રાજકોટ
News of Tuesday, 30th June 2020

આનંદો...૧૪ જુલાઇથી રાજકોટ-સુરત અને દિલ્હીની ફલાઇટઃ એર ઇન્ડીયાએ મોન્સુનમાં 'ધમાકો' કરી દીધો

અઠવાડીયામાં બે દિવસ મંગળ-ગુરૂ દિલ્હી-રાજકોટ વાયા સુરત થઇ દિલ્હી પહોંચશે : રાજકોટથી સુરત ભાડુ હાલ ૧૭૦૭: દિલ્હીનું ૬૪૩રઃ પણ બુકીંગ વધશે એમ ભાડુ વધી શકે છે : આખો જુલાઇ મહીનો રાજકોટ-મુંબઇ દર મંગળ-ગુરૂ-શનિ ફલાઇટ ઉડશેઃ આજે આવનાર ફલાઇટમાં મુંબઇથી ૭૦ મુસાફરો આવશેઃ ૪૧ જશે

રાજકોટ, તા., ૩૦: રાજકોટમાં ધોધમાર વરસાદ તૂટી પડયો અને લોકોના હૈયા પૂલકિત થઈ ગયા તેમ હવે એર ઈન્ડીયાએે પણ રાજકોટની પ્રજાને ખુશ કરી દેતો મોન્સુન ધમાકો જાહેર કરી દીધો છે.

જૂનમાં રાજકોટ-મુંબઈ ફલાઈટ ૪ દિવસ આવ્યા બાદ હવે જુલાઈ આખો મહિનો મુંબઈ, રાજકોટ, મુંબઈ દર મંગળ, ગુરૂ, શનિ એમ ત્રણ દિવસ ફલાઈટ જાહેર કરી દીધી છે અને ટ્રાફીક પણ પ્રમાણમાં સારો મળી રહ્યો છે. આજે આવનાર ફલાઈટમાં મુંબઈથી ૭૦ મુસાફરો રાજકોટ આવશે, તો રાજકોટથી ૪૧ મુસાફરો આજે સાંજે ૬.૨૦ વાગ્યે રવાના થશે.

પરંતુ આથી મોટો મોન્સુન ધમાકો એર ઈન્ડીયાએ રાજકોટ, દિલ્હી, સુરત વચ્ચે અઠવાડિયામાં બે દિવસ મંગળ અને ગુરૂ રાજકોટને ફલાઈટ આપવાની જાહેરાત કરી રાજકોટની પ્રજાને હાલ ખુશ કરી દીધી છે.

એર ઇન્ડીયાના હાઇલેવલ અધીકારી સૂત્રોના જણાવ્યા મુજબ આગામી ૧૪ મી જુલાઇથી ર૦ ઓગસ્ટ સુધી અઠવાડીયામાં બે દિવસ દિલ્હી-રાજકોટ વાયા સુરત અને દિલ્હી ફલાઇટની જાહેરાત કરી છે, આ બે દિવસ મંગળ અને ગુરૂવાર રહેશે. સાધનોએ જણાવેલ કે દિલ્હી બપોરે ર-૧૦ કલાકે ફલાઇટ ઉપડી રાજકોટ ૩-પ૦ કલાકે પહોંચશે, રાજકોટથી આ ફલાઇટ પ વાગ્યે ઉપડી પ-૪પ વાગ્યે સુરત પહોંચશે અને સુરતથી સાંજે ૭ વાગ્યે ફલાઇટ ઉપડી રાત્રે ૯ વાગ્યે દિલ્હી પહોંચશે.  ટૂંકમાં રાજકોટથી કોઇને સુરત જવુ હોય તો મંગળ કે ગુરૂવારે ફલાઇટમાં જઇ શકશે, રાજકોટથી ૪પ મીનીટમાં સુરત આવી જશે, હાલ રાજકોટ-સુરતનું ભાડુ રૂ. ૧૭૦૭, રાજકોટ-દિલ્હી ભાડુ રૂ. ૬૪૩ર જાહેર થયું છે, બુકીંગ વધશે તેમ ભાડુ પણ વધી શકે છે, તેમ સૂત્રોએ કહ્યું હતું. આ ઉપરાંત એરઇન્ડીયાએ ૧૦ જુલાઇથી અમલમાં આવે તે રીતે વીકના દર બુધ-શુક્રવારે મુંબઇ-જામનગર-મુંબઇ ફલાઇટની પણ જાહેરાત કરી છે.

(3:01 pm IST)