રાજકોટ
News of Friday, 29th November 2019

નારીના વિકાસ વિના દેશનો વિકાસ અસંભવ : સ્વામિ નિખિલેશ્વરાનંદજી

ફિલ્ડ માર્શલ કન્યા છાત્રાલયમાં પ્રેરક ઉદ્દબોધન : રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા શિક્ષક પન્નાબેન પંડયાનું સન્માન

રાજકોટ : ફિલ્ડ માર્શલ તથા ગોવાણી કન્યા છાત્રાલય રાજકોટના પ્રમુખ તથા રાજબેંકના ચેરમેન ચંદુભાઇ પોપટભાઇ કણસાગરા (ફિલ્ડ માર્શલ) ના અધ્યક્ષ સ્થાને શ્રી રામકૃષ્ણ આશ્રમના અધ્યક્ષ સ્વામી શ્રી નિખિલેશ્વરાનંદજીનું વ્યાખ્યાન યોજવામાં આવ્યુ હતુ. સંસ્થાના મેનેજીંગ ટ્રસ્ટી પરસોતમભાઇ ફળદુએ પુષ્પગુચ્છથી સ્વામીજીનું સ્વાગત સન્માન કરેલ. કેમ્પસ ડાયરેકટર પ્રો. જે. એમ. પનારાએ સ્વામીજીનો પરિચય રજુ કર્યો હતો. આ કાર્યક્રમમાં કાન્તા સ્ત્રી વિકાસ ગૃહના પૂર્વ પ્રિન્સીપાલ અને એ. પી. જે. અબ્દુલ કલામના હસ્તે બેસ્ટ ટીચરનો રાષ્ટ્રપતિ એવોર્ડ મેળવનાર પન્નાબેન પંડયા, ટ્રસ્ટી ગૌતમભાઇ ધમસાણીયા અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. સંસ્થાની ગૃહમાતા ક્રિષ્નાબેન, સુમિત્રાબેન, અનસુયાબેન, જાગૃતિબેનના હસ્તે પન્નાબેનનું સન્માન કરાયુ હતુ. પ્રારંભમાં કારેટીયા અદિતિ અને પટેલ પિનલે પ્રાર્થના રજુ કરી હતી. સ્વામી નિખિલેશ્વરાનંદજીએ રામકૃષ્ણ પરમહંસ, શારદામણિ દેવી તથા સ્વામી વિવેકાનંદજીના વિવિધ પ્રેરક પ્રસંગો રજુ કરી દિકરીઓમાં એક નવી ઉર્જાનો સંચાર કર્યો હતો. તેમણે પ્રેરક દ્રષ્ટાંતો રજુ કરતા જણાવેલ કે કોઇપણ પક્ષી એક પાંખથી ઉડી શકે નહીં, તેવી જ રીતે નારીનો વિકાસ નહીં થાય ત્યાં સુધી દેશનો વિકાસ થઇ શકશે નહીં. નારી શિક્ષણ ઉપર ભાર મુકતા સ્વામીજીએ જણાવેલ કે નારીનું સન્માન ખુબ મોટુ કાર્ય ગણાય. જે આજે થયુ છે. તેઓએ સફળતા માટે એકાગ્રતા હાંસલ કરવાની વાત કરી જીવનને નિયંત્રણમાં રાખવા જણાવ્યુ હતુ.

(3:33 pm IST)