રાજકોટ
News of Friday, 30th April 2021

સ્વૈચ્છિક બંધ, રાત્રિ કર્ફયુ, મીની લોકડાઉન, દો ગજ કી દૂરી, ભયાવહ મહામારી, કાળઝાળ ગરમી અને મોતના પોકાર વચ્ચે અડધો રમઝાન માસ પસાર : હવે પારો ઉંચો જતા ભારે તાપથી રોઝા આકરા !

ધીરે ધીરે અંતિમ ચરણ તરફ પ્રયાણ કરી રહેલ રમઝાન માસઃ હવે પછી તા.૭ના અંતિમ શુક્રવારઃ તા.૯ ના શબેકદ્ર અને તા.૧૦ના હરણી રોઝુ : ગયા વખતે લોકડાઉનમાં ૩૦ રોઝા થયેલ તેમ આ વખતે મહામારીમાં પણ ૩૦ રોઝા નિશ્ચિતઃ ૧૪ મી મેના શુક્રવારના દિને જ ઇદ થવાનો પૂર્ણ સંભવ : શરૂઆતના ૧પ રોઝા સુધી ઉષ્ણતામાન નીચુ રહેશે તે ઉલ્લેખનો 'અકિલા' દૈનિકનો રપ દિવસ પહેલાનો પ્રસિધ્ધ અહેવાલ સત્ય ઠર્યોઃ ૧પના બદલે ૧રમાં રોઝાથી જ ૪૧ ડીગ્રી તાપમાન થઇ ગયુ છે : દરરોજ હવેથી સવારે ૧ મીનીટ ઘટતા અને સાંજે ૧ મિનીટ વધવાનું શરૂ થતા પ્રારંભનો ૧૪ કલાકનો રોઝો પોણા પંદર કલાકનો રોઝો બની ગયો

રાજકોટ તા. ૩૦ :.. ગત તા. ૧૪ એપ્રિલથી પ્રારંભ પામેલા ઇસ્લામ ધર્મના પવિત્ર રમઝાન માસનો આજે  ૧૭મો રોઝો છે ત્યારે બીજી તરફ સ્વૈચ્છીકબંધ, રાત્રિ કર્ફયુ, દો-ગજ કી દૂરી, ભયાવહ મહામારી, કાળઝાળ ગરમી મીની લોકડાઉન અને મોતના પોકાર વચ્ચે અડધો રમઝાન માસ પસાર થઇ જવા પામ્યો છે.

રમઝાન માસ પ્રારંભ થવાની સાથે ઉષ્ણતામાન નીચુ રહેશે અને ધીમે ધીમે વધશે તે વર્તારાના નિર્દેશ મુજબ બરાબર ૧રમા રોઝાથી જ ૪૧ ડીગ્રી તાપમાન થઇ જતા અને હવે અંત સુધી આ ઉંચુ તાપમાન સંભવત રહેનાર હોઇ આવી  વિકટ સ્થિતિ વચ્ચે હવેના રોઝા પણ આકરા તાપમાં પસાર થનાર હોઇ રોઝા રાખનારાઓને વધુ એકવાર કષ્ટ સહન કરવો પડયો છે.

મહામારી વચ્ચે હવેના રોઝા પણ આકરા બની રહેવાની સંભાવના સાથે નાના - મોટા સૌ કોઇ રોઝા રાખી ઇબાદત કરી રમઝાનમય બની ગયા છે. ટૂંકમાં ગળા નીચે થુંક પણ નહીં ઉતારીને સખ્ત તાપમાં મુસ્લિમ ભાઇ-બહેનો કઠીન તપસ્યા કરી રહ્યા છે.

એટલું જ નહીં હવે ના રોઝામાં દરરોજ પરોઢિયે સહેરીમાં ૧ મીનીટનો ઘટાડો અને સાંજે ઇફતારમાં ૧ મીનીટનો વધારો રહેનાર હોઇ પ્રારંભમાં ૧૪ કલાકનો રોઝાનો જે સમયગાળો હતો તે વધીને હવે પોણા પંદર કલાકનો બની જશે આમ મહામારીની વિકટ સ્થિતિ અને સખ્ત તાપમાં રોઝા પણ 'લાંબા' બની ગયા છે.

એક તરફ સખ્ત તાપના રોઝા, સતત ઇબાદત અને રાત્રીના વધારાની સળંગ તરાવીહની નમાઝ-કુઆર્ન પઠન સહિતના દાન-પૂણ્યના કાર્યા કરી મુસ્લિમ સમાજ પૂણ્યનું ભાથુ બાંધી રહ્યો છે ત્યારે મુસ્લિમ વિસ્તારોમાં રાબેતા મુજબ રાહતભાવે રૂ. ૧૬૦ થી ર૦૦ ના પ્રતિ કિલો ફરસાણ પણ વિતરણ થઇ રહ્યું છે જો કે વિનામૂલ્યે વિતરણ કે, સામુહિક ઇફતારીના કાર્યક્રમો મહામારી વચ્ચે મોકૂફ રહ્યા છે.

હાલમાં રોઝો પરોઢિયે ૪.પર ના શરૂ થાય છે જે અંતમાં ૪.૪૧ એ પહોંચશે તેમ ઇફતાર સાંજે ૭-૧૮ ના થાય છે જે અંતમાં ૭.ર૪ ઉપર પહોંચશે.

બીજી તરફ ગયા વખતે લોકડાઉન હતું એ સમયે જ ૩૦ રોઝા થયા હતા તેમ આ વખતે મહામારી વચ્ચે પણ ૩૦ રોઝા થવાનું નિશ્ચિત છે.

જો કે આ વખતે ૪ શુક્રવાર જ રહ્યા છે. ત્રણ પસાર થઇ ગયા છે અને હવે તા. ૭ મેના અંતિમ શુક્રવાર રહેશે અને તે પછીનો શુક્રવાર ઇદનો દિવસ બની રહેશે.

આમ આકરો તાપ અને રોઝાનો સમયગાળો પણ વધુ હશે તેમાં છેલ્લા રોઝા પસાર થશે.

આ વર્ષે ચાર શુક્રવાર જ રહેશે પણ પાંચમાં શુક્રવારે સીધી ઇદ થઇ જશે.

રમઝાન માસમાં પાંચ રાત્રીનું મહત્વ વધારે છે. જેમાં ર૧મી રાત્રી તા. ૩-પ-ર૧ સોમવાર ર૩ મી તા.પ-પ-ર૦ર૧ બુધવાર, રપ મી રાત્રી તા.૭-પ-ર૦ર૧શુક્રવાર  ર૭ મી રાત્રી તા.ર૬-પ-ર૦ર૧ રવિવાર અને ર૯ મી રાત્રી તા.૧૧-પ-ર૦ર૧ મંગળવારના રોજ મનાવવામાં આવશે.

આ વખતે ર૭ મો રોઝો જે હરણી રોઝા તરીકે ઓળખાય છે અને તે અનેક હિન્દુ ભાઇ-બહેનો પણ રાખે છે તે તા.૧૯-પ-ર૧ના સોમવારે રહેશે.

જો કે દર વર્ષે રમઝાન માસમાં મહત્વના દિવસો મહત્વના રોઝા કે મહત્વની રાત્રીઓ કે તારીખ વારના અનેરા સંયોગો સર્જાય છે તે આ વખતે એક પણ આવો સંયોગ સર્જાયો નથી અને માત્ર બુધવારે રોઝા શરૂ થઇ ગુરૂવારે પુરા થઇ શુક્રવારે ઇદ  થઇજવાનો માત્રએક ક્રમ સર્જયો છે ત્યારે સૌથી મોટો સંયોગ એ કે આ વખતે શુક્રવારે  ઇદ ઉજવણી થશે અને ગત ૧૪ મી એપ્રિલના રોઝા શરૂ થયા છે તેમ આગામી ૧૪ મી મેના ઇદ થઇ જશે.

(2:52 pm IST)