રાજકોટ
News of Friday, 30th April 2021

મનપાનો સંવેદનશીલ નિર્ણયઃ વેરા વળતર યોજના એક માસ લંબાવાઇ

હાલની વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખી એડવાન્સ મિલ્કત વેરો ભરનાર મિલકત ધારકને ૧૦% વળતર યોજનાની મુદત વિશેષ ૩૦ જુન સુધી તેમજ ૫ ટકા વળતર યોજના જુલાઈ સુધી લંબાવવાની જાહેરાત કરતા મેયર, સ્ટેન્ડિંગ ચેરમેન, અને મ્યુનિસિપલ

રાજકોટ,તા.૩૦: હાલની વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખી એડવાન્સ મિલ્કત વેરો ભરનાર મિલકત ધારકને ૧૦  અને ૫ ટકા વળતર યોજનાની મુદતમાં એક માસનો વધારવાનો સંવેદનશિલ નિર્ણય ડૉ.પ્રદિપ ડવ, પુષ્કરભાઈ પટેલ અને  ઉદિત અગ્રવાલ દ્વારા કરવામાં આવ્યો છે.

આ અંગે મેયર ડૉ.પ્રદિપ ડવ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પુષ્કરભાઈ પટેલ અને મ્યુનિસિપલ કમિશનર ઉદિત અગ્રવાલ એક સંયુકત યાદીમાં જણાવે છે કે, સને ૨૦૨૧-૨૨ના વર્ષમાં તા.૩૧ મે સુધી એડવાન્સ મિલ્કત વેરો ભરનાર મિલ્કતધારકને ૧૦% વળતર તથા મહિલા મિલ્કત ધારકોને વધારાના ૫% વળતર એટલે કે ૧૫% અને ઓનલાઈન ભરનારને ૧% વળતર વિશેષ આપવાનું મંજુર કરાયેલ છે. હાલની વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખી આ યોજનાની મુદત   વિશેષ તા.૩૦ જુન સુધી લંબાવવામાં આવે છે.

એજ રીતે જુન માસમાં એડવાન્સ મિલ્કત વેરો ભરનાર મિલ્કત ધારકને ૫% અને મહિલા મિલ્કત ધારકને ૧૦% વળતર આપવાનું તેમજ ઓનલાઈન મિલ્કત વેરો ભરનાર મિલ્કતધારકને વિશેષ ૧% વળતર આપવાનું મંજુર કરાયેલ છે. જે યોજનાને ૩૧ જુલાઈ સુધી લંબાવવાનો નિર્ણય કરાયેલ છે.

કરદાતાઓ રાજકોટ મહાનગરપાલિકાની ત્રણેય ઝોન ઓફીસ, તમામ સિટી સિવિક સેન્ટર, તમામ ૧૮ વોર્ડની મુખ્ય વોર્ડ ઓફિસ, આઇ.સી.આઇ.સી.આઇ. બેંક ખાતે અને ઓનલાઈન મિલ્કત વેરો ભરપાઈ કરી શકાશે.

હાલની વર્તમાન પરિસ્થિતિના કારણે મિલકતધારકો આ યોજનાનો લાભ મેળવી શકે તેવા શુભ આશયથી આ યોજનાને લંબાવવામાં આવેલ છે. તેમ મેયર, સ્ટેન્ડિંગ ચેરમેન તથા કમિશનરશ્રીએ જણાવેલ છે.

(3:16 pm IST)