રાજકોટ
News of Tuesday, 30th June 2020

શ્રી મહાવીરપુરમ તીર્થ ખાતે સાગર સમુદાયના સાઘ્વીજી કાળધર્મ પામ્યાઃ ૪૩ વર્ષ પહેલા દીક્ષા અંગીકાર કરી હતી

પૂ.શુભોદયાજીશ્રીજી મ.સા.ના શિષ્યા હતાઃ સળંગ ૨૨૯ છઠ, ૧૦૮ અઠ્ઠમ, માસક્ષમણ, સિધ્ધીતપ, શ્રેણી તપ- વર્ષીતપ કરેલ

રાજકોટઃ તા.૩૦, પુ. આગમોઘ્ધારક આનંદ સાગરસુરીશ્વરજી મહારાજ સાહેબના સમુદાય વતી પુષ્પ સુમલ્ય પરિવારના સતાવધાની પુ. શુભોદયાશ્રીજી મહારાજ સાહેબના શિષ્યા પુ. સુરદુમા શ્રીજી મહારાજ સાહેબ તા. ૨૫ જુનના   સવારે ૭: ૧૦ કલાકે શ્રી મહાવીરપુરમ તીર્થ મઘ્યે કાળધર્મ પામ્યા છે.

 પુ. સુરદુમા શ્રીજી મહારાજ સાહેબનું સંસારી નામ શ્રી હંસાબેન અને તેઓ શ્રી જયસુખલાલ - ત્રંબકલાલ બખાઈની સુપુત્રી અને શ્રી નરેન્દ્રભાઈ, શ્રી લલીતભાઈ, શ્રી પરેશભાઈના સંસારી બહેન હતા અને તેઓ એ આશરે ૪૩ વર્ષ પહેલા રાજકોટ મુકામે પુ. શુભોદયા શ્રીજી મહારાજ સાહેબના શિષ્યા બની દીક્ષા અંગીકાર કરેલી હતી.

 પુ. સુરદુમા શ્રીજી મહારાજ સાહેબ એ તેમના સંયમ જીવનમાં ખુબજ ઉચ્ચ ધાર્મિક અભ્યાસ કરેલ અને પકખીસુત્ર સંપુર્ણ કંઠસ્થ કરેલ તેમજ તેઓ એ તેમના સંયમ જીવન દરમ્યાન સળંગ ૨૨૯ છઠ, સળંગ ૧૦૮ અઠમ તેમજ માસ ક્ષમણ, સિઘ્ધીતપ, શ્રેણી તપ, ર- વર્ષિતપ, સમવસરણ તપ, વર્ધમાન તપ ની પ૬ આયંબીલ ઓળી, સહસ્ત્ર તપ, વિસ સ્થાનક તપ, શત્રુંજય તપ, જય આગમ તપ, મોક્ષદંડ તપ, નવકાર મંત્રના અક્ષર મુજબ ૬૮ ઉપવાસ, કંઠાભરણ તપ, ૨૮ લબ્ધી ના છઠ, સહસ્ત્ર ફુટતપ, કલ્યાણક તપ, વિગેરેની ઉગ્ર તપશ્ચર્યાઓ કરેલ અત્રે વિશેષ નોંધનીય બાબત એ છે કે શ્રી મહાવીપુરમ તીર્થના નિર્માણ કાર્ય ચાલુ થયુ ત્યારથી પ્રતિષ્ઠા થાય તે શુભ આશયથી ૧૦૮ અઠમ કરેલ.

 પુ. સુરદુમા શ્રીજી મહારાજ સાહેબને શ્રી મહાવીરપુરમ તીર્થના પાયાના પથ્થર સમાન હતા અને તેઓએ તેમના અંતિમ શ્વાસ પણ મહાવીરપુરમ તીર્થ ખાતે જ નમસ્કાર મહામંત્રનુ સ્મરણ કરતા કરતા લીધા અને અંતિમક્રિયા પણ મહાવીરપુરમ તીર્થ ખાતે જ કરવામાં આવેલ.

 પુ. સુરદુમા શ્રીજી મહારાજ સાહેબની અંતિમક્રિયામાં તેમના સંસારી સગાઓએ હાજરી આપેલ હતી અને તમામ ક્રિયામાં ખુબજ ઉત્સાહભેર ઉછામણીમાં લાભો લીધેલ હતા.

 પુ. સુરદુમા શ્રીજી મહારાજ સાહેબની અંતિમકિયા સમયે મહાવિર પુરમ તિર્થ ના ટ્રસ્ટીઓ શ્રી દિલેશભાઈ જે. શાહ, ઉદયભાઈ, અક્ષયભાઈ શેઠ, લલિતભાઈ બખાઈ, બ્રિજેશભાઈ બગડીયા, મિલનભાઈ શાહ, આશીષભાઈ શાહ વિગેરેએ હાજરી આપેલ હતી.

(12:00 pm IST)