રાજકોટ
News of Tuesday, 29th November 2022

હું ભાજપમાં છું, પણ ગોંડલ બેઠક પુરતો કોંગ્રેસ સાથે છુંસ્‍વમાનનો પ્રશ્‍ન છે, જયરાજસિંહને પાઠ ભણાવીશ : અનિરૂધ્‍ધસિંહ

જયરાજસિંહના પુત્ર મારા ૯૦ વર્ષના પિતાશ્રીને તુકારો કરીને ગાળો આપે એ અસહ્ય છે : અનિરૂધ્‍ધસિંહ રીબડા ગ્રુપની પત્રકાર પરિષદઃ જયરાજસિંહ દરેક સભામાં અમારા પરિવારને નિશાન બનાવે છે, અમે ડરતા નથી : જયરાજસિંહની તાનાશાહીથી મુકત થવા કોંગ્રેસને મત આપવા આહ્વાન

રીબડા ગ્રૃપના વડીલ મહિપતસિંહ જાડેજા અને અનિરૂધ્‍ધસિંહ જાડેજા પત્રકાર પરિષદ સંબોધતા દર્શાય છે. આ સમયે મોટી સંખ્‍યામાં ટેકેદારો ઉપસ્‍થિત હતા. (તસ્‍વીરઃ સંદિપ બગથરીયા) (૩૭.૮)

રાજકોટ તા. ર૯ : ગોંડલ ધારાસભાની બેઠક પરનો વિવાદ વકર્યો છ.ે ભાજપના જ શકિતશાળી જૂથો સામ-સામે આવી ગયા છે. ગોંડલમાં જયરાજસિંહ જાડેજાના પત્‍નીને ટિકીટ મળી છે આ બેઠક પર રીબડા ગ્રુપના અનિરૂધ્‍ધસિંહના પુત્ર પણ દાવેદાર હતા.

ચૂંટણીના બે દિવસ પૂર્વે બંને ગ્રુપ વચ્‍ચે વિવાદ પરાકાષ્‍ઠાએ પહોંચ્‍યોછે રીબડા ખાતે અનિરૂધ્‍ધસિંહ જાડેજાએ આજે પત્રકાર પરિષદ બોલાવીને જયરાજસિંહ ગ્રુપ પર આકરા પ્રહારો કરીને ચૂંટણીમાં પરાજિત કરવા કસમ ખવાઇ હતી.

અનિરૂધ્‍ધસિંહે જણાવ્‍યું હતું કે, હું ભાજપમાં જ છું   નરેન્‍દ્રભાઇ મોદી, અમિતભાઇ શાહના મારા પરિવાર પર ઉપકાર છે હું તેઓની ક્ષમા માંગીને કહું છું કે, ગોંડલ બેઠક પુરતો હું કોંગ્રેસ સાથે છું મારા પરિવાર સામે સ્‍વમાનનો પ્રશ્ન આવતા મારે આ નિર્ણય લેવો પડયો છે હું આ બેઠક પર ભાજપને પરજીત કરવા સક્રિય છું

અનિરૂધ્‍ધસિંહે આગળ કહ્યું હતું કે, પાર્ટી પાસે ટિકીટ માગવાનો દરેકને અધિકાર છે. આ અન્‍વયે અમે પણ ટિકિટ માંગી હતી. ટિકિટ ન મળતા અને પાર્ટીનો નિર્ણય સ્‍વીકાર્યો હતો, પણ જયરાજસિંહે અમારા પરિવાર પર કારણ વગરના શાબ્‍દિક હુમલા કર્યા. દરેક સભામાં અમારી વિરૂધ્‍ધ ધમકી ભરી ભાષા વાપરે છે. મારા ૯૦ વર્ષીય પિતાશ્રીને જયરાજનો દીકરો સભામાં તુકારા કરે, મને ગાળો આપે. ધમકી આપે. આ બધું થયું છતાં અમે પાર્ટી લાઇનમાં રહ્યા, જયરાજસિંહની સતત ધમકીઓથી છાપ એવી બનતી હતી કે, રીબડા ગ્રુપ ડરી ગયું છે.

 અનિરૂધ્‍ધસિંહ કહે છે કે અમારા સ્‍વમાનનો પ્રશ્ન સર્જાયો હતો. આ કારણે અમે નિર્ણય કર્યો છે કે, જયરાજસિંહની તાનાશાહીથી ગોંડલ પંથકને મુકત કરીશું.

અનિરૂધ્‍ધસિંહે કહયું હતું કે, મેં પક્ષને રજૂઆત કરી હતી કે, મારા પરિવારને ટિકિટ ન મળે તો કંઇ નહિ, કોઇક પાટીદારને ટિકિટ આપો.

હું મારા ખર્ચે ઉમેદવારને વિજયી બનાવીશ. પાર્ટીએ જયરાજસિંહ પરિવારને ટિકિટ આપી અને જયરાજસિંહે મારા પરિવારને જ ટાર્ગેટ બનાવ્‍યો છે. હવે અમે ગોંડલ બેઠક પુરતા કોંગ્રેસ સાથે છીએ.

અનિરૂધ્‍ધસિંહે જણાવ્‍યું હતુ કે, કોંગ્રેસના ઉમેદવાર યતીશ દેસાઇના પિતાશ્રી પવિત્ર માણસ હતા તેમને છરીના ઘા કોણે મરાવેલા એ બધા જાણ જ છે. ઉપરાંત જયરાજસિંહ લેઉઆ પાટીદારોના મત મેળવવા ઇચ્‍છે છે, પાટીદારોની હત્‍યાઓ પાછળ કોનો હાથ હતો એ જગજાહેર છે.અનિરૂધ્‍ધસિંહે ગોંડલ ગ્રુપ પર આકરા પ્રહારો કરતા કહ્યું હતું કે  આ ગ્રુપ દ્વારા દલિતો તથા સામાન્‍ય લોકો પર અત્‍યાચાર થાય છે. હું પાટીદારો તથા દરેક સમાજના મતદારોને અપીલ કરૂં છું કે, કોંગ્રેસને મત આપીને જયરાજસિંહની તાનાશાહીથી મુકિત મેળવો. અનિરૂધ્‍ધસિંહે અંતમાં કહ્યું હતુ કે, માં આશાપુરાની કસમ ખાઇને કહું છુ કે, હું ગોંડલ પંથકના લોકો સાથે છું, જયરાજસિંહથી ડર્યા વગર તેને પરાજિત કરો. હું ગોંડલમાં કાર્યાલય શરૂ કરીને તમારી રક્ષા કરીશ.

(3:52 pm IST)