રાજકોટ
News of Tuesday, 30th June 2020

કેકેવી ચોક અને ઇન્દિરા સર્કલ ખાતે ટ્રાફિક નિયમન માટે પોલીસ કમિ.નું જાહેરનામુ

રાજકોટ તા. ૩૦: શહેરમાં દિન પ્રતિદિન વાહન વ્યવહાર વધતો જતો હોઇ જેના કારણે શહેરમા હાર્દ સમા કાલાવાડ રોડ તથા યુનિવર્સિટી રોડ ઉપર જવા આવવા માટે કે.કે.વી. ચોક તથા ઇન્દીરા સર્કલનો ઉપયોગ થાય છે. અહિ અવાર નવાર ટ્રાફિક જામ થતો હોય અને અકસ્માત થવાનો ભય રહેતો હોય તેમજ આ રોડ ઉપર શાળા કોલેજો તથા હોસ્પિટલ વિગેરે આવેલ હોઇ જેને ધ્યાને લઇ  ટ્રાફિક જામ ન થાય તેમજ અકસ્માત થવાની સંભાવના ઓછી થાય તેવા હેતુથી રાજકોટ શહેર પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ દ્વારા ટ્રાફિકને લગતુ અગત્યનું જાહેરનામુ બહાર પાડવામા આવ્યું છે.

કાલાવાડ રોડ, કે.કે.વી. હોલ ચોક ખાતે ટ્રાફિકની સમસ્યા હલ કરવા માટે અગાઉ જાહેરનામુ બહાર પાડવામા આવેલ તેમાં કેટલાક સુધારાઓ કરવામા આવેલ છે. જેથી હવે પછી કાલાવડથી આવતો ટ્રાફિક કે.કે.વી. ચોક પાસે બીગ બજાર તરફ જવુ હોય ત્યારે કે.કે.વી. ચોક ક્રોસ કરી વોકહાર્ટ હોસ્પિટલ નજીક ૫૦ મીટર દુરના ડીવાઇડરના કટ પાસેથી યુટર્ન લઇ કે.કે.વી. ચોક પાસેથી ડાબી બાજુ વળી બીગ બજાર તરફ જઇ શકશે. તેમજ કોટેચા ચોકથી આવતો ટ્રાફિક કે.કે.વી. ચોકથી ઇન્દીરા સર્કલ જવા માટે કે.કે.વી. ચોક ક્રોસીંગ આગળ ક્રિષ્ના મેડીકલ પાસે ૫૦ મીટર દૂર આવેલ ડીવાઇડરના કટથી યુટર્ન લઇ કે.કે.વી. ચોક પાસેથી ડાબી બાજુ જઇ ઇન્દીરા સર્કલ જઇ શકાશે તેજ રીતે

બીગ બજારથી કે.કે.વી. ચોક તરફ આવતા ટ્રાફિકને કોટેચા ચોક તરફ જવા માટે કે.કે.વી. ચોકથી ડાબી બાજુ થઇ ૫૦ મીટર દૂર ક્રિષ્ના મેડીકલ સ્ટોર પાસેના ડીવાઇડરના કટ પાસે યુટર્ન લઇ કે.કે.વી. ચોકથી કોટેચા ચોક તરફ જઇ શકાશે તેમજ ઇન્દીરા સર્કલ બાજુથી આવતો ટ્રાફીક કે.કે.વી. ચોક થી કાલાવાડ તરફ જવા માટે કે.કે.વી. ચોક થી ડાબી બાજુ વળી ૫૦ મીટર દૂર આવેલ વોકહ્રાર્ટ હોસ્પિટલ પાસેના ડીવાઇડરના કટ થી યુટર્ન લઇ કે.કે.વી. ચોક થઇ કાલાવાડ તરફ જઇ શકાશે. તેમજ ઇન્દીરા સર્કલ ખાતે ટ્રાફિક ની સમસ્યા ફલ કરવા માટે હવે પછી યુનિવર્સિટી રોડ તરફથી આવતો ટ્રાફિક કે.કે.વી. ચોક તરફ જવુ હોય ત્યારે ઇન્દીરા સર્કલ ક્રોસ કરી પટેલ વિહાર (વોકહાર્ટ હોસ્પિટલ પાછળના ભાગે) ડીવાઇડરના કટ પાસેથી યુટર્ન લઇ ઇન્દીરા સર્કલ થી ડાબી બાજુ વાળી કે.કે,.વી. ચોક તરફ જઇ શકાશે તેમજ કોટેચા ચોકથી આવતો ટ્રાફિક ઇન્દીરા સર્કલથી રૈયા ટેલિફોન એક્ષચેન્જ તરફ જવા માટે ઇન્દીરા સર્કલ ક્રોસ કરી આગળ કે. કોર્નર દુકાનવાળા મનાલી ચોક ખાતે

આવેલ ડીવાઇડરના કટથી યુટર્ન લઇ ડાબી બાજુ ઇન્દીરા સર્કલ થઇ રૈયા ટેલિફોન એક્ષચેન્જ તરફ જઇ શકાશે તેમજ કે.કે.વી. ચોકથી આવતો અને કોટેચા ચોક તરફ જવા માંગતો ટ્રાફિક ઇન્દીરા સર્કલથી ડાબી બાજુ યુનિવર્સિટી રોડ આગળ કે. કોર્નર દુકાનવાળા મનાલી ચોક ખાતે આવેલ ડીવાઇડરના કટથી યુટર્ન લઇ સીદ્યા ઇન્દીરા સર્કલ થઇ કોટેચા ચોક તરફ જઇ શકાશે તેમજ રૈયા ટેલિફોન એક્ષચેન્જથી આવતો અને યુનિવર્સિટી રોડ તરફ જવા માંગતો ટ્રાફીક ઇન્દીરા સર્કલથી ડાબી બાજુ કોટેચા ચોક તરફ પટેલ વિહાર (વોકહાર્ટ હોસ્પિટલ પાછળના ભાગે ) ડીવાઇડરના કટ પાસેથી યુટર્ન લઇ ઇન્દીરા સર્કલ થી સીધા યુનિવર્સિટી રોડ તરફ જઇ શકાશે.

ઉપરોકત જાહેરનામા મુજબની ટ્રાફિક વ્યવસ્થાનો સમય સવારે ૦૯:૦૦ થી બપોરના કલાક ૦૧:૦૦ સુધી તથા સાંજના કલાક ૦૫/૦૦ થી રાત્રીના ૯/૦૦ સુધી રહેશે જેથી. જનતાએ જાહેરનામા તેમજ ટ્રાફિક નિયમોનુ ચુસ્તપણે પાલન કરી પોલીસ ને સહયોગ આપવા અપિલ કરવામાં આવી છે.

(4:01 pm IST)