રાજકોટ
News of Friday, 30th April 2021

રમઝાન માસમાં તબીબની અનોખી સેવા

કોરોના પોઝીટીવ પિતા હોસ્પિટલમાં અને પુત્ર ડો.ઈલ્યાસ જુનેજા એક પણ રજા લીધા વિના કોરોનાગ્રસ્ત દર્દીઓની સેવામાં

રાજકોટઃ  એક પાક મુસ્લિમ કેવો હોય, એનું કાબિલે તારીફ ઉદાહરણ બન્યા છે, કેન્સર હોસ્પિટલના કોરોના કેર સેન્ટરના નોડલ ઓફિસર ડો. ઇલ્યાસ જુનેજા...

મુસ્લીમ બિરાદરોનો પવિત્ર રમઝાન માસ ચાલી રહયો છે, આ રમજાન માસમાં પ્રત્યેક મુસ્લીમ બિરાદરની જેમ દર વર્ષે ડો. ઇલ્યાસભાઇ રોજા રાખે. પરંતુ આ વર્ષના રમઝાન માસમાં કોરોનાગ્રસ્ત દર્દીનારાયણની સેવાના કારણે તેઓ રોજા નથી રાખી શક્યા.

ડો. ઇલ્યાસભાઇને રોજા ન કરી શકવાનો અફસોસ છે, પરંતુ અલ્લાહના દરબારમાં ડો. ઇલ્યાસના રોજા એડવાન્સમાં કબૂલ થઇ ચુકયા છે. કેમકે, તેમના પિતાજી રાજકોટની પી.ડી.યુ. હોસ્પીટલમાં કોરોનાની સારવાર મેળવી રહયા છે, અને એક પાક મુસ્લિમ તરીકે કોરોનાના અન્ય દર્દીઓની સારવાર સાથે સંકળાયેલા ડો. ઇલ્યાસ ફોન પર પિતાજીની તબિયતની ખબર પુછીને પોતાની ફરજો સંપૂર્ણ સમર્પિતભાવે અદા કરી રહયા છે. એક ખરા બંદાની આવી નેક અને મૂક સેવા અલ્લાહના દરબારમાં જરૂર કબૂલ થતી જ હોય છે.

ડો. ઇલ્યાસ એક શિક્ષિત પરિવારમાંથી આવે છે. તેમના પિતાજી આમદભાઇ જુનેજા ગોંડલની નૂતન કન્યા વિદ્યાલયમાં શિક્ષક તરીકેની કારકીર્દિ બાદ નિવૃત્ત જીવન ગુજારે છે, જયારે એમ.એ. બી.એડ.ની ડીગ્રી ધરાવતા તેમના માતા રાબિયાબેન હોમમેકર છે. પોતાની આ વિગતો ખૂબ સંકોચપૂર્વક ડો.ઇલ્યાસે આપી હતી. અને જણાવ્યું હતું કે, હું એક સામાન્ય નાગરિક છું, અને મારે ભાગે આવેલી કામગીરી નિષ્ઠાપૂર્વક બજાવું છું.

(2:57 pm IST)