રાજકોટ
News of Thursday, 29th November 2018

રાજકોટ કલાત્મકતાનું કેન્દ્ર બન્યુ : સુંદર પ્રતિમાઓથી શહેર શોભી ઉઠયું

મ્યુ. કોર્પોરેશનના જનભાગીદારી પ્રોજેકટ હેઠળ શહેરનાં મુખ્ય ચોકમાં બ્યુટીફિકેશનથી શહેરની શોભા વધી : સિટી બ્યુટીફિકેશનનો હેતુ લોકજાગૃતિ થકી શહેરની સ્વચ્છતા અને સુંદરતા બરકરાર રાખવાનો છે : બિનાબેન, બંછાનિધી પાની અને ઉદય કાનગડનો સંદેશ

રાજકોટ તા. ૨૯ : મહાનગરપાલિકા દ્વારા  'સ્વચ્છ ભારત મિશન' હેઠળ લેવામાં આવી રહેલા વિવિધ પગલાઓમાં એક અતિ મહત્વપૂર્ણ એવું કદમ છે 'સિટી બ્યુટીફિકેશન'.  શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલા ટ્રાફિક સર્કલો અને રસ્તાઓની સુંદરતા વધે, શહેર રહેવા અને ફરવાલાયક બની રહે, તેમજ સૌથી મહત્વનું પાસું એ કે, સિટી બ્યુટીફિકેશનનાં માધ્યમથી નાગરિકોમાં એવો સંદેશ પ્રસરે કે, આ ખુબસૂરત શહેર આપણું છે અને તેની સુંદરતા બરકરાર રાખવી એ આપણા સૌની ફરજ છે. રાજકોટ મહાનગરપાલિકાએ પોતે અને ખાનગી સંસ્થાઓના સહયોગથી શહેરના વિવિધ સર્કલોનું થીમ બેઇઝડ બ્યુટીફિકેશન કર્યું છે, તેમ મેયર બિનાબેન આચાર્ય, સ્ટેન્ડિંગ કમિટીનાં ચેરમન ઉદયભાઈ કાનગડ અને મ્યુનિ. કમિશનર બંછાનિધિ પાનીએ જણાવ્યું હતું.

તેમણે આ વિષયમાં વધુ વાત કરતા કહ્યું હતું કે, સિટી બ્યુટીફિકેશનની ઝુંબેશમાં શહેરની વિવિધ સંસ્થાઓએ મહાનગરપાલિકા સાથે જોડાઈને 'સ્વચ્છ ભારત મિશન'ને બળ પ્રદાન કર્યું છે. સ્વાભાવિકરીતે જ જનભાગીદારી વગર સ્વચ્છ શહેરની ઝુંબેશ અધુરી ગણાય પરંતુ શૈક્ષણિક અને સામાજિક સંસ્થાઓએ પોતાની નૈતિક જવાબદારી નિભાવી વહીવટી તંત્રનો ઉત્સાહ બેવડાવ્યો છે. આજે આપણે જોઈ શકીએ છીએ કે, શહેરના ૧૫૦ ફૂટ રિંગ રોડ પર, રેસકોર્સ રિંગ રોડ પર, ૮૦ ફૂટ રોડ પર, ભાવનગર રોડ પર, તેમજ શહેરની મધ્યમાં સ્થિત વિવિધ સર્કલો કોઈ ને કોઈ થીમ પર આધારિત બ્યુટીફિકેશન ધરાવે છે.

આ ઉપરાંત રાજકોટ મહાનગરપાલિકાએ મેટલ વેસ્ટ અને પથ્થરમાંથી બનાવડાવેલા વિવિધ સ્કલ્પચર પણ શહેરમાં વિવિધ સ્થળોએ મુકેલા છે. એવી જ રીતે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા કાલાવડ રોડ પર ડીવાઈડરનાં સેન્ટ્રલ એલાઇનમેન્ટ દ્વારા રસ્તા વાઈડનિંગનાં માધ્યમથી તેને સુંદર આકાર આપવામાં આવેલ છે. તો, કેકેવી ચોકમાં એર ફોર્સનું મિગ ફાઈટર વિમાન અને ફલેમિંગો પક્ષીની પ્રતિકૃતિઓ મુકી આ ચોકને જોવા લાયક બનાવવામાં આવ્યો છે.  ૧૫૦ ફૂટ રિંગ રોડ પર સ્થિત ગાર્બેજ ટ્રાન્સફર સ્ટેશન પાસેથી શીતલ પાર્ક જતા રસ્તામાં ડીવાઈડર મુકી આ રસ્તાની શિકલ પણ ફેરવી નાંખવામાં આવેલ છે.  વિશેષમાં, મેયરશ્રી, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનશ્રી અને મ્યુનિ. કમિશનરશ્રીએ કહ્યું હતું કે, રાજકોટમાં સ્વચ્છતા અંગે જનજાગૃતિ કેળવાય તે માટે 'સ્વચ્છતા'ની થીમ અને સંદેશ સાથે મેરેથોનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.

દરમ્યાન રાજકોટ મહાનગરપાલિકા દ્વારા બહુમાળી ભવન ચોક સર્કલ ખાતે, નાનામવા ચોક સર્કલ ખાતે, માલવિયા પેટ્રોલ પંપ ચોક, પ્રધ્યુમન પાર્ક ઝૂ, એરપોર્ટ રોડ, રેસકોર્સ રિંગ રોડ પર લાઈફ બિલ્ડીંગ સામે, આજી ડેમ માછલી ઘર પાસે, તેમજ અન્ય ચોકમાં પથ્થરના શિલ્પ અને મેટલ વેસ્ટમાંથી બનેલા પુતળા મુકવામાં આવેલ છે. આ ઉપરાંત રેસકોર્સ રિંગ રોડની સુંદરતા વધારવા માટે લોખંડની નવી ગ્રીલ મુકવામાં આવી છે. રેસકોર્સની અંદર સ્વિમિંગ પૂલ પાસેની ગલીને બેહદ સુંદર સ્વરૂપ આપી બ્યુટીફિકેશન કરવામાં આવેલ છે.

(3:55 pm IST)