રાજકોટ
News of Wednesday, 30th May 2018

કાલે ૩૧મીએ વિશ્વ તમાકુ દિવસ

તમાકુના સેવનથી દેશમાં વર્ષે૮ લાખ લોકો મૃત્યુના મુખમાં હોમાય છે

રાજકોટ તા. ૩૦ : વિશ્વભરમાં ૩૧મી મે ને તમાકુ નિષેધ દિન તરીકે ઉજવવામાં આવે છે. ૧૯૮૭માં વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન ના સભ્યોએ સાથે મળી ૩૧ મે 'તમાકુ નિષેધ દિન' તરીકે જાહેર કર્યો. વિશ્વસ્તરે તમાકુના સેવનથી થતા નુકશાન તથા તંદુરસ્તી પર પડતી માઠી અસરથી લોકોને બચાવવા દુર રાખવા પ્રયાસોને પ્રોત્સાહન આપવામાં આવે છે. આ દિવસનો મુખ્ય ઉદેશ્ય તમાકુથી થતા સ્વાસ્થ્યના નુકશાન દુષ્પરિણામો અને અસરથી લોકોને બચાવવા જાગૃતતા લાવવા તથા લોકોને વ્યસનમુકત બનાવવાનો છે.

તમાકુનું વ્યસન પડી ગયા બાદ વ્યસનીઓ તમાકુ છોડી શકતા નથી. તેથી જ નાના બાળકો તથા યુવાનો આ માર્ગે ન દોરવાય તે માટે સારા પ્રયાસો થવા જોઇએ.  વ્યસનીઓ તમાકુ, ગુટખા, પાન-મસાલા, ધૂમ્રપાન  કરી તમાકુનું સેવન કરતા હોય છે. તમાકુમાં નિકોટીન નામનો એક અત્યંત   નશાકારક પદાર્થ હોય છે. આ નિકોટીન થોડા સાય માટે આનંદ આપે છે. પરંતુ લાંબા સમયે આ પદાર્થ હ્રદય , ફેફસા, મોં, જીભ, દાંત અને પેટ તથા જ્ઞાનતંતુઓ પર અસર કરે છે. સિગારેટ, બીડી થી ફેફસા નું કેન્સર થઇ શકે તો મોંમા તમાકુ રાખવાથી ગલોફા, જીભ, મોં, દાંત અને ગળાના કેન્સર થવાની સંભાવના રહે છે. તમાકુના સેવનના કારણે વિશ્વભરમાં ૫૦ થી ૭૦ લાખ લોકો વર્ષે મૃત્યુ  પામે છે ભારતમાં દરવર્ષે ૭ થી ૮ લાખ લોકો બીડી,સીગરેટના કારણે મૃત્યુનો ભોગ બને છે. સ્વાસ્થ્યની ગંભીર બિમારીઓ જેવી કે હૃદયની બિમારી, શ્વાસનળીમાં સોજો આવવો ન્યુમોનીયા, આંચકા આવવા, ફેફસાના રોગો, ટી.બી. કેન્સરની ગાંઠ વગેરે જેવી બિમારીઓ થાય છે. બીજા ૧૦૦ થી વધુ રોગો પેદા થાય છે. ભારત દેશમાં પુરૂષોની સાથે સાથે  સ્ત્રીઓ પણ તમાકુના વ્યસનનો ભોગ બનેલ છે. જેના આકડાઓ પણ ચિંતાજનક છે.

ગુટખા, પાન, કે સિગારેટ પાછળ કદાચ એક વ્યકિતના દૈનિક રૂા પ૦નો ખર્ચ થતો હોય તો એક વ્યકિત માસિક રૂ. ૧પ૦૦ રૂ. અને વાર્ષિક રૂ.૧૮૦૦૦ વેડફી નાખે છે. આ વ્યકિત પ૦વર્ષ સુધીમાં તો ૯૦,૦૦૦૦ નવ લાખથી વધુ રકમ વેડફી નાખે છે આજ વ્યસન પણ અંતે બિમારી તંગદીલી અને રોગો સિવાઇ કશુ આપતું નથી પરંતુ આજ રકમ રોજના દૈનીક રૂ. પ૦ની બચત કરવામાં આવે તો વ્યકિત પોતાના સુખી જીવન માટે કે સ્વાસ્થ્ય સાચવવામાં વાપરી શકે છે.

આ વર્ષે ૩૧મી મેના આવો આપણે આપણા સ્વજનો મિત્રોને તમાકુના વ્યસનથી મુકત કરીએ દિવસ દરમ્યાન તમાકુને છોડી તેના અવેજમાં સિંગદાણા, સુકોમેવો, કાજુ, દ્વાક્ષ કે મોસમી ફળોનું સેવન શરૂ કરો દિવસ દરમ્યાન સૌથી વધુ પાણી પીવો તમાકુ છોડવા માટે વધુ પાણી પીવાની આદત મદદરૂપ નિવડશે આ ઉપરાંત નિયમિત ધ્યાન કરવું નિયમીત વ્યાયામ, કરવો હળવા યોગાસન આસન પણ ઉપયોગી બની રહેશે. ફર્ક ન પડે તો દાકતરની સલાહ લઇ તમાકુંનું સેવન ટાળી શકાય છે.

વનિતા રાઠોડ

આર્ચા્ય શાળા નં. ૯૩, રાજકોટ

(1:03 pm IST)