રાજકોટ
News of Friday, 30th April 2021

પરિવારના સભ્યો સંક્રમીત છતાં દર્દીઓની સેવામાં તબીબ

મારા પરિવારને જેટલી મારી જરૂર છે એનાથી વધુ મારી જરૂર સમાજ અને દેશને છેઃ ડો.રાહુલ ગંભીર

કોરોનાની પહેલી લહેરમાં હું પરિવારથી દૂર રહેતો, બીજી લહેરમાં ઘરના સભ્યોથી દૂર રહું છું કે હું કોરોના સંક્રમિત થઈ ન જાઉ

રાજકોટઃ ૭૩ વર્ષીય પિતા અને ૬૫ વર્ષીય માતા, ૩૯ વર્ષીય પત્નિ, નાનોભાઈ તથા તેના પત્નિ કોરોનાગ્રસ્ત હોય ઘરમાં ૩ બાળકો કઠીન પરિસ્થિતિમાંથી પસાર થતા હોય અને વ્યકિત પર પરિવાર અને શહેરના લોકોને બચાવવાની ડોકટર તરીકેની બેવડી જવાબદારી હોય.આવા સમયે સમાજ પ્રત્યેની જવાબદારીને પ્રાથમીકતા આપીને સતત પોતાની ફરજ બજાવી રહેલા પી.ડી.યુ. સિવિલ હોસ્પિટલ, રાજકોટના મેડીસિન વિભાગના નોડલ ઓફીસર ડો. રાહુલ ગંભીરની આ વાત છે.

કોરોના સંક્રમણનો ભોગ બનેલા લોકોને ઉગારવા માટે અત્યાર સુધી પડદા પાછળ રહીને સૌથી મહત્વની ભુમિકા ભજવનાર રાજકોટ સિવીલ હોસ્પિટલ મેડીસિન વિભાગના ખાતે કોવિડ-૧૯ના દર્દીઓ માટે જરૂરી અને અગત્યની સારવાર આપીને તબીબો રાત દિવસ ફરજ બજાવી રહ્યા છે. રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે તમામ દર્દીઓ મેડીસિન વિભાગના તબીબોની સારવાર મેળવી રહ્યા છે.

ડો. રાહુલ ગંભીર જણાવે છે કે, કોરોના વાયરસના સંક્રમણનો ભોગ કોઈપણ વ્યકિતના ઘર સભ્યો બને ત્યારે પરિસ્થિતિ ખરાબ અસહ્ય અને બની જાય છે. મારા ૭૩ વર્ષીય પિતા અને ૬૫ વર્ષીય માતા, ૩૯ વર્ષીય પત્નિ, નાનો ભાઈ તથા તેના પત્નિ કોરોનાગ્રસ્ત બન્યા હતા.. જેમાંથી મારા પિતા અને નાનો ભાઈ તથા તેના પત્નિએ કોરોના મુકત બન્યા છે. અમારા ઘરમાં  ૧૩ વર્ષનું એક બાળક અને ૧૦ અને (૫) પાંચ વર્ષની બે નાની નાની બાળકીઓ છે. મારી માતાને બીપી અને ફેફસાની બીમારી છે તા. ૧૬ એપ્રિલ પોઝીટીવ છે. જ્યારે મારા પત્નીને કોઈ અન્ય કોઈ કો-મોરબીડિટીવાળી બીમારી નથી, પરંતુ તેમની તબિયત નાજુક છે. છેલ્લા પાંચેક દિવસ થી તે બંને સિવિલમાં સારવાર લઈ રહ્યા છે.

''કર્મ એ જ સાચો ધર્મ છે'' વાતને ખરા અર્થમાં સાકાર કરતા ડો. ગંભીરે જણાવ્યું હતું કે, એક સમયે હું પોતે ઘરથી એટલા માટે દૂર રહેતો હતો કે ઘરના સભ્યોને કોરોના સંક્રમિત ન થાય અને આજે જ્યારે કોરોનાની બીજી લહેર ચાલી રહી છે ત્યારે ઘરના સભ્યોથી એટલે દૂર રહું છું કે હું કોરોના સંક્રમિત ન થઈ જાઉં. મારા પરિવારને જેટલી મારી જરૂર છે એનાથી વિશેષ જરૂર અત્યારે સમાજને મારી છે, દેશને પણ મારી જરૂર છે. મારી કર્તવ્યનિષ્ઠામાં મને કોઈ બાધા નડતી નથી. આ મુશ્કેલીના સમયે ભગવાને મારા મનોબળને વધુ મજબુત કર્યો છે. જો હું જ હિંમત હારી જઈશ તો કોરોનાના સંક્રમણને અટકાવવામાં હું સરકારને સહયોગી કેમ થઈ શકીશ!

(2:56 pm IST)