રાજકોટ
News of Thursday, 29th October 2020

પોટેન્શીયલ લીન્ક ક્રેડીટ પ્લાન લોન્ચ કરતા કલેકટરઃ ૧૬૧૯૦ કરોડની લોન અપાશે

નાબાર્ડ-લીડ બેન્ક-કલેકટર વચ્ચે ર૦ર૧-રર ની તમામ પ્રકારની લોન અંગે મીટીંગમાં ફાઇનલ કરાયું: ગયા વર્ષે ૧૧ હજાર કરોડની લોન અપાશે છે : આ વખતે ૪૬ ટકાનો વધારોઃ ઇન્ડસ્ટ્રીઝ-એગ્રીકલ્ચર-શિક્ષણ-ઇન્ફ્રાસ્ટ્રકચર-MSME-હાઉસીંગ-એકસપોર્ટ સહિતના ઉદ્યોગો આવરી લેવાયા

રાજકોટ તા. ર૯ :.. ગુજરાત સરકાર ઉદ્યોગો માટે અનેક મહત્વના પ્લાન રજૂ કરી રહ્યા છે, રાજકોટ શહેર-જીલ્લામાં તમામ પ્રકારણ ઉદ્યોગોને સબસીડી-નોન સબસીડી લોન સરળતાથી મળી રહે તે માટે જીલ્લા કલેકટર શ્રી રેમ્યા મોહને ગઇકાલે નાબાર્ડના જીલ્લા અધિકારી શ્રી મહેશ પટોરે, લીડ બેંકના મેનેજર તથા અન્ય ઉચ્ચ અધિકારીઓ સાથે ર૦ર૧-રર ના પ્લાન માટે મહત્વની મીટીંગ યોજી હતી, અને તેમાં રાજકોટની ૩૦ થી વધુ નેશનલાઇઝ અને ખાનગી-સહકારી બેન્કો મારફત ઉદ્યોગકારોને સરળતાથી લોન મળી રહે તે માટે પોટેન્શીયલ લીન્ક ક્રેડીટ પ્લાન લોન્ચ કર્યો હતો.

આ અંગે પત્રકારોને માહિતી આપતા એડીશનલ કલેકટરશ્રી પરિમલ પંડયાએ જણાવ્યું હતું કે જીલ્લા કલેકટરશ્રીએ આ વખતે રાજકોટ શહેર - જીલ્લાના ઉદ્યોગકારોને બેન્કો મારફત લોન મળી રહે તે માટે, કુલ ૧૬૧૯૦ કરોડનો પોટેન્શીયલ લીન્ક ક્રેડીટ પ્લાન (સંભવીત ધીરાણ આયોજન) લોન્ચ કર્યો છે, અને તે મુજબ કાર્યવાહી શરૂ કરી દેવા આદેશો કર્યા છે.

શ્રી પંડયાએ ઉમેર્યુ હતું કે, આ લોન તમામ પ્રકારની ઇન્ડસ્ટ્રીઝ, એગ્રીકલ્ચર, એમએસએમઇ ઉદ્યોગો, હાઉસીંગ, એકસપોર્ટ - ઇમ્પોર્ટ, શિક્ષણ, ઇન્ફ્રાસ્ટ્રકચર, સહિતના ઉદ્યોગકારોનો સમાવેશ થાય છે.

ગયા વર્ષે આ પ્લાન ૧૧૦૪૦ કરોડનો હતો, પરંતુ આ વખતે ૪૬ ટકાના વધારા સાથે ૧૬૧૯૦ કરોડનું આયોજન કરાયું છે, જીલ્લા ઉદ્યોગ કેન્દ્ર, સમાજ સુરક્ષાની લોનને લગતી વિગતો પણ આવરી લેવાઇ છે, વિવિધ પ્રકારની ઉદ્યોગોને આર્શીવાદ રૂપ મનાતી સ્કીમો પણ આવરી લેવાયાનું શ્રી પંડયાએ ઉમેર્યુ હતું.

(3:28 pm IST)