દિવાનપરામાં ખરીદી કરવા ગયેલા પરમારનું ૪૦ હજારનું પર્સ ચોરાયું
નવાગામની રજપૂત મહિલા મીનાક્ષી બ્યુટી કેરની દુકાનમાં બેઠા'તાને બાજુમાં બેઠેલી મહિલા પર્સ ચોરી નાસી ગઇ
રાજકોટ તા. ૩૦: દિવાનપરા મેઇન રોડ પર આવેલ મીનાક્ષી બ્યુટી કેર નામની કાપડની દુકાનમાં ખરીદી કરવા ગયેલી રાજપૂત મહિલાના થેલામાંથી અજાણી મહિલાએ રોકડ તથા મોબાઇલ સહિત રૂ. ૪૦ હજારની મતા ભરેલું પર્સ ચોરી જાતા ફરિયાદ થઇ છે.
મળતી વિગત મુજબ નવાગામ શકિત સોસાયટીમાં રહેતા બિંદુબેન શૈલેષભાઇ પરમાર (ઉ.વ. ર૯) પોતાના ઘરમાં જ કટલેરી તથા પાર્લર અને ડ્રેસ વેચવાનો ધંધો કરે છે. પતિ આઇઓસી સામે ટ્રકનું ગેરેજ ધરાવે છે. પોતે કટલેરીનો સામાન લેવા માટે અવારનવાર દિવાનપરા મેઇન રોડ, બંગડી બજારમાં જાય છે.
ગઇકાલે પોતે કટલેરીનો તેમજ પાર્લરનો સામાન લેવા માટે દિવાનપરા મેઇન રોડ તેમજ બંગડી બજારમાં ગયા હતા અને ત્યાંથી દિવાનપરા મેઇન રોડ પર આવેલ મિનાક્ષી બ્યુટી કેર નામની દુકાને ડ્રેસની ખરીદી કરવા માટે ગયા હતા અને પોતે દુકાનમાં બેઠા હતા. પોતાની પાસેનો સામાન ભરેલો થેલો પગ પાસે રાખ્યો હતો અને થેલામાં રોકડા રૂ. ૩૦,૦૦૦ અને એક મોબાઇલ સાથેનું પર્સ થેલામાં હતું. દરમ્યાન પોતે ખરીદી કરતા હતા ત્યારે તેની બાજુમાં પાતળા બાંધાની કાળા કલરનો ટોપ પહેરેલ અજાણી મહિલા આવી હતી અને તેણે બિંદીબેનની નજર ચુકવી થેલામાંથી રૂ. ૪૦ હજારની મતા સાથેનું પર્સ ચોરી કરી નાસી ગઇ હતી. ત્યારબાદ બિંદુબેન થેલામાંથી પર્સ લેવા જતા પર્સ થેલામાં જોવા ન મળતા પર્સની ચોરી થયાની ખબર પડતા તેણે એ ડીવીઝન પોલીસમાં ફરિયાદ નોંધાવતા પી.એસ.આઇ. જી. એમ. રાઠવા તથા રામભાઇ એ તપાસ આદરી છે.