રાજકોટ
News of Thursday, 29th October 2020

અત્યાર સુધી કદી નથી બની તેવા વિષય પર રાજકોટમાં નિર્માણ પામી અર્બન ગુજરાતી ફિલ્મ 'યુવા સરકાર': ૧૩મીએ થશે રિલીઝ

એક આદર્શ શિક્ષક યુવાનને સક્રિય રાજકારણમાં જોડાવવા અપીલ કરે છે અને આગળજતાં આ સફરમાં કેવા કેવા વળાંકો આવે છે તેની કહાનીઃ સાચો હીરો તેને કહેવાય જે લોકોની સમસ્યાને સમજે, તેનું સમાધાન કરે, હમેંશા સાથે ઉભા રહે...કંઇક આવી જ વાત છે આ ફિલ્મમાં: નિર્માતા નિલેષ કાત્રોડિયા અને નિર્દેશક રક્ષિત વસાવડાની ફિલ્મમાં કલાકારો હર્ષલ માંકડ, મેહુલ બુચ,રાજુ યાજ્ઞિક, મિલન ત્રિવેદી, અનિશ કચ્છી, હર્ષિત ઢેબર, કાજલ અગ્રાવત, આસ્થા મહેતા, અરવિંદ રાવલ, સુજલ દેસાઇએ પાથર્યા છે અભિનયના ઓજસઃ મુખ્ય હીરો હર્ષલ માંકડ છે એસબીઆઇના કર્મચારીઃ ગોંડલના નિલેષભાઇ કાત્રોડિયા સાથે મુંબઇ સુધી સફર કરી અને ફિલ્મ નિર્માણનો વિચાર આવ્યોઃ સાચું માર્ગદર્શન અને સહકાર મળે તો યુવાનો પણ શ્રેષ્ઠ પરિણામનુું સર્જન કરી શકે છે...ફિલ્મના નિર્માણમાં પણ એ જ બાબત અગત્યની બની રહી છે : જો વધુમાં વધુ વિદ્યાર્થીઓ અને શિક્ષકો સુધી આ ફિલ્મ પહોંચશે તો 'યુવા સરકાર'નો વિચાર યોગ્ય રીતે સાર્થક થઇ શકશેઃ આ ફિલ્મ રાજકીય બદલાવનો સંદેશ આપતી હોવા છતાં એ કોઈ જ ચોક્ક્સ રાજકીય પક્ષને સહકાર કે પક્ષની વિચારસરણીથી પ્રેરિત નથી ૬૦ સ્ક્રીન પર થશે રિલીઝઃ સાવધાની સાથે લોકોને દિવાળીની રજા માં મનોરંજન મળી રહે એ હેતુથી ફિલ્મ દિવાળીમાં રિલીઝ કરવાનો નિર્ણય ફળશે તેવી આશા શૂટિંગ સમયે ફલોર પરની મેહુલભાઈની શિસ્ત, દરેક સીનમાં પોતાનાથી બને એટલું શ્રેષ્ઠ કામ આપવાનો અભિગમ, અત્યંત સરળ વ્યવહાર આ બધી બાબતો રાજકોટના નવોદિતોને ઘણું બધુ શીખવે છેઃ ફિલ્મ સાથે જોડાયેલા ૯૦ ટકા લોકો રાજકોટના

રાજકોટ તા. ૨૯: હાલમાં ગુજરાતી ફિલ્મોનો નવો યુગ ચાલી રહ્યો છે. અર્બન ગુજરાતી ફિલ્મો બનવાની શરૂઆત થયા પછી એક એકથી ચડીયાતી ગુજરાતી ફિલ્મો જોવા મળી રહી છે. અલગ જ કહાની સાથે ભરપુર મનોરંજન અને ખાસ સંદેશા આપતી અનેક ફિલ્મો આવી ચુકી છે. હવે વધુ એક અર્બન ગુજરાતી ફિલ્મ ૧૩ નવેમ્બરે ૬૦ સ્ક્રીન પર આવી રહી છે. લોકડાઉન પછી રિલીઝ  થનારી આ પ્રથમ ગુજરાતી ફિલ્મ છે. આ ફિલ્મનું નામ છે-'યુવા સરકાર'. મજાની વાત એ છે કે ફિલ્મ સાથે જોડાયેલા ૯૦ ટકા લોકો રાજકોટના છે અને શુટીંગ પણ રાજકોટ, ગોંડલ અને સોૈરાષ્ટ્રમાં જ થયું છે. એક હીરો ૫૦ લોકોને ઘુસ્તાવી નાંખી હિરોઇનને બચાવી લે...તેવી વાત અહિ નથી. અહિ વાસ્તવિક પ્રકારની કહાની છે. એક આદર્શ શિક્ષક યુવાનને સક્રિય રાજકારણમાં જોડાવવા અપીલ કરે છે અને આગળજતાં આ સફરમાં કેવા કેવા વળાંકો આવે છે, સિસ્ટમને બદલવા ઇચ્છતા યુવાનની તકદીર તેને કયાં લઇ જઇ જાય છે? તેની સુંદર કહાની છે.

