રાજકોટ
News of Monday, 30th January 2023

ચંપકનગરમાં મકાનના ભાગ પ્રશ્ને મહિલા પોલીસ કર્મચારીને ભાઇએ લાફા માર્યા

પિતાની મિલ્‍કતમાં મારો એકનો જ ભાગ, બીજા કોઇને નહિ આપું...કહી ડખ્‍ખો કર્યો : વિશાલે વિધવા માતાને પણ ઘર બહાર નીકળી જવા કહ્યું અને ખોટી ફરિયાદ કરશે તેવી ધમકી દીધીઃ બી-ડિવીઝન પોલીસે નિરાલીબેનની ફરિયાદ પરથીગુનો નોંધ્‍યો

રાજકોટ તા. ૩૦: સામા કાંઠે ચંપકનગરમાં વિધવા માતા સાથે રહેતાં મહિલા પોલીસ કર્મચારીને પિતાના મકાનના ચાર સરખા ભાગ બાબતે માથાકુટ કરી તેણીના ભાઇએ લાફા મારી ઢીકાપાટુ મારી ઝપાઝપી કરતાં અને ધમકી આપતાં ફરિયાદ થઇ છે. પિતાની મિલ્‍કતમાં દિકરા તરીકે મારા એકનો જ ભાગ છે, બીજા કોઇને ભાગ નહિ મળે તેમ કહી ભાઇએ ડખ્‍ખો કર્યો હતો.

આ બનાવમાં બી-ડિવીઝન પોલીસે સંત કબીર રોડ પર ચંપકનગર-૧માં રહેતાં અને મહિલા પોલીસ લોકરક્ષક તરીકે ફરજ બજાવતાં નિરાલીબેન જાદવજીભાઇ જોઇસર (ઉ.વ.૨૬)ની ફરિયાદ પરથી તેણીના ભાઇ વિશાલ જાદવજીભાઇ જોઇસર વિરૂધ્‍ધ ગુનો દાખલ કરવામાં આવ્‍યો છે. નિરાલીબેને જણાવ્‍યું છે કે હું બે વર્ષથી પોલીસમાં ફરજ બજાવુ છું. મારા પિતાજીનું ત્રણેક મહિના પહેલા અવસાન થયું છે. મારે એક મોટા બહેન છે અને તેનાથી નાનો ભાઇ વિશાલ છે. અમારા ત્રણેય ભાઇ-બહેનના લગ્ન થઇ ગયા છે. સાસરિયામાં મનદુઃખ હોઇ હું નવેક મહિનાથી પીયરમાં માતા સાથે રહુ છું. મારો ભાઇ વિશાલ તેની પત્‍નિ પાયલ સાથે ચારેક મહિનાથી મારા માતા તથા અમારાથી અલગ અયોધ્‍યા ચોક માધાપર ચોકડી પાસે રહે છે. હું અને મારા માતા મારા પિતાના મકાનમાં રહીએ છીએ. આ મિલ્‍કતમાં માતા સાથે અમારા ભાઇ-બહેનનો પણ ભાગ છે.

નિરાલીબેને વધુમાં કહ્યું હતું કે ૨૭મીએ સવારે હું અને માતા સાવિત્રીબેન ઘરે હતાં ત્‍યારે ભાઇ વિશાલ તથા મારા બહેન નિતાબેન ઘરે આવ્‍યા હતાં અને પિતાની મિલ્‍કતની વહેંચણી બાબતે વાતચીત શરૂ કરી હતી. આ વખતે મેં માતા અને ત્રણેય ભાઇ બહેન વચ્‍ચે એક સરખે મિલ્‍કતની વહેંચણી કરવાની હોય ેતમ કહેતાં મારા ભાઇ વિશાલને વાત ગમી નહોતી અને તેણે કહેલું કે પિતાની મિલ્‍કત છે તેમાં દિકરા તરીકે મારા એકનો જ ભાગ છે, તારો કે બીજી બહેન કે મમ્‍મીનો કોઇ ભાગ નથી. આથી મેં તેને બધાનો સરખો ભાગ આવે તારે અમને પણ ભાગ આપવો પડશે તેમ કહેતાં વિશાલે ઝઘડો કરી ભૂંડી ગાળો  ભાંડી હતી અને મને ગાલ પર બે થપ્‍પડ મારી દઇ ઝપાઝપી કરી ઢીકાપાટુ માર્યા હતાં.

આ વખતે મારા માતા અને બહેને વચ્‍ચે પડી મને છોડાવી હતી. ભાઇ વિશાલે મારા માતા સાવિત્રીબેનને ઘરમાંથી નીકળી જવાનું કહી મને પણ ધમકી આપી હતી કે જો મારા વિરૂધ્‍ધ પોલીસ ફરિયાદ કરશો તો હું પણ તમારા વિરૂધ્‍ધ ખોટી ફયિરાદ કરીશ. આ પછી પરિવારના સભ્‍યોની સમજાવટથી બધા ૨૮મીએ વકિલ જીતેન્‍દ્રભાઇ ગોસ્‍વામીની ઓફિસે વાતચીત કરવા ભેગા થયા ત્‍યારે ત્‍યાં પણ મારા ભાઇ વિશાલે વકિલની સાથે ઝઘડો કર્યો હતો. સમાધાનની વાતચીત ચાલતી હોઇ સમાધાન ન થતાં મેં ફરિયાદ કરી હતી. તેમ વધુમાં નિરાલીબેને જણાવતાં બી-ડિવીઝનના હેડકોન્‍સ. અશ્વિનભાઇ રાઠોડે ગુનો નોંધ્‍યો હતો.

(4:58 pm IST)