રાજકોટ
News of Friday, 30th April 2021

રાજકોટીયનો બન્યા સ્માર્ટ : આંગળીના ટેરવે ૧૩ કરોડનો મિલ્કત વેરો ભર્યો

૬ થી ૩૦ એપ્રિલ સુધીમાં એક મહિનામાં ગત વર્ષ કરતા આ વર્ષે ઓછા કરદાતાઓએ એડવાન્સ વેરો ભર્યો : આજ દિન સુધીમાં ૫૫ હજાર લોકોએ વળતર યોજનાનો લાભ લીધો : ૨૪ાા કરોડની આવક

રાજકોટ તા. ૩૦ : મ.ન.પા. દ્વારા મિલ્કત વેરામાં ૧૦ થી ૧૫ ટકા વળતર યોજના ચાલુ છે. જેમાં છેલ્લા ૧ મહિનામાં વેબસાઇટના માધ્યમથી ૩૩૧૮૨ લોકોએ ઓનલાઇન રૂ. ૧૩,૭૯,૬૭,૩૨૬ કરોડનો વેરો ભર્યો છે. એ સુચવે છે કે વર્તમાન કોરોના કાળમાં ઓનલાઇન વેરો ભરવાની સુવિધા સુરક્ષિત હોવાથી રાજકોટના સ્માર્ટ નગરજનો આ સુવિધાનો વધુને વધુ લાભ લઇ રહ્યા છે અને છેલ્લા ૧ મહિનામાં કુલ ૫૫ હજાર કરદાતાઓએ કુલ ૨૪.૫૮ કરોડનો વેરો ભરી વળતર યોજનાનો લાભ લીધો હતો.

મહાનગરપાલિકા દ્વારા અગાઉના વરસોની માફક જ સને ૨૦૨૧-૨૨ના વર્ષમાં પણ એડવાન્સ મિલ્કત વેરાની રકમ ભરપાઈ કરનાર કરદાતાઓને વળતર આપવાની યોજના તા.૬ એપ્રિલ, ૨૦૨૧થી લાગુ કરવામાં આવી છે જેમાં તા. ૩૦ એપ્રિલ સુધીમાં કુલ ૫૫૯૩૬ લોકોએ પોતાની મિલકતનો વેરો ભરપાઈ કરી એડવાન્સ મિલ્કત વેરો ચુકવવા પર વળતર યોજનાનો લાભ લીધો હતો અને રૂપિયા ૨૪.૫૮ કરોડનો વેરો ભરપાઈ કર્યો હતો. આગામી તા. ૩૧ જુલાઇ સુધી આ યોજનાનો લાભ મળશે તો વધુને વધુ લોકો આ યોજનાનો લાભ ઉઠાવે તેમ મેયર ડો.પ્રદિપ ડવ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પુષ્કરભાઈ પટેલ અને મ્યુનિસિપલ કમિશનર ઉદિત અગ્રવાલે શહેરીજનોને અપીલ કરી હતી.

વિશેષમાં મેયર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન અને મ્યુનિસિપલ કમિશનરએ એક યાદીમાં જણાવે છે કે, સને ૨૦૨૧-૨૨ના વર્ષમાં  તા.૩૧ મે સુધી એડવાન્સ મિલ્કત વેરો ભરનાર મિલ્કતધારકને ૧૦% વળતર તથા મહિલા મિલ્કત ધારકોને વધારાના ૫% વળતર એટલે કે ૧૫% અને તા.૩૦ જુન સુધી એડવાન્સ મિલ્કત વેરો ભરનાર મિલ્કત ધારકને ૫% અને મહિલા મિલ્કત ધારકને ૧૦% વળતર આપવાનું મંજુર કરાયેલ છે. આ બંને યોજનામાં ઓનલાઈન મિલ્કત વેરો ભરનાર મિલ્કતધારકને વિશેષ ૧% વળતર આપવામાં આવશે.

મેયર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન અને મ્યુનિસિપલ કમિશનરએ વધુમાં એમ જણાવ્યુ હતુ કે, દર વરસે એડવાન્સ વેરા વળતર યોજના ખુબ જ લોકપ્રિય બની રહી છે. ખુબ મોટી સંખ્યામાં કરદાતાઓ આ યોજનાનો લાભ લ્યે છે. આ જ પ્રકારે આ વરસે પણ મહત્ત્।મ સંખ્યામાં કરદાતાઓ એડવાન્સ મિલ્કત વેરો ભરપાઈ કરી વળતરનો લાભ પ્રાપ્ત કરે તેવી જાહેર અપીલ છે.કરદાતાઓ રાજકોટ મહાનગરપાલિકાની ત્રણેય ઝોન ઓફીસ, તમામ સિટી સિવિક સેન્ટર, તમામ ૧૮ વોર્ડની મુખ્ય વોર્ડ ઓફિસ, આઇ.સી.આઇ.સી.આઇ. બેંક ખાતે અને ઓનલાઈન મિલ્કત વેરો ભરપાઈ કરી શકાશે.

દરમિયાન છેલ્લા ૧ મહિનામાં એટલે કે ૧ થી ૩૦ એપ્રિલમાં અમીન માર્ગ સિવિક સેન્ટરમાં ૧૦૫૨ લોકોએ ૪૪.૧૯ લાખ સેન્ટ્રલ ઝોનમાં, ૨૬૧૪ લોકોએ ૨.૩૬ કરોડ ઇસ્ટ ઝોનમાં, ૧૪૬૨ લોકોએ ૬૨.૫૨ લાખ આઇ.સી.આઇ.સી.આઇ બેંકમાં, ૧૧૨ લોકોએ ૩૦.૪૫ લાખ કોઠારીયા રોડ સિવિક સેન્ટરમાં, ૯૮૨ લોકોએ ૨૫.૮ લાખ કૃષ્ણનગર સિવિક સેન્ટરમાં, ૮૭૦ લોકોએ ૨૩.૧૪ લાખ વેસ્ટ ઝોનમાં ૧૫૮૬ લોકોએ ૯૦.૮૬ લાખ અને વિવિધ વોર્ડ ઓફિસોમાં ૧૩.૯૭ લોકોએ ૫૯.૨૩ લાખ આ પ્રકારે મિલ્કત વેરો ભર્યો હતો.

(4:08 pm IST)