કોઇપણ ફિલ્મ પાછળ સામાન્ય રીતે એક ચોક્કસ વિચાર વિશાળ સ્વરૂપે આકાર લેતો હોય છે. જયારે એ વિચારની આસપાસ ભાવ વિશ્વ, વાર્તા, પાત્રો, વગેરે લખવામાં આવે અને ત્યારબાદ વિવિધ ઘટનાઓ થકી એક સમગ્ર ફિલ્મ માટેની કથા તૈયાર કરવામાં આવે છે. 'યુવા સરકાર-એક વિચાર..' ફિલ્મના પણ મુળમાં હર્ષલ માંકડનો એક વિચાર રહેલો છે કે યુવાનો પોલિટિકસમાં સક્રિય શું કામ ન થાય?

આપણા દેશના કોઈ પણ ક્ષેત્રમાં જયારે યુવાનો ઝંપલાવે છે ત્યારે એ ક્ષેત્ર અલગ રીતે ઉભરી આવે છે. વૈચારિક રીતે ઉન્નત એવો ભારત દેશનો યુવા તરવરાટ અને સાહસથી ભરપૂર છે. સાચું માર્ગદર્શન અને સહકાર મળે તો શ્રેષ્ઠ પરિણામનું સર્જન યુવાનો કરી શકે છે. આ ફિલ્મ નિર્માણમાં પણ એ જ બાબત અગત્યની બની. હર્ષલ ભાઈના વિચારને જય વસાવડા અને રક્ષિત વસાવડાનું સાચું માર્ગદર્શન મળ્યું, જવલંત છાયા, રમેશ તૂરી અને નિલેશ ચોવાટીયા જેવા ફિલ્મ નિર્માણ અંગેના અનુભવી વ્યકિત આ સફરમાં જોડાતાં ગયા અને એ દિવસે એવું ચોક્કસપણે નક્કી થયું કે આ વિચાર પર ફિલ્મ બનાવવી જોઈએ. અહી વાત આવી મિત્રતાની અને ભરોસાની. ગોંડલના નિલેશ કાત્રોડિયા વ્યવસાયે સોની કામનો ધંધો ધરાવે છે, હર્ષલ ભાઈ SBI બેંક માં નોકરી કરે છે.

 નિલેશભાઈ સાથે એક ગ્રાહક તરીકેની વાતચીત અને પરિચય ધીમે ધીમે ગાઢ બન્યો અમે મિત્રતામાં પરિણમ્યો. કૌન બનેગા કરોડપતિનીં સીઝનમાં નિલેશ ભાઈ સાથે જોડીદાર તરીકે હર્ષલ ભાઈ ગયા અને એ મુંબઈ થી ગોંડલની સફર દરમિયાન આ વિચાર અને ફિલ્મ નિર્માણ બાબતે ચર્ચાઓ થઈ. એ પછી નિલેશ ભાઈએ પોતાના ઉત્સાહ અને વિશ્વાસ સાથે પ્રોડ્યુસર બનવાની મહેચ્છા દેખાડી. આમ એક મજબૂત કોર ટીમ બની રહી હતી. ધીમે ધીમે શૂટિંગ પૂર્વેના તમામ પાસાઓ, ગીતના રેકોર્ડિંગ વગેરે કામો શરૂ થઇ ગયા. ત્યારબાદ પોસ્ટર ડીઝાઇન, ડાયલોગ, લોકેશન, સીન એ બધી તડામાર તૈયારીઓ થઈ.

વડોદરા અને અમદાવાદ તેમજ મુંબઈથી આર્ટ્સ અને ક્રાફટ તેમજ કેમેરા અને લાઈટની ટીમ જોડાઈ અને રાજકોટના પ્રમુખ સીનનું શૂટિંગ ૪ જાન્યૂઆરી ના રોજ શરૂ થયું. મહદ અંશે રાજકોટ ના જ કલાકારો અને અગત્યની ભૂમિકા માટે શ્રી મેહુલ બૂચ અને શ્રી જીતેન્દ્ર ઠક્કર જેવા અનુભવી દિગ્ગજોનું કાસ્ટીંગ કરવામાં આવ્યું. શૂટિંગ સમયે ફલોર પરની મેહુલભાઈની શિસ્ત,  દરેક સીનમાં પોતાનાથી બને એટલું શ્રેષ્ઠ કામ આપવાનો અભિગમ, ખૂબ જ સરળ વ્યવહાર આ બધી બાબતોએ રાજકોટના નવોદિતોને ઘણું શીખવી દીધું હતું.

