાંથી રૈયા રોડ અને માધાપર સબ ડીવીઝનનું હાલમાં જ બાયફરગેશન કરવાનું નક્કી કરવામાં આવ્‍યુ છે. વધતી વસ્‍તીને ધ્‍યાને રાખી શહેરમાં ચોથા ડીવીઝન વધારો કરવાની જગ્‍યાએ બાયફરગેશન દ્વારા અન્‍ય સબ ડીવીઝનમાં લોડ વધારવાની કાર્યવાહીથી જાણે પીજીવીસીએલના ઉપરી અધિકારીઓની લાઇટ જ ગુલ થઇ ગઇ હોય તેવું લોકમુખે ચર્ચાય રહ્યુ છે.
ફોલ્‍ટ સેન્‍ટરમાં કોન્‍ટ્રાકટરના માણસો બેસવાથી જે ફોલ્‍ટ રીપેરીંગ ૧૦ થી ૩૦ મીનીટમાં થતુ તે હવે કોન્‍ટ્રાકટ સિસ્‍ટમને કારણે કલાકોએ થશે. તે વિચાર માત્રથી પ્રજામાં ફફડાટ વ્‍યાપી ગયો છે અને તેમાં પણ આ ટેન્‍ડર જો કોઇ બાહુબલી વ્‍યકિતના હાથમાં આવશે. તો પ્રજા ભગવાન ભરોસે રહેશે અને ફરીથી ફાનસ પેટાવવાની તૈયારઓ પણ શરૂ કરવી પડે તેવી સ્‍થિતી ઉભી થશે.
સીટી-૨ ડીવીઝનના ૨૭ લાખનું વાર્ષિક ટેન્‍ડર ભરવાની છેલ્લી તા. ૧૮ જુલાઇ છે જ્‍યારે ૨૫ જુલાઇએ ચકાસણી અને ૨૭ જુલાઇએ ટેન્‍ડર બપોરે ૧૨ કલાકે ખોલવામાં આવનાર હોવાનું ટેન્‍ડર પ્રસિધ્‍ધીની નોટીસમાં જણાવાયું છે. આમ લોકોની પારાવાર મુશ્‍કેલીઓ જુલાઇના અંતમાં કે ઓગસ્‍ટની શરૂઆતમાં જ ચાલુ થઇ જવાની ભીતી સેવાઇ રહી છે.
આ વર્ષે જ ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ યોજાવાની છે. ત્‍યારે વર્ષોથી રાજ્‍યમાં ભાજપને મત આપનાર લોકો હવે પીજીવીસીએલના આ નિર્ણયથી ભારે ઉહાપોહ મચી ગયો છે. એવું પણ બને કે થોડા જ દિવસોમાં આ લોકો રોષ પ્રજાના ચૂંટાયેલા પ્રતિનિધીઓ પીજીવીસીએલની કચેરી તથા અધિકારીઓ સુધી પણ પહોંચે તેવી પુરી સંભાવના છે.
લોકરોષની સાથે વર્ષોથી પીજીવીસીએલ તંત્રમાં ફરજ બજાવતા નિષ્‍ઠાવાન કર્મચારીઓમાં પણ ભારે કચવાટ ઉભો થયો છે. અત્‍યાર સુધી પ્રજાને નિષ્‍ઠાથી સેવા પુરી પાડી છે ત્‍યારે ખાનગી માણસો લોકોને ઉધ્‍ધત જવાબ દેવાની સાથે ફોલ્‍ટ રીપેરીંગ પણ સમયસર ન કરે તો પીજીવીસીએલની શાખ પણ દાવ ઉપર લાગવાની ચર્ચા પણ સ્‍ટાફમાં અંદરખાને શરૂ થઇ ગઇ છે.
પ્રજા હિતનું વિચાર વિરોધ પક્ષો કોંગ્રેસ અને આપ દ્વારા પણ આ બાબતે ધ્‍યાને આવતા તેઓ પણ ધરણા અને આવેદન આપી આ મનસ્‍વી નિર્ણય તંત્ર દ્વારા પરત ખેંચાય તેવી લોકમાંગને વાચા આપવા કાર્યક્રમો ઘડાય રહ્યાનું રાજકીય સુત્રો દ્વારા જાણવા મળ્‍યુ છે. લોકતંત્રમાં ચૂંટાયેલા પ્રજાના પ્રતિનિધિઓ પણ આગળ આવી લોકોને બાનમાં લેવાના આ નિર્ણયને પરત લેવા માટે ઉચ્‍ચ કક્ષાએ પરિણામલક્ષી રજુઆત કરે તેવી પણ શહેરીજનોની લાગણી અને માંગણી છે.
પીજીવીસીએલના યુનિયનોમાં પણ વિદ્યુત ગતિએ મીટીંગ મળશેઃ એમડીને રજૂઆત કરાશે
રાજકોટ : પીજીવીસીએલના ફોલ્‍ટ સેન્‍ટરના ટેન્‍ડર જીઇબી એન્‍જીનીયર એસોસીએશન તથા અખિલ વિદ્યુત કામદાર સંઘના ધ્‍યાને આવતા આ બન્ને યુનિયનો દ્વારા વિદ્યુત ગતિએ મીટીંગ યોજાનાર હોવાનું વીજ વર્તુળમાંથી જાણવા મળ્‍યું છે. મીટીંગમાં તંત્રના આ નિર્ણયથી લોકોને પારાવાર મુશ્‍કેલી અંગે ચર્ચા કરી ટેન્‍ડર પ્રક્રિયા રદ કરવા અંગે પણ એમડી શ્રી બરનવાલાને રજૂઆત કરવાની તજવીજ હાથ ધરાશેનું પણ જાણવા મળ્‍યું છે. યુનિયનોના આગેવાનોનો સંપર્ક કરવા પ્રયાસ કરતા તે મળી શકયા ન હતાં.

 

(3:40 pm IST)