રાજકોટ
News of Tuesday, 30th June 2020

જિલ્લા પંચાયતમાં તલાટીઓની બદલી તબક્કાવાર ! ૨૦ના હુકમ

ગમતી જગ્યાએ મુકાઈ ગયેલા ખુશ, દૂર ધકેલાઈ ગયેલામાં અસંતોષ

રાજકોટ, તા. ૩૦ :. જિલ્લા પંચાયતના વિકાસ અધિકારીએ ગઈકાલે બપોર પછી ૨૦ તલાટીઓની બદલીના હુકમ કર્યા છે. પૂર્વ તૈયારી જોતા બદલીનો મોટો ઘાણવો નિકળે તેવી ધારણા હતી પરંતુ હાલ માત્ર ૨૦ના જ હુકમ થયા છે. અન્ય હુકમ હવે પછી તબક્કાવાર કરવામાં આવે તેવા નિર્દેશ છે. પ્રથમ ૨૦માં ૭ બદલીઓ માંગણી મુજબની અને ૧૩ તલાટીઓની બદલીઓ વહીવટી કારણસરની બતાવવામાં આવી છે. મનગમતી જગ્યાએ મુકાયેલા તલાટીઓ ખુશ છે. ન ગમતી અથવા દૂરની જગ્યાએ મુકાયેલા અમુક તલાટીઓમાં કચવાટ જોવા મળે છે. કેટલાક તલાટીઓની બદલીના હુકમમા ફેરફાર કરાવવા રાજકીય મોભીઓએ પ્રયાસો શરૂ કર્યા છે. બદલીના હુકમમાં કયા પરિબળો પ્રભાવક રહ્યા ? તે બાબતે જિલ્લા પંચાયતમાં અલગ અલગ ચર્ચા થઈ રહી છે. સત્તાવાર વર્તુળો બદલીને રાબેતા મુજબની વહીવટી પ્રક્રિયા ગણાવે છે. એક સાથે પુરતા હુકમ કરવાના બદલે છુટક હુકમ કરવામાં આવ્યા તે મુદ્દો પણ પંચાયતમાં ચર્ચાની એરણે છે.

જાણવા મળ્યા મુજબ દેવકીગાલોળના તલાટી અમિત ગોસલીયાને સરપદડ, અમરનગરના જે.એમ. ગોવાણીયાને સુપેડી, અમરાપરના બી.ડી. યોગાનંદીને જામકંડોરણા, ગવરીદડના એ.કે. વિરડાને બેટાવડ, ચીભડાના એલ.સી. ગોહીલને રામોદ, મોણપરીના એમ.એમ. ગોરીયાને સુકીસાજડીયાળી, રામોદના વી.આર. પટેલને ચીભડા, ઘંટેશ્વરના આર.એચ. જુણેજાને ગવરીદડ, માધાપરના હેમાલીબેન યાજ્ઞિકને ત્રંબા, સાયપરના અવનીબેન રામાવતને બેડલા, કાગવડના યોગેશ ભૂતને મેટોડા, હડમતાળાના એન.એચ. બગડાઈને કુવાડવા ખાતે નિમણૂકનો હુકમ આપવામા આવ્યો છે.

(4:09 pm IST)