 એકદમ પોઝિટિવ માહોલમાં ફકત ૨૫ દિવસમાં આખી ફિલ્મનું શૂટિંગ કામ પૂરૂ થયું. આ ફિલ્મના દ્રશ્યો મુખ્યત્વે ક્રિષ્ના સ્કૂલ ત્રંબા, શ્રી લાભુભાઈ ત્રિવેદી એન્જિનિયરિંગ ઇન્સ્ટિટ્યૂટ કણકોટ,  ન્યારી ડેમ અને અન્ય કેટલાક દ્રશ્યો ગોંડલમાં તેમ જ રાજકોટ ના અન્ય વિસ્તારોમાં શૂટ થયા છે. જેના લીધે ફિલ્મમાં સૌરાષ્ટ્રની અલગ જ મહેક દેખાય છે. શુટિંગ પછી ડબિંગ પહેલાનું કામ એટલે કે એડિટિંગ અને પ્રોસેસિંગ કામ શરૂ થયું અને એ પૂર્ણ થાય એટલે બધા પાત્રોનું ડબિંગ કાર્ય શરૂ કરવું એવો નિર્ધાર થયો પણ એ દરમિયાનમાં કોરોના કાળની શરૂઆત થઈ. મહિનાઓના સંપૂર્ણ લોકડાઉન પછી જયારે ધીમે ધીમે અનલોક થવાની શરૂઆત થઈ એટલે વીજળીવેગે ડબિંગ પુરૂ કરવામાં આવ્યું અને ફિલ્મ પોસ્ટ પ્રોડકશનના છેલ્લા ચરણમાં પસાર થઈને સેન્સર બોર્ડ અને વિતરક સુધી પહોંચી છે.

 આ સમગ્ર પ્રોસેસ જાન્યુઆરીથી સપ્ટેમ્બર મહિના સુધીની જ છે. સપ્ટેમ્બરમાં પોસ્ટર,ઓકટોબરમાં ટીઝર અને નવેમ્બરમાં બનશે લોકડાઉન પછી રિલીઝ થનાર પહેલી ગુજરાતી ફિલ્મ. કોરોના કાળ હળવો થતો જાય છે, ગંભીરતા અને પૂરતી સાવધાની સાથે લોકો ને દિવાળીની રજામાં મનોરંજન મળી રહે એ હેતુથી ફિલ્મ દિવાળીમાં રિલીઝ કરવાનો નિર્ણય કેટલો ફિલ્મ માટે કેટલો હિતાવહ છે એનો આધાર લોકો ઉપર છે. સામાન્ય રીતે આ ફિલ્મ કોઈ સુપર ફિશિયસ વાતની નથી જેમાં એક હીરો ૫૦ લોકો સાથે મારધાડ કરીને હિરોઈનને બચાવતો હોય. આ ખૂબ જ વાસ્તવિક પ્રકારની ફિલ્મ છે. જેમાં એક આદર્શ શિક્ષક યુવાનોને સક્રિય રાજકારણમાં જોડાવવા અપીલ કરે છે અને એક સમયે સહુ વિદ્યાર્થીઓ એને સહકાર આપે છે. તેમજ કહે છે કે સર તમે આગળ આવો, તમે અમારા નેતા બનો, અમે તમારી સાથે છીએ.

આ સફર આગળ વધતા કેવા કેવા વળાંકો લે છે અને સિસ્ટમને બદલવા માગતા એક આશાસ્પદ યુવાનની તકદીર એને કયાં લઇ જાય છે? એ સુંદર રીતે ફિલ્મમાં દેખાડવામાં આવ્યું છે. જો વધુમાં વધુ વિદ્યાર્થીઓ અને શિક્ષકો સુધી આ ફિલ્મ પહોંચે તો 'યુવા સરકાર 'નો વિચાર યોગ્ય રીતે સાર્થક થશે એવું કહી શકાય.

ફિલ્મમાં રાજકોટના જાણીતા અનેક નામો રાજુ યાજ્ઞિક, પલ્લવી વ્યાસ , અનીશ કચ્છી, હર્ષિત ઢેબર, અરવિંદ રાવલ, મિલન ત્રિવેદી, સુજલ દેસાઈ પોતાનો અભિનય પીરસી રહ્યા છે. ફિલ્મનું બીજું એક જમા પાસુ ફિલ્મના ગીત સંગીતને ગણી શકાય. કારણકે ફિલ્મમાં ગોંડલના ખ્યાતનામ કોરીયો ગ્રાફર ચેતન જેઠવા દ્વારા લખાયેલ એક ગાંધી રાસ અદભૂત રીતે રજૂ થયો છે. તેમજ જાણીતા ગાયક સોલી કાપડિયાના સ્વરમાં પ્રખ્યાત રચના હે જગ જનની ગાવામા આવ્યું છે.

