રાજકોટ
News of Friday, 30th April 2021

રાજકોટમાં લોકડાઉન છતાં પ્રદુષણ યથાવતઃ માત્ર બે સ્થળે જ ચોખ્ખી હવા

ગત વર્ષના સજ્જડ લોકડાઉનમાં પ્રદુષણ ઘટી ગયેલ અને આ વખતે : ત્રિકોણબાગ, સામો કાંઠો, આજીડેમ, ગ્રીનલેન્ડ ચોકડી, સોરઠીયાવાડી વગેરે સ્થળોએ એર કવોલીટી ઈન્ડેક્ષ ૧૦૦થી વધુ નોંધાઈ રહ્યો છેઃ વાહનોની હેરફેરમાં કોઈ ફર્ક નહીં પડતા પ્રદુષણનું પ્રમાણ બપોરે પણ જોવા મળ્યુ

રાજકોટ, તા. ૩૦ :. શહેરમાં છેલ્લા ત્રણ દિવસથી મીની લોકડાઉન અમલમાં હોવા છતા વાહનોની હેરફેરમાં કોઈ મોટો ફર્ક નહીં પડતા શહેરની હવામાં પ્રદુષણનું પ્રમાણ ઘટયુ નહીં હોવાનુ નોંધાયુ છે. માત્ર મહિલા કોલેજ અન્ડરબ્રીજ અને રેસકોર્ષ એમ બે સ્થળોએ હવાનુ પ્રમાણ શુદ્ધ હોવાનું ગઈકાલથી આજે બપોરે પુરો થતા ૨૪ કલાકમાં એર કવોલીટી ઈન્ડેક્ષમાં નોંધાયુ છે. આ અંગે મ.ન.પા. દ્વારા વિવિધ જાહેર સ્થળો કે જ્યાં ટ્રાફીકનું પ્રમાણ વધુ હોય છે ત્યાં મુકાયેલ સેન્શર મશીનમાં નોંધાયેલ એર કવોલીટી ઈન્ડેક્ષમાં ગઈકાલથી આજે બપોરે પુરા થતા ૨૪ કલાકમાં નોંધાયેલા આંકડાઓ મુજબ શહેરના ત્રિકોણબાગે ૩૦૬, ઈસ્ટ ઝોન મ.ન.પા. કચેરી ખાતે ૩૨૧ તથા આજીડેમ ખાતે ૨૪ થી ૯૦ અને ગ્રીનલેન્ડ ચોકડીએ ૩૫ થી ૧૦૦ જ્યારે સોરઠીયાવાડીએ ૩૦૮.

આ મુજબ એર કવોલીટી ઈન્ડેક્ષ હતો જેના પરથી એવુ નક્કી થયુ રહ્યુ છે કે આ વિસ્તારમાં પ્રદુષણનુ પ્રમાણ છે.

માત્ર મહિલા કોલેજ ખાતે ૫૦ અને રેસકોર્ષ બગીચા ખાતે ૭૭ એમ આ બે સ્થળોએ જ પ્રદુષણનું પ્રમાણ નહીવત છે.

નોંધનીય છે કે ગત વર્ષ સજ્જડ લોકડાઉન હોવાથી શહેરમાં વાહનોની હેરફેર અત્યંત જુજ હતી આથી તે વખતે એર કવોલીટી ઈન્ડેક્ષ ૧૦૦ની અંદર જ રહ્યો હતો.

જ્યારે આ વખતે મીની લોકડાઉન છે આથી વાહનોની હેરફેરનુ પ્રમાણ યથાવત છે. જેના કારણે ટ્રાફીકથી ધમધમતા વિસ્તારોમાં પ્રદુષણનુ પ્રમાણ ઘટયુ નથી.

૦-પ૦       સારૂ

પ૦-૧૦૦    સંતોષકારક

૧૦૦-ર૦૦   થોડુ નુકશાનકારક

ર૦૦-૩૦૦   નુકશાનકારક

૩૦૦-૪૦૦   બહુ ખરાબ

૪૦૦-પ૦૦      હોનારત સર્જનાર

(3:19 pm IST)