રાજકોટ
News of Thursday, 29th October 2020

દોશી હોસ્પીટલ પાસે છરીના ઉપરાછાપરી ઘા મારી ભરવાડ યુવાનની હત્યાના કેસમાં આરોપીને આજીવન કેદ

મૃતકે હાથમાં પહેરેલ કડુ માંગવા જેવી સામાન્ય બાબતે આરોપીએ હત્યા કરી નાખેલ

રાજકોટ તા. ર૯: રાજકોટમાં એચ. જે. દોશી હોસ્પીટલ પાસે ધવલ છગનભાઇ ટોયટાની છરીના ઘા મારીને હત્યા કરવા અંગે પકડાયેલ આરોપી રવિ પ્રવિણભાઇ સોલંકી સામેનો કેસ ચાલી જતાં એડી. સેસ. જજશ્રી ડી. એ. વોરાએ આરોપી રવિ સોલંકીને આજીવન કેદની સજા ફટકારી હતી.

આ અંગેની વિગત એવી છે કે, તા. ૧૦-૮-૧પના રોજ મરનાર ધવલ છગનભાઇ ટોયટા અને તેનો મિત્ર કલ્પેશ ઉર્ફે ભોલો પોતાના ઘરેથી રાત્રે કારખાનામાં કામે જતાં હતાં ત્યારે દોશી હોસ્પીટલ પાસે પહોંચતાં આરોપી રવિ પ્રવિણ સોલંકી મરનાર ધવલે હાથમાં પહેરેલ કડુ માંગતાં ધવલે આપવાની ના પાડતાં બંને વચ્ચે રકઝક થતાં આરોપી રવિએ તેના નેફામાંથી છરી કાઢીને ધવલની છાતી, પેટ, વાંસામાં અને પેટના ભાગે ઉપરાછાપરી છરીના ઘા મારીને હત્યા કરી નાખી હતી.

આ બનાવ અંગે મવડી પ્લોટમાં આવેલ વિનાયકનગર શેરી નં. ૪ માં રહેતા નાજાભાઇ બચુભાઇ સોલંકીએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.

આ કેસ ચાલતાં સરકારપક્ષે એ.પી.પી. શ્રી પરાગ એન. શાહે રજુઆત કરેલ કે, આ બનાવના નજરે જોનાર સાહેદ કલ્પેશ ઉર્ફે ભોલાએ બનાવને સમર્થન આપેલ છે. આ ઉપરાંત અટક પંચ તથા મેડીકલ ઓફીસર તેમજ આરોપીએ જયાંથી છરી લીધેલ તે સ્ટોરના માલીક પંકજભાઇની જુબાની તેમજ એફ.એસ.એલ.ના રિપોર્ટના આધારે આરોપી સામેનો કેસ સાબીત માનીને સજા કરવા રજુઆત કરી હતી.

આ બનાવ અંગે પોલીસે તપાસના અંતે આરોપીની ધરપકડ કરીને કોર્ટમાં ચાર્જશીટ રજુ કર્યું હતું. આ કામનાં સરકારપક્ષે એ.પી.પી. પરાગ એન. શાહ રોકાયા હતાં.

(3:31 pm IST)