પાર્શ્વ સંગીત ઉપર સુનીલ પટ્ટણી અને કર્દમશર્મા જોશીએ પૂરતી કાળજી સાથે ધ્યાન આપ્યું છે. એક વિશેષ કવ્વાલી જાણીતા કંઠ ઓસમાણ મીર દ્વારા પણ ગવાઈ છે જે ફિલ્મમાં આપણે સાંભળી શકશું. આમ એક પ્રોડકટ તરીકે યુવા સરકારના નિર્માણમાં કોઈ જ કચાશ રાખવામાં આવેલ નથી.

ગત ૨૪ ઓકટોબરે ફિલ્મ ના અભિનેત્રી આસ્થા મહેતાના શહેર ભાવનગર ખાતે ટ્રેલર રીલિઝ કરવામાં આવેલ અને ફકત ૫૦ કલાકમાં ૨૫૦૦૦થી પણ વધુ લોકોએ આ ફિલ્મ ના ટ્રેલરને વધાવ્યુ હતું. આ પરથી ફિલ્મને દર્શકોનો પ્રેમ મળશે એવી એક સારી આશા જન્મે છે. આગામી ૧૩/૧૧ ના રોજ રીલિઝ થતી આ ફિલ્મ એ રાજકીય બદલાવનો સંદેશ આપતી હોવા છતાં એ કોઈ જ ચોક્ક્સ રાજકીય પક્ષને સહકાર કે પક્ષની વિચારસરણીથી પ્રેરિત નથી એ નોંધનીય બાબત છે.

આશા કરીએ કે લોકડાઉન બાદ ૫૦ સ્ક્રીન પર રજૂ થનાર યુવા સરકાર લોકોની અને ગુજરાતી બોકસ ઓફિસની દિવાળી સુધારી નાખે.(૧૪.૧૮)

આ ફિલ્મ રાજકોટ માટે ગોૈરવ બની રહેશેઃ જ્વલંત છાયા

. ચિત્રલેખાના જ્વલંત છાયાએ જણાવ્યું હતું કે ગુજરાતી ફિલ્મોની હાલમાં જબરદસ્ત આબોહવા ચાલી રહી છે. તેમાં હવે નવી અને સરસ કહાની સાથેની ફિલ્મ 'યુવા સરકાર' બની રહી છે. રાજકોટીયનોનું આ એક ખુબ મોટુ સર્જન બની રહેશે. આ ફિલ્મ રાજકોટનું ગોૈરવ ચોક્કસપણે વધારશે. ફિલ્મમાં નવી જ વાત મુકવામાં આવી રહી છે. ફિલ્મ સાથે મેહુલભાઇ જેવા મોટા કલાકાર છે. હિન્દી ફિલ્મો આપણે ઘણી જોઇ છે, એની પેટર્ન હશે પણ નકલ નહિ તેવી આ ફિલ્મ છે. હર્ષલના મિત્ર અને રક્ષિતના કઝીન તરીકે હું ઇચ્છું કે બધા આ ફિલ્મ નિહાળે.

'યુવા સરકાર'નેશનલ લેવલે પહોંચે તેવી રાજકોટની ફિલ્મઃ જય વસાવડા

.ખુબ જાણીતા કટાર લેખક જય વસાવડાએ અગાઉ રાજકોટમાં યોજાયેલી પત્રકાર પરિષદ વખતે કહ્યું હતું કે આ ફિલ્મમાં સમાજના ઘડતરની વાત છે. સોૈથી ખાસ વાત એ છે કે રાજકોટના અને સોૈરાષ્ટ્રના લોકેશન્સ, બેકગ્રાઉન્ડ પણ રાજકોટના હશે. અહિ એક લોકલ ફલેવર હશે. યુવા સરકાર નેશનલ લેવલ સુધી પહોંચી શકે તેવી રાજકોટની ફિલ્મ બનશે એ પાક્કુ છે. હર્ષલ અને રક્ષિત એક કાર્યક્રમમાં બહારગામ પહોંચવા રાજકોટથી એક જ કારમાં સાથે રવાના થયા હતાં અને રસ્તામાં બંનેએ ફિલ્મ નિર્માણના વિચારને વેગ આપ્યો હતો. તેના કારણે આજે આ ફિલ્મ બની રહી છે.

(11:01 am IST)