રાજકોટ
News of Wednesday, 30th May 2018

૩૧ મે ધુમ્રપાન રહિત દિન

૯૦ ટકા લોકોએ ૧૮ વર્ષની વયેથી સીગારેટ પીવાની શરૂઆત કરેલી

૩૧મી મે ને  દર વર્ષે ધુમ્રપાન રહિત દિવસ તરીકે મનાવવામાં આવે છે ધુમ્રપાન એ બીડી કે સીગારેટ પીએ તેને નુકશાન કરે જ છે પરંતુ આજુ બાજુના લોકો જે ધુમ્રપાન કરતા નથી તેમને પણ નુકશાન  કરે છે જેને ફરજિયાત સ્‍મોકીંગ કે પેસીવ સ્‍મોકીંગ પણ  કહેવાય છે. વર્ષમાં આશરે ૫૦,૦૦૦ થી વધુ મૃત્‍યુ આ પ્રકારનાં પેસીવ સ્‍મોકીંગથી થાય છે.

 સ્‍કુલ તથા કોલેજ તથા યુવાનો હવે ધુમ્રપાન કરતા થયા છે. આ એક ખુબજ દુઃખદ બાબત છે. પરંતુ પહેલા એ સમજવું જરૂરી છે કે લોકો સિગારેટ પીવાનું શરૂઆત શા માટે કરે છે? સ્‍કુલ અથવા કોલેજ જતાં યુવાનો શોખ ખાતર પીવાની શરૂઆત કરે છે. પછીથી ધીમે-ધીમે એ શોખ આદત બની જાય છે. કેટલાક લોકો એવા પણ છે કે જે એવું માને છે કે સિગારેટ પીવાથી ચિંતા દુર થાય છે.

 ઇ.સ. ૧૯૯૧ના એક સર્વેમાં જાણવા મળ્‍યું છે કે સીગારેટ પીતા માણસોમાંથી લગભગ ૯૦ % માણસોએ ૧૮ વર્ષથી નાની ઉમરે સીગારેટ શરૂ કરેલી

ધુમ્રપાનથી થતાં નુકશાનો

ધુમ્રપાનથી શ્વસનતંત્રનાં રોગો થાય છે. ધુમ્રપાન કરવાથી કાર્બન મોનોકસાઇટ શરીરમાં લોહિ  મારફતે પ્રવેશે  છે. અને ઓકિસજનની ક્ષમતા ઘટાડે છે જેનાથી કફ વધે છે અને શ્વાસ લેવામાં તકલીફ પડે છે અને અસ્‍થમાં તથા ટી.બી. નામના રોગો થાય છે

 ફેફસાનું કેન્‍સર થાય છે

 વિશ્વમાં લગભગ ૯૦ % ફેફસાના કેન્‍સર ધ્રુમપાનને કારણે થાય છે ધુમ્રપાન કરવાથી લોહિની નળીઓ સંકોચાય છે. ઉધરસ આવે છે. અને કફ જામી જાય છે. આને બ્રોન્‍કાઇટીસ કહે છે. આ રીતે ધુમ્રપાન ચાલુ રાખવામાં આવે તો ફેફસાની નળીઓની અંદરની ચામડીમાં નુકશાન વધતુ જાય છે અને પછી ફેફસાનું કેન્‍સર થાય છે

 ડાયાબીટીસ પણ વધે છે

 અમેરીકન મેડીકલ એશોસીએશનની જર્નલમાં પ્રકાશિત ૨૦૦૭ના એક આર્ટીકલ પ્રમાણે ધુમ્રપાનથી ચયાપચયની ક્રિયામાં અવરોધ ઊભો કરે છે અને ગ્‍લુકોઝનું પ્રમાણ વધારે છે. ઉંમર વધવાની પ્રક્રિયા ઝડપી થાય છે. એક ૨૫ વર્ષની વ્‍યકિત જે દિવસમાં બે પેકેટ બીડી કે સીગારેટ પીએ. તો તેની જ ઉંમરની ધુમ્રપાન નહિ કરતાં ૮-૯ વર્ષનું આયુષ્‍ય ઓછુ થાય છે સમય પહેલા જ ત્‍વચામાં કરચલી, સોજો, વગેરે દેખાય છે ત્‍વચાની ઉંમર ફકત ચહેરા પર જ નહિ પરંતુ આખા શરીરમાં બદલાવ લાવે છે.

