રાજકોટ
News of Friday, 30th April 2021

રિસોર્ટમાં લગ્ન પ્રસંગમાં નિયમોનો ભંગઃ ડો.કે. કે. રાવલ, તેમના વેવાઇ, રિસોર્ટ માલિક અને સંચાલક સામે કાર્યવાહી

ક્રાઇમ બ્રાંચની તપાસમાં રિજેન્સી લગૂન રિસોર્ટમાં ૫૦ને બદલે ૧૦૦થી વધુ મહેમાનો લગ્ન પ્રસંગમાં એકઠા થયાનું, સોયિશલ ડિસ્ટન્સ અને માસ્કના નિયમોનો ભંગ થયાનું ખુલ્યું: જે લોકો આવા પ્રસંગમાં નિયમોનો ભંગ કરશે તેની સામે કાર્યવાહી થશે

રાજકોટ તા. ૨૯: કોરોના સંક્રમણ અટકાવવા રાજકોટ શહેરમાં હાલમાં મીની લોકડાઉન અમલમાં છે અને રાત્રી કર્ફયુ પણ છે. સરકારની માર્ગદર્શિકા મુજબ પોલીસ સતત નિયમોનું પાલન કરાવવા કમર કસી રહી છે. લગ્ન સમારંભમાં ૫૦ લોકોને જ હાજર રાખવાની મંજુરી આપવામાં આવી છે. આમ છતાં કાલાવડ રોડ પર આવેલા રિજેન્સી લગૂન રિસોર્ટમાં ૨૫/૪/૨૧ના રોજ અતિથિ ચોકમાં આવેલી પ્રાઇમ હોસ્પિટલના ડો. કે. કે. રાવલના પુત્રના લગ્ન પ્રસંગમાં ૫૦થી વધુ માણસો એકઠા થયા હોવાનું અને સોશિયલ ડિસ્ટન્સનું પાલન ન થયું હોવાની માહિતી મળતાં આ મામલે ક્રાઇમ બ્રાંચે કાર્યવાહી કરી ડોકટર તેમજ તેમના વેવાઇ,  રિસોર્ટના માલિક, સંચાલક સહિત ચાર સામે ગુનો નોંધી કાર્યવાહી કરવામાં આવી છે.

પોલીસે જણાવ્યું હતું કે પોલીસ કમિશનરશ્રી મનોજ અગ્રવાલના માર્ગદર્શન અને સુચના મુજબ દરરોજ ક્રાઇમ બ્રાંચની ટીમો લગ્ન પ્રસંગોના સ્થળોે પર મેરેજ હોલ, કોમ્યુનિટી હોલ, રિસોર્ટસ, પાર્ટી પ્લોટ, હોટેલો સહિતના સ્થળોએ તપાસ કરતી રહે છે. દરમિયાન પીઆઇ વી. કે. ગઢવીની રાહબરીમાં પીએસઆઇ વી. જે. ગઢવી અને ટીમને માહિતી મળી હતી કે રિજેન્સી લગૂન રિસોર્ટમાં ૨૫મીએ ડો. કે. કે. રાવલના પુત્રના લગ્નમાં ૫૦ને બદલે ૧૦૦થી વધુ લોકો એકઠા થયા હતાં. તેમજ અમુકે જ માસ્ક પહેર્યા હોવાનું અને સોશિયલ ડિસ્ટન્સનું પાલન ન થયું હોવાનું જાણવા મળતાં લગ્ન સમારંભ યોજનાર ડો. કે. કે. રાવલ, ભરતભાઇ ચંદુભાઇ વ્યાસ, રિજન્સી લગૂન રિસોર્ટના માલિક સુમિતભાઇ પ્રવિણભાઇ પટેલ અને રિસોર્ટ સંચાલક સંજયકુમાર શ્રીચક્રવર્તીકુમાર શર્મા સામે આઇપીસી ૨૬૯, ૧૮૮, ૧૩૫ તથા ડિજાસ્ટર મેેનેજમેન્ટ એકટ ૨૦૦૫ની કલમ ૫૧ (બી) મુજબ ગુનો દાખલ કરી હાલમાં ડોકટર રાવલ, સુમિતભાઇ, સંજયભાઇ સામે કાર્યવાહી કરવામાં આવી છે. ભરતભાઇ મોરબી હોઇ તેમની સામે હવે પછી કાર્યવાહી થશે.

લગ્ન પ્રસંગે જે કોઇપણ નિયમોનો ભંગ કરી ૫૦થી વધુ લોકો એકઠા કરશે તેની સામે આ રીતે કાર્યવાહી કરવામાં આવશે. તેમ જણાવાયું છે. પીઆઇ વી. કે. ગઢવી, પીએસઆઇ વી. જે. જાડેજા, એએસઆઇ જયેશભાઇ નિમાવત, હેડકોન્સ. હિતેન્દ્રસિંહ ઝાલા, ભરતસિંહ પરમાર, શકિતસિંહ ગોહિલ, સ્નેહભાઇ ભાદરકાએ આ કામગીરી કરી હતી.

(3:22 pm IST)