રાજકોટ
News of Wednesday, 30th May 2018

બોગસ લોન કોૈભાંડમાં પકડાયેલા ત્રણ શખ્સોના ૧૦ દિવસના રિમાન્ડ મંગાશે

કેપિટલ ફર્સ્ટના મેનેજર સરફરાજ, કર્મચારી રાજેશ અને નિખીલને લોન દીઠ હજાર-પંદરસો કમિશન મળતું: લોનની રકમ ડોકયુમેન્ટ આપનારા શખ્સો ચાઉ કરી જતા'તા

રાજકોટ તા. ૩૦: દોઢસો ફુટ મવડી રીંગ રોડ  પર ઇમ્પિરીયલ હાઇટ્સમાં આવેલી કેપીટલ ફર્સ્ટ લિમીટેડ નામની ફાયનાન્સ કંપનીમાં કાવત્રુ રચી જુદા-જુદા લોકોના બોગસ ડોકયુમેન્ટ ઉભા કરી તેના આધારે મોબાઇલ ફોન માટે લાખોની બોગસ લોન મેળવી લેવાના કોૈભાંડમાં ૧૨ શખ્સો સામે ગુનો નોંધાયા બાદ માલવીયાનગર પોલીસે કંપનીના મેનેજર એન બે કર્મચારીની ધરપકડ કરી રિમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરી છે. આ ત્રણેયના કહેવા મુજબ    લોન માટેના ડોકયુમેન્ટ બાકીના નવ શખ્સો લાવતાં હતાં.

 

પોલીસે કેપિટલ ફાયનાન્સના મેનેજર સરફરાજ હાજીભાઇ હેરંજા (ઉ.૨૪-રહે. ભરતવન સોસાયટી, નિલકંઠ પાર્ક પાસે),  કર્મચારી રાજેશ ચંદુભાઇ ડાંગર (ઉ.૨૫-રહે. ભગવતીપરા મેઇન રોડ) તથા નિખીલ ભાવશેભાઇ કુબાવત (ઉ.૨૩-રહે. મંગલ પાર્ક-૩ કોઠારીયા ગામ)ની ધરપકડ કરી છે. પકડાયેલા ત્રણેયના કહેવા મુજબ આરોપીમાં બાકીના નવ શખ્સોના નામ છે તે નિષ વ્યાસ, રવિરાજસિંહ રાણા ઉર્ફ રવિ, મિત તન્ના, કિશન કતિરા, હાર્દિક જાડેજા, વસીમ દલવાણી, અર્જુન આહિર, હરકિશન અને મોન્ટુ જુદા-જુદા લોકોના ડોકયુમેન્ટ લાવતાં હતાં અને તેના આધારે બોગસ ડોકયુમેન્ટ બનાવી લોન પાસ કરાવતાં હતાં. આ લોનની રકમ ડોકયુમેન્ટ પુરા પાડનારા લઇ જતાં હતાં. પોતાને ત્રણેયને લોન દીઠ હજાર-પંદરસોનું કમિશન મળતું હતું. લોનથી મળતાં મોબાઇલને ડોકયુમેન્ટ આપનારા શખ્સો જ વેંચી નાંખી તેમાંથી ભાગે પડતી રકમ વહેંચી લેતાં હતાં. આ બધા ઝડપાયા બાદ વધુ વિગતો ખુલશે.

પી.આઇ. એન. એન. ચુડાસમા તથા પરેશભાઇ જારીયા, જાવેદહુશેન રિઝવી અને અરૂણભાઇ બાંભણીયા વધુ તપાસ કરે છે. પકડાયેલા ત્રણેયને બપોર બાદ દસ દિવસના રિમાન્ડની માંગણી સાથે રજૂ કરવામાં આવશે. (૧૪.૧૨)

(1:02 pm IST)