 પ્રજનન ક્ષમતા ઘટે છે

 પુરુષોમાં ધ્રુમપાનને કારણે શુક્રાણુઓની સંખ્‍યા ઘટે છે અનેસ્ત્રીઓમાં પણ ઇસ્‍ટ્રોજન નામના હોર્મોનની માત્રા ઘટી જાય છે પરિણામે પ્રજનન ક્ષમતા ઘટે છે જોસ્ત્રીઓ ધુમ્રપાન કરે તો કસુવાવડ થવાની શકયતા પણ વધી જાય છે

 આંખોને પણ નુકશાન થાય છે

 આંખના પડદાની લોહિની નળીઓ સુકાય છે અને આંખમાં ઝાંખપ આવે છે. ધુમ્રપાનથી આજુ બાજુવાળાને પણ નુકશાન થાય છે.ધુમ્રપાનથી મોતીયો, ગ્‍લુકોમા, ડ્રાય આઇ સિન્‍ડ્રોમ વગેરે જેવા રોગો થાય છે સિગારેટના ધુમાડામાં આર્સેનિક, ફોર્માલ્‍ડિહાઇડ અને એમોનિયા હોય છે જે લોહીમાં ભળી આંખોને નુકશાન કરે છે.

રૂઝાયેલા ઘા જલ્‍દી રૂઝાતાં નથી

૨૦૦૭માં વોશિંગ્‍ટન યુનિવર્સિટીમાં એક શોધકર્તાએ એવુ બતાવ્‍યું કે સિગારેટ હાડકાને નુકશાન કરે છે ધ્રુમપાનથી મેક્રોફેઝની સંખ્‍યામાં ઘટાડો કરે છે અને એના કારણે ઘા જલ્‍દી રૂઝાતા નથી.

 હૃદયનાં ઘણાં રોગો થાય છે

 આજકાલ હૃદયરોગનું પ્રમાણ ખુબ વધતુ જાય છે પહેલાનાં જમાનામાં હૃદયરોગ મોટી ઉંમરના માણસોને જ થતો હતો પરંતુ હવે તેવુ નથી

ધુમ્રપાન કરનાર વ્‍યકિતની એડ્રીનલ નામની ગંથ્રિમાંથીસ્ત્રાવ વધવાથી રકતમાં  પ્‍લેટનેટ નામના કણો એકબીજા સાથે વધારે ચોટે છે તેથી લોહિની નળીમાં લોહિ વધારે ઘટ બને છે તે ઉપરાંત લોહિમાં ચરબીનું પ્રમાણ પણ વધે છે આ ચરબી રકતવાહિની ઓની અંદરની દિવાલ ઉપર જમા થાય છે અને તેને કારણે લોહિ બરાબર ન પહોંચેતો હૃદયનો હુમલો આવે છે જયારે તમે ધુમ્રપાન કરો છો ત્‍યારે રસાયણો પહેલા ફેફસામાં પ્રવેશે છે અને કેરોટીડ ધમનીનાં પ્રવાહમાં  રૂકાવટ કરે છે જે સ્‍ટ્રોક, હૃદયરોગ અને મોતનું કારણ પણ બને  છે ઘણાં દર્દીઓમાં ગ્રેન્‍ગ્રીન થાય છે અને ઘણાં માણસોના પગના આંગળા કે પગનો કાપેલો ભાગ જોઇએ છીએ આમાંથી મોટાભાગના પગમાં લોહિ બરાબર ફરતુ ન હોવાથી પગ કાપવો પડયો હોય તેવુ બને છે

ધુમ્રપાન સાથે તમાકુ સંકળાયેલ જ છે  પાન, મસાલા, ગુટકા, માવા... વગેરે પદાર્થોનો ઉપયોગ કરનારને મોઢાની અંદરની ચામડી એકદમ સફેદ થઇ જાય છે તેને મેડીકલની ભાષામાં લ્‍યુકોટલેકીઆ કહે છે તેવો જ એક બીજો રોગ છે જેને સબમ્‍યુકસ ફાઇબ્રોનસીસ કહે છે આ બંને કેન્‍સર તરફ દોરી જતાં રોગો છે

