રાજકોટ
News of Monday, 30th January 2023

આધાર કાર્ડ-ચૂંટણી કાર્ડ સરકાર શા માટે લીંક કરાવે છે? ભીખાભાઇ બાંભણીયા

રાજકોટ તા. ૩૦ :.. જસદણના પૂર્વ ધારાસભ્‍ય અને રાજકોટ ડેરી અને જસદણ માર્કેટીંગ યાર્ડના પૂર્વ ચેરમેન ભીખાભાઇ બાંભણીયાએ જણાવ્‍યું છે કે, હાલ આધાર કાર્ડ અને ચૂંટણી કાર્ડને લીંક કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. વીડીયોના માધ્‍યમથી કે લોકો મારફત એવી વાતો કરવામાં આવે છે કે આ બંને કાર્ડ લીંક કરવાની જોગવાઇ મતદારોના હકક ઉપર તરાપ મારવા બરાબર છે તેવું લાગી રહ્યું છે. (શંકા છે) આવી વાતોથી મતદારોના મનમાં શંકા જવાને લીધે મુંઝવણ અનુભવી રહ્યા છે.મતદારોના આ રીતે કાર્ડ લીંક કરવાથી શું સગવડતા મળવાની છે અથવા કઇ રીતે ઉપયોગી થશે તેની સરકારે સ્‍પષ્‍ટતા કરવાની જરૂર છે. જે રીતે બેંકના ખાતામાં ડાયરેકટ રકમ જમા કરાવવાની તથા ચેક વગર ઉપાડ કરવાની વ્‍યવસ્‍થા છે. આવી સુવિધાને લીધે કોઇપણ ખાતેદારના ખાતામાંથી હેક દ્વારા રકમ ઉપાડી લીધાના બનાવો બન્‍યા છે.સારવાર માટે આયુષ્‍યમાન કાર્ડ, ઓળખ માટે આધાર કાર્ડ, કે ચૂંટણી કાર્ડ, વિધવા કે વૃધ્‍ધો માટેની સહાયના કાર્ડ, તેમ જ અન્‍ય કાર્ડ મારફત જૂદી જૂદી યોજનાનો લાભ આપવામાં આવે છે. પરંતુ આ રીતે બંને કાર્ડને લીંક કરવાનું કારણ શું છે શા માટે આ વ્‍યવસ્‍થા કરવાની જરૂર પડી તે વિષે સરકારે મતદારો અને લોકોની જાણકારી માટે સ્‍પષ્‍ટતા કે ખુલાસો કરવાની જરૂર છે. આ વ્‍યવસ્‍થાથી મતદારોને મતદાન મથકે જવાની જરૂર પડશે નહી અથવા મતદાન કાર્ડનો કોઇપણ  ઉપયોગ કરી શકશે એવી શંકા ઉદભવે એ સ્‍વભાવિક છે. તેમ અંતમાં ભીખાભાઇ બાંભણીયાએ જણાવ્‍યું છે.

(4:56 pm IST)