રાજકોટ
News of Monday, 29th November 2021

સીએનજી રિક્ષા ચોરી નંબરો બદલી વેંચી નાંખવાનું કારસ્તાનઃ ૬ ચોરાઉ રિક્ષા સાથે ૪ શખ્સ પકડાયા

યુનિવર્સિટી પોલીસે ગાંધીગ્રામના તાહીર ઉર્ફ મોહસીન, જનકપુરી આવાસના જયપાલસિંહ ઉર્ફ જેપ્સી, કણકોટના રવિ અને રામરણુજા સોસાયટીના સતિષ ઉર્ફ સતીયાને પકડ્યાઃ તાહીર, રવિ અને જયપાલસિંહને નાણાવટી ચોકમાંથી દબોચ્યા બાદ કોૈભાંડ બહાર આવ્યું : હેડકોન્સ. હરપાલસિંહ જાડેજા, કોન્સ. જયંતિગીરી ગોસ્વામી અને બલભદ્રસિંહ જાડેજાની બાતમી પરથી એસીપી પી. કે. દિયોરા, પીઆઇ એ. એસ. ચાવડા, પીએસઆઇ એ. બી. જાડેજાની ટીમની કામગીરી

તસ્વીરમાં ઝડપાયેલા ચાર રિક્ષાચોરો (નીચે બેઠેલા) તથા કામગીરી કરનારા ડી. સ્ટાફની ટીમ જોઇ શકાય છે. સોૈથી નીચે કબ્જે થયેલી ચોરાઉ રિક્ષાઓ જોઇ શકાય છે. ચારેય શખ્સોએ છેલ્લા ત્રણ મહિનામાં છ સીએનજી રિક્ષાની ચોરી કરી હતી. જેનાં નંબર બદલી વેંચવા માટે મુકી હતી

રાજકોટ તા. ૨૯: શહેરમાંથી અલગ અલગ સ્થળોએથી રિક્ષાઓની ચોરી કરી તેના એન્જીન અને ચેસીસ નંબર બદલી વેંચી નાંખવાનું કારસ્તાન યુનિવર્સિટી પોલીસની ટીમે ઉઘાડુ પાડી ચાર શખ્સોને ઝડપી લઇ ૧ાા લાખની ૬ ચોરાઉ રિક્ષા કબ્જે કરી છે.

આ ગુનામાં પોલીસે તાહીર ઉર્ફ મોહસીન યુનુસભાઇ સંજાત (રહે. નાણાવટી ચોક, આરએમસી કવાર્ટર બ્લોક નં. ૧૨ ત્રીજો માળ), જયપાલસિંહ ઉર્ફ જેપ્સી લાલુભા વાઘેલા (રહે. જનકપુરી આવાસ યોજના કવાર્ટર નં. ૧૧૬૦, ચોથો માળ સાધુ વાસવાણી રોડ), રવિ દિનેશભાઇ ડાંગર (રહે. કણકોટના પાટીયે, કાલાવડ રોડ) તથા સતિષ ઉર્ફ સતીયો જેન્તીભાઇ રામૈયા (રહે. રામરણુજા સોસાયટી-૧, કોઠારીયા રોડ)ને પકડી લીધા છે.

આ ચારેય પાસેથી પોલીસે જીજે૦૧બીયુ-૫૪૭૫, જીજે૦૧બીઝેડ-૭૬૩૮, જીજે૧૮યુ-૩૭૩૯, જીજે૭વીવી-૨૬૬૭, જીજે૦૧એએકસ-૧૨૭૩ તથા જીજે૦૭વી-૭૭૫૯ નંબરની લીલા રંગની રૂ. ૧,૫૦,૦૦૦ની કિંમતની છ રિક્ષાઓ કબ્જે કરી છે. આ રિક્ષાઓમાં ત્રણ મહિના પહેલા ગુલાબનગર પાસેથી તાહીર, રવિ, જયપાલસિંહે ચોરી કરી હતી. જેમાં સતિષે ભંગારની રિક્ષાનું ડેસબોર્ડ અને નંબરો લગાવ્યા હતાં. બે મહિના પહેલા ટીટોડીયા કવાર્ટર પાસેથી એક રિક્ષા ચોરી તેમાં પણ ભંગારની રિક્ષાના નંબર લગાવ્યા હતાં.

આ જ રીતે એક મહિના પહેલા સાધુ વાસવાણી રોડ ગુરૂજીનગર કવાર્ટર પાસેથી, તાજેતરમાં બેસતા વર્ષના દિવસે મોરબી રોડ બાયપાસ પાસેથી તથા અન્ય સ્થળેથી એક રિક્ષા ચોરી હતી. જ્યારે ૭૬૩૮ નંબરની રિક્ષા સતિષે પોતાની પાસે ઘણા સમયથી રાખી હતી.

