રાજકોટ
News of Thursday, 29th September 2022

સ્વીમીંગ પુલને આંતરરાષ્ટ્રીય કક્ષાનો બનાવવા અપાતો આખરી ઓપ

નેશનલ ગેમ્સના આયોજનની તડામાર તૈયારી : મ્યુનિ. કમિશ્નર અમિત અરોરાએ સ્થળ મુલાકાત લઇ તૈયારની સમીક્ષા કરી : વોટર પોલોની ટીમનું આગમન

 

રાજકોટ, તા. ૨૯: ગુજરાતમાં આવતી કાલથી ૩૬મી નેશનલ ગેમ્સનો શાનદાર પ્રારંભ થશે. આ સાