રાજકોટ
News of Tuesday, 30th June 2020

રાજકોટમાં કડાકા - ભડાકા સાથે જોરદાર વરસાદ

સવારથી છવાયેલ વાદળછાયા વાતાવરણ વચ્ચે ૧૧ વાગ્યા બાદ એકદમ તૂટી પડ્યો : પોણો કલાકમાં દોઢ ઈંચ ખાબકયો : ધોધમાર વરસતા છેલ્લા કેટલાક દિવસોથી અસહ્ય ગરમી - બફારાથી પરેશાન શહેરીજનોના હૈયે ટાઢક વળી : વાતાવરણમાં ઠંડક પ્રસરી

રાજકોટ, તા. ૩૦ : અંતે રાજકોટ શહેરમાં પણ મેઘરાજાની એન્ટ્રી થઈ છે. સવારથી છવાયેલ વાદળાઓ વચ્ચે ૧૧ વાગ્યાની આસપાસ  મેઘરાજાએ કડાકા - ભડાકા સાથે એન્ટ્રી કરી હતી. વરસાદના આગમનથી ગરમી અને બફારાથી પરેશાન શહેરીજનોના હૈયે ટાઢક વળી હતી. એકધારો આશરે પોણો કલાક એકધારો વરસાદ ચાલુ રહ્યો હતો. દોઢ ઈંચ ખાબકી ગયો હતો. શહેરના રાજમાર્ગો ઉપર પાણી ફરી વળ્યા હતા. તો વરસાદના પગલે અનેક સ્થળોએ ટ્રાફીકજામની સ્થિતિ સર્જાઈ હતી.

છેલ્લા કેટલાક દિવસોથી રાજકોટ શહેરની આજુબાજુના જિલ્લાઓમાં વરસાદી માહોલ જોવા મળતો હતો. પરંતુ રાજકોટ શહેરમાં મેઘરાજા મન મુકીને વરસતા ન હતા. ગઈસાંજે પણ વિજળીના કડાકા - ભડાકા સાથે વરસાદ ચાલુ થયો હતો. પરંતુ એક ઝાપટુ વરસી ગયા બાદ થંભી ગયો હતો.

દરમિયાન આજે સવારથી આકાશમાં વાદળાઓ છવાયેલા જોવા મળતા હતા. આકાશ કાળા ડીબાંગ વાદળોથી ગોરંભાઈ ગયુ હતું. થોડીવાર અંધારૂ છવાઈ ગયુ હતું. શહેરના અમુક વિસ્તારોમાં વરસાદ શરૂ થયાના વાવડ મળી રહ્યા હતા. થોડીવારમાં તો લગભગ સમગ્ર શહેરમાં ધોધમાર વરસવાનું ચાલુ થઈ ગયુ હતંુ.

મેઘરાજાની એન્ટ્રી થતાં ગરમી અને બફારાથી પરેશાન શહેરીજનો ખુશખુશાલ બની ગયા હતા અને બાળકોથી માંડી યુવાઓ વરસાદની મજા માણવા નીકળી ગયા હતા. વરસાદ સાથે વિજળીના જોરદાર ધડાકા - ભડાકા જોવા મળતા હતા. ધીમે - ધીમે વાતાવરણ એકરસ બની ગયુ હતું.

એકધારો વરસાદ ચાલુ રહેતા શહેરના નીચાણવાળા માર્ગો ઉપર પાણી ભરાવવાનું શરૂ થઈ ગયુ હતું. અનેક માર્ગો ઉપર પાણી ભરાતા વાહનચાલકોને પરેશાનીનો સામનો કરવો પડ્યો હતો તો અનેક રાજમાર્ગો ઉપર ટ્રાફીકજામની સ્થિતિ સર્જાઈ હતી.

રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનના ફલડ કન્ટ્રોલ રૂમમાં સેન્ટ્રલ ઝોન ૨૫ મી.મી., વેસ્ટ ઝોન ૨૧ મી.મી., ઈસ્ટ ઝોન ૨૨ મી.મી. વરસાદ નોંધાયો હતો. આ લખાય છે ત્યારે વાદળછાયુ વાતાવરણ છવાયુ છે અને ઝરમર ચાલુ છે. સાંજે પણ મેઘરાજા ફરી એન્ટ્રી કરે તેવી પૂરેપૂરી સંભાવના છે.(૩૭.૧૩)

રાજકોટ મ્યુ. કોર્પોરેશનમાં નોંધાયેલ આંકડા

સેન્ટ્રલ ઝોન - ૨૫ મી.મી.,

વેસ્ટ ઝોન - ૨૧ મી.મી., ઈસ્ટ ઝોન - ૨૨ મી.મી.

(તસ્વીરઃ સંદિપ બગથરીયા)

(2:58 pm IST)