 ધુમ્રપાનનાં બંધાણીઓ ધુમ્રપાન છોડી જ ન શકે તેવા પુરતા પ્રયત્‍નો બીડી-સીગારેટ બનાવનારા કરતા રહે છે તેમા નિકોટીનનું એવુ પ્રમાણ રાખવામાં આવે છે કે તેનુ બંધારણ જ થઇ જાય નિકોટીનનો મુળભુત ગુણ જ એ છે કે લાંબો સમય લેવાથી શરીરમાં એવા ફેરફાર થઇ જાય છે કે તેના વગર ચાલી શકાતુ નથી.

આમ, બીડી, સીગારેટ એક નીકોટીન ડીલીવરી સીસ્‍ટમ થઇ ગઇ છે

 આટલુ જાણ્‍યા પછી પણ જો આપણે ધુમ્રપાન ચાલુ રાખીએ તો શુ આ પણ એક આપઘાતનો પ્રકાર ન કહી શકાય? આપણે ખરેખર ધુમ્રપાન શા માટે કરીએ છીએ? આનંદ મસ્‍તી માટે કે પછી મોતને આમંત્રણ આપવા માટે? ધુમ્રપાન ન કરતાં હોય તેવા લોકોને પણ નુકશાન કરવાનો શું આપણને અધિકાર છે?

ધુમ્રપાન છોડવાના ઉપાયો

 સિગારેટ ખરીદતી વખતે પોતાને એક સવાલ પુછો...

 (૧)જો આપ વિદ્યાર્થી છો તો પોતાની જાતને પુછો કે હુ મારા માતા-પિતાની કમાણીથી મોત ખરીદુ છુ?

(૨) જો તમે એકલા છો, નોકરી-ધંધો કરો છો તો પોતાને સવાલ કરો કે શુ હુ આના માટે જ કમાણી કરૂ છુ?

(૩) જો તમે પતિ છો તો વિચારો કે મારૂ મુત્‍યુ થાય તો મારી પત્‍નિ શુ કરશે?

(૪) જો તમે પિતા છો તો વિચારો આ સિગારેટ ને બદલે મારા સંતાન માટે હુ શુ ખરીદુ?

(૫) જો આપ આ આદત છોડવા માંગતા હોય તો આજુબાજુનાં લોકોને જણાવો કે તમે સિગારેટ છોડવા માંગો છો?

(૬) જો તમે સીગારેટ છોડવા માંગતા હોય તો ધીરે-ધીરે કરીને આદત છોડો એક દિવસમાં આદત નહિ છુટે અને એવા લોકોના સંપર્કમાં ન આવો તે તેમને સિગારેટ પીવા મજબુર કરે.

(૭) તમે વ્રત પણ રાખી શકો ભારતમાં વ્રત રાખવાની આદત ખુબ પ્રચલીત છે તો તમે કોઇપણ વ્રત એવુ રાખો કે તમારી મનોકામના પુરી ન થાય ત્‍યાં સુધી હું સિગારેટ નહિ પીવું ધીમે-ધીમે મનોકામનાં પુરી થાય ત્‍યાં સુધી સીગારેટ પીવાની ઓછી થઇ જશે.

(૮) એક મની બોકસ રાખો જયારે પણ સિગારેટ પીવાની ઇચ્‍છા થાય ત્‍યારે તે સિગારેટના પૈસા મની બોકસમાં નાખો પછી મહિનાનાં અંતે  તમારી પસંદગીની વસ્‍તુ ખરીદો અથવા કોઇને ભેટ આપો અથવા તો જરૂરીયાંત મંદ લોકોને દાન પણ કરી શકો!(૪૦.૩)

ડો. પાયલ ખખ્‍ખર

 (બી.એચ.એમ.એસ.)

 (મો.૮૩૪૭૩૦૩૨૪૬)

(3:41 pm IST)