યુનિવર્સિટી પોલીસ મથકના ડી. સ્ટાફના હેડકોન્સ. હરપાલસિંહ જાડેજા, કોન્સ. જયંતિગીરી ગોસ્વામી અને બલભદ્રસિંહ જાડેજાને બાતમી મળી હતી કે નાણાવટી ચોક હોકર્સ ઝોન પાસે જીજે૦૩બીયુ-૫૪૫૭ નંબરની રિક્ષામાં તાહીર, જયપાલસિંહ અને રવિ બેઠા છે અને તેની પાસેથી રિક્ષા ચોરાઉ છે. આથી ત્યાં જઇ તપાસ કરતાં બાતમી સાચી જણાતાં ત્રણેયને સકંજામાં લઇ પુછતાછ કરી રિક્ષાના કાગળો આધાર પુરાવા રજૂ કરવા જણાવતાં ગલ્લા તલ્લા કર્યા બાદ આ રિક્ષા મુંજકા ટીટોળીયા કવાર્ટર પાસેથી ચોરી કર્યાનું કબુલ્યુ હતું.

વધુ પુછતાછ થતાં આ ત્રણેયએ ચોથા શખ્સ હુડકો પોલીસ ચોકી પાછળ વેલ્ડીંગની કેબીન ધરાવતાં સતિષ ઉર્ફ સતીયા સાથે મળી બીજી પાંચ સીએનજી રિક્ષાઓની ચોરી કર્યાનું કબુલતાં આ રિક્ષાઓ પણ કબ્જે કરવામાં આવી હતી.

ઝડપાયેલાઓમાં જયપાલસિંહ ઉર્ફ જેપ્સી અગાઉ યુનિવર્સિટી પોલીસમાં હત્યાની કોશિષ, મારામારી સહિતના ત્રણ ગુનામાં, રવિ દારૂ સહિતના બે ગુનામાં, સતિષ આજીડેમમાં જાહેરનામા ભંગમાં પકડાયો હતો. પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ, જેસીપી ખુરશીદ અહેમદ, ડીસીપી મનોહરસિંહ જાડેજા, એસીપી પી. કે. દિયોરાની રાહબરીમાં પીઆઇ એ. એસ. ચાવડા, પીએસઆઇ એ. બી. જાડેજા, એએસઆઇ બી. ડી. ચુડાસમા, હેડકોન્સ. રાજેશભાઇ મિયાત્રા, હરપાલસિંહ જાડેજા, યુવરાજસિંહ ઝાલા, કોન્સ. જયંતિગીરી ગોસ્વામી, સહદેવસિંહ જાડેજા, બલભદ્રસિંહ જાડેજા અને બ્રિજરાજસિંહ ગોહિલે કરી આ કામગીરી કરી હતી. (૧૪.૧૫)

રાતે બે થી ત્રણ વચ્ચે રિક્ષામાં બેસી ત્રણ જણા રિક્ષા ચોરવા નીકળતાં: પગેથી ધક્કો મારી ઉઠાવી જતાં

સતિષ ડેસબોર્ડ બદલતો, ચેસીસ નંબર ભુંસી નાંખી ભંગારની રિક્ષાની નંબર પ્લેટો લગાવી દેતોઃ પછી પોતાની વેલ્ડીંગની કેબીન પાસે વેંચવા મુકી દેતો! ખોટી નંબર પ્લેટો લગાડવા મામલે અલગથી કાર્યવાહી થશે

. પોલીસ તપાસમાં ખુલ્યા મુજબ રિક્ષા ચોરવા માટે તાહીર ઉર્ફ મોહસીન, રવિ ડાંગર અને જયપાલસિંહ ઉર્ફ જેપ્સી રાતે બે થી ત્રણ વાગ્યા વચ્ચેનો સમય પસંદ કરતાં હતાં. એક રિક્ષામાં ત્રણેય જતાં હતાં. એ પછી શેરીઓમાં પાર્ક કરાયેલી રિક્ષાની ચોરી કરતાં હતાં. તાહરી ચોરી કરેલી રિક્ષા ડ્રાઇવીંગ કરતો, રવિ જે રિક્ષા લઇને નીકળ્યા હોય એ ચલાવતો અને જયપાલ ચોરી કરેલી રિક્ષાને પાછળથી પગથી ધક્કો મારતો હતો. ચોરાઉ રિક્ષા સતિષ ઉર્ફ સતીયાની વેલ્ડીંગની કેબીને લઇ જવાતી હતી. જ્યાં સતિષ ચેસીસ નંબરનું ડેસબોર્ડ બદલી નાંખતો. તેમજ ચેસીસ નંબર છેકી નાંખતો હતો અને ભંગારની રિક્ષાના રજીસ્ટ્રેશન નંબરો લગાવી દેતો એ પછી આ રિક્ષા પોતાની કેબીન પાસે વેંચવા મુકી દેતો હતો.

સીએનજી રિક્ષા ચોરી ખોટી નંબર પ્લેટ લગાડી લોકોને અને પોલીસને ગેરમાર્ગે દોરવાનું ગુનાહિત કાવત્રુ આ ચારેય કરતાં હોઇ આ અંગે અલગથી કાર્યવાહી કરવામાં આવશે. 

(3:39 pm IST)