રાજકોટ
News of Wednesday, 30th May 2018

શાપર-વેરાવળના અપહૃત હેતના મ્હોમાં ચુંદડી-ગળામાં પ્લાસ્ટિકની દોરી બાંધી દેવાતા કારમાં જ મોત થયું'તું

જેટલુ દેણુ હતુ તેટલી જ ખંડણી માંગવાનો નિકુંજ ગોસ્વામીનો ઈરાદો હતો ! : સાંજે હત્યારા નિકુંજને રીમાન્ડ અર્થે કોર્ટમાં રજુ કરાશે

તસ્વીરમાં અપહરણ અને હત્યાનો ભેદ ઉકેલનાર ડીવાયએસપી ચૌહાણ, એસઓજીના પીઆઈ પંડયા, એલસીબીના ઈન્ચાર્જ પીઆઈ જે.એમ. ચાવડા, શાપરના પીએસઆઈ આર.જી. સિંધુ, પીએસઆઈ વાય.બી. રાણા તથા એસઓજી અને એલસીબીનો સ્ટાફ નજરે પડે છે. ઈન્સેટમાં નિકુંજની ફાઈલ તસ્વીર(તસ્વીરઃ કમલેશ વાસાણી-શાપર-વેરાવળ)

રાજકોટ, તા. ૩૦ :. શાપર-વેરાવળમાં ગત શનિવારે શ્રમિક કોળી પરિવારના પુત્ર હેત (ઉ.વ.૪)ના અપહરણ અને હત્યા કેસમાં પકડાયેલ આરોપી નિકુંજ ગોસ્વામીને પોલીસે રીમાન્ડ પર લેવા તજવીજ હાથ ધરી છે. આરોપીની પૂછતાછમાં અપહરણ અને હત્યા સંબંધે ચોંકાવનારી વિગતો ખુલી રહી છે.

પ્રાપ્ત વિગતો મુજબ શાપર-વેરાવળના શાંતિધામ વિસ્તારમાં રહેતા હરેશભાઈ વાઢેર (કોળી)ના પુત્ર હેત (ઉ.વ.૪)ના અપહરણ અને હત્યા કેસનો ભેદ ઉકેલી રૂરલ એસઓજીના પીઆઈ જે.એસ. પંડયા તથા રૂરલ એલસીબીના ઈન્ચાર્જ પી.આઈ. જે.એમ. ચાવડા તથા સ્ટાફે આરોપી નિકુંજભારથી રમેશભારથી ગોસ્વામી (ઉ.વ.૨૧) રહે. અક્ષરનગર મેઈન રોડ, ગાંધીગ્રામ-રાજકોટને દબોચી લેતા તેણે પોલીસ પૂછતાછમાં રૂપિયા પડાવવા માટે માસુમ હેતનું અપહરણ અને હત્યા કર્યાની કબુલાત આપી હતી.

પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ પકડાયેલ નિકુંજ ગોસ્વામી શાપર-વેરાવળમાં મઢુલી નામનો મેડીકલ સ્ટોર ધરાવે છે અને તેના પર ૧.૬૦ લાખનું દેણુ હોય આ દેણુ ઉતારવા ખંડણી પડાવવાના ઈરાદે કોળી પરિવારના માસુમ પુત્ર હેતનુ અપહરણ કર્યુ હતું. અપહરણ કર્યા બાદ આરોપી નિકુંજે અપહૃત હેતના પિતાના મિત્રને ફોન કરી હેતના પિતાનો નંબર માંગ્યો હતો પરંતુ હેતના પિતાનો નંબર ન મળતા અને ખંડણી નહિ મળે તેમ માની હેતને ગળાટુપો દઈ પતાવી દઈ લાશને રીબડાના ગુંદાસરા પાસે નાખી દીધી હતી.

પકડાયેલ નિકુંજે પોલીસ સમક્ષ એવી કબુલાત આપી હતી કે, હત્યાનો ભોગ બનનાર હેત તેના મેડીકલે અવારનવાર ચોકલેટ લેવા આવતો હતો. બનાવના દિવસે કારમાં તેને ચક્કર મરાવવાનું કહી અપહરણ કર્યુ હતું. બાદમાં અપહૃત હેત દેકારો ન કરે તે માટે તેના મ્હોમાં ચૂંદડી અને ગળામાં પ્લાસ્ટિકની દોરી બાંધી દીધી હતી. કારને અવાવરૂ જગ્યાએ એટલે કે ગુંદાસરા રોડ પર ખંડણી માંગવા માટે હેતના પિતાના મિત્રને ફોન કરી હેતના પિતાનો નંબર માગ્યો હતો. પરંતુ ૩ વખત પ્રયત્ન કરવા છતાં નંબર ન મળતા હેતને મારી નાખવાનો પ્લાન ઘડયો હતો. જો કે કારમાં બેઠેલા હેતના મ્હોમાં અને ગળામાં પ્લાસ્ટિકની દોરી બાંધી દેવાતા તે કારમાં જ બેભાન થઈ ગયો હતો અને મોતને ભેટયો હતો. ત્યાર બાદ હેતનુ મોત થયાનું જાણી તેની લાશને ગુંદાસરા પાસે ફેંકી દઈ નાસી છૂટયો હતો.

પોલીસની પૂછપરછમાં નિકુંજે એવી કેફીયત આપી હતી કે તેના પર ૧.૬૦ લાખનું દેણુ હતુ. આ દેણાની તેના પરિવારજનોને ખબર ન હતી. આ દેવુ ચૂકવવા માટે જ હેતનુ અપહરણ કર્યુ હતું. જેટલુ દેણુ હતુ તેટલી જ ખંડણી માગવાનો ઈરાદો હતો.

હત્યામાં વપરાયેલ ચૂંદડી અને પ્લાસ્ટિકની દોરી કબ્જે કરવાની બાકી હોય તેમજ એક સીમકાર્ડ નિકુંજે તોડી નાખ્યુ હોય આ ત્રણેય વસ્તુ કબ્જે કરવા હત્યારા નિકુંજને પાંચ દિ'ના રીમાન્ડની માંગણી સાથે આજે સાંજે કોર્ટમાં રજુ કરાશે. વધુ તપાસ પી.આઈ. જે.એસ. પંડયા તથા સ્ટાફ ચલાવી રહ્યો છે.

(11:54 am IST)