રાજકોટ
News of Friday, 30th April 2021

મીની લોકડાઉનમાં દુકાનો ખુલ્લી રાખી જાહેરનામાનો ભંગ કરનારા ર૬ દુકાનદારો ઝપટે ચડયા

બીડીવીઝન પોલીસે જાહેરમાં બીડી-સીગારેટ પીતા બન્ને ઝડપી લીધાઃ ભકિતનગર પોલીસે ૮, તાલુકા પોલીસે ૯ અને પ્રનગર પોલીસે ૯ દુકાનદારો સામે કાર્યવાહી કરી

રાજકોટ તા. ૩૦ : વૈશ્વીક મહામારીમાં કોરોના વાયરસના વધતા સંક્રમણને અટકાવવા માટે આંશીક લોકડાઉન જાહેર કરવામાં આવતા પોલીસ તેનું કકડપાલન કરાવી રહી છે. ત્યારે અલગ અલગ વિસ્તારમાં દુકાનો ખુલ્લી રાખનારા ર૬ દુકાનદારો સામે જાહેરનામા ભંગની કાર્યવાહી કરવામાં આવી હતી. કોરોના વાયરસના વધતા સંક્રમણને અટકાવવા માટે સરકારના માર્ગદર્શન મુજબ આંશીક લોકડાઉન જાહેર કરવામાં આવતા શહેર પોલીસ કમિશનરની સુચનાથી પોલીસ દ્વારા મીનીલોકડાઉન તથા અન્ય જાહેરનામાનું ચુસ્ત પાલન કરાવવામાં આવે છે ત્યારે આજે પોલીસે અલગ અલગ વિસ્તારમાં પેટ્રોલીંગ દરમ્યાન દુકાન ખુલ્લી રાખી વેપાર કરી જાહેરનામાનો ભંગ કરનારા કુલ ર૬ વેપારીઓ સામે કાર્યવાહી કરી છે જેમાં તાલુકા પોલીસે નવ, ભકિતનગર પોલીસે આઠ, અને પ્રનગર પોલીસે નવ વેપારીઓને પકડી જાહેરનામા ભંગની કાર્યવાહી કરી હતી જયારે બીડીવીઝન પોલીસે જાહેરમાં ધુમ્રપાન કરતા બે શખ્સોને પકડી દંડ વસુલકરી જાહેરનામાં ભંગની કાર્યવાહી કરી હતી.

(4:13 pm IST)