રાજકોટ
News of Wednesday, 30th May 2018

૫૦ રૂપિયા ખોવાઇ જતાં ભાવના મારૂએ ફાંસો ખાધોઃ ભાઇ જોઇ જતાં બચી ગઇ

ધારી ગુંદારી સાસરૂ ધરાવતી વણકર પરિણીતા હાલ રાજકોટ માવતરે સારવાર માટે આવી છે

રાજકોટ તા. ૩૦: ધારીના ગુંદારી ગામે સાસરૂ ધરાવતી અને હાલ રાજકોટ માવતરના ઘરે આવેલી વણકર પરિણીતાએ પચાસ રૂપિયાની નોટ ખોવાઇ જતાં ગળાફાંસો ખાઇ લીધો હતો. જો કે તેનો નાનો ભાઇ જોઇ જતાં જીવ બચી ગયો હતો.

જાણવા મળ્યા મુજબ ધારી ગુંદારીથી  રાજકોટ થોરાળાની સર્વોદય સોસાયટીમાં પિતા રામજીભાઇ મકાભાઇ રાઠોડના ઘરે દોેઢેક માસથી સારવાર માટે આવેલી ભાવના રાજેશ મારૂ (ઉ.૨૫)એ પંખામાં ચુંદડી બાંધી ગળાફાંસો ખાઇ લેતાં નાનો ભાઇ રાહુલ રાઠોડ જોઇ જતાં નીચે ઉતારી લઇ હોસ્પિટલે ખસેડતાં જીવ બચી ગયો હતો.

ભાવનાના પિતા રામજીભાઇના કહેવા મુજબ ભાવનાથી રૂ. પચાસની નોટ ખોવાઇ જતાં શોધવા છતાં ન મળતાં તેણે આ પગલુ ભર્યુ હતું. હોસ્પિટલ ચોકીના સ્ટાફે થોરાળા પોલીસને જાણ કરી હતી.

(3:54 pm IST)