રાજકોટ
News of Friday, 30th April 2021

આ છે હનીટ્રેપ કરનાર ટોળકીઃ પૈસા કમાવવાનો ખોટો રસ્તો જેલ તરફ લઇ ગયો

આજીડેમ પોલીસે ખેડૂતની ફરિયાદ પરથી છને પકડ્યાઃ કોર્ટ હવાલે

રાજકોટઃ નેકનામના ખેડૂત નિતીનભાઇ મગનભાઇ દેત્રોજાને ફોન કરી 'હું જાનકી બોલુ છું, તમને સારી રીતે ઓળખુ છું, મારે ફ્રેન્ડશીપ કરવી છે'...એવી મીઠી મીઠી વાતો નવ દિવસ સુધી કર્યા બાદ જાનકીએ બીજા સાથે મળી પૈસા પડાવવાનું કાવત્રુ ઘડી નિતીનભાઇને મળવા માટે બોલાવ્યા બાદ બળાત્કારના કેસમાં ફીટ કરી દેવાની ધમકી આપી અઢી લાખ પડાવવા પ્રયાસ કર્યો હતો. આ ગુનામાં આજીડેમ પોલીસે જાનકી કનકભાઇ ઉપરા (રહે. ચુનારાવાડ-૩), ટંકરાના મિંતાણાના ઉર્વેશ રમેશભાઇ ગજેરા, વાવડી પુનિતનગર ટાંકા પાસે રહેતી ગીતા મહેશ ગોસ્વામી, થોરાળા પોલીસ સ્ટેશન સામે મનહર સોસાયટીમાં રહેતી જીલુ કાસમ લઘડ તથા મુળ વિરપુર જલારામ વૈજ મંદિર સામે રહેતી અને કેટલાક દિવસથી માંડા ડુંગર પાસે ગોળાઇમાં આવેલા મોગલ માના મંદિરે કામ કરવા આવેલી ગીતા ગજરાજગીરી ગોસ્વામી તથા એક સગીરને પકડી લીધા છે. ઉર્વેશે અગાઉ નિતીનભાઇ પાસેથી કાર ભાડેથી લીધી હોઇ તેની પાસે તેના નંબર હતાં. હાલમાં ઉર્વેશ, ગીતા, જાનકી એમ બધાને પૈસાની જરૂર હોઇ બધા એક બીજા સાથે સંપર્કમાં હોઇ હનીટ્રેપથી નિતીનભાઇને ફસાવી પૈસા પડાવવાનો પ્લાન ઘડ્યો હતો. પરંતુ આ ખોટો રસ્તો બધાને જેલ સુધી લઇ ગયો છે. તમામને કોર્ટ હવાલે કરવા તજવીજ થઇ છે. પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ, જેસીપી ખુરશીદ અહેમદ, ડીસીપી પ્રવિણકુમાર મીણા, એસીપી એચ. એલ. રાઠોડની રાહબરીમાં પીઆઇ વી. જે. ચાવડા, પીએસઆઇ એમ. એમ. ઝાલા, એમ. ડી. વાળા, જીતુભાઇ ભમ્મર, જાવેદભાઇ રિઝવી સહિતે કાર્યવાહી કરી હતી.

(1:12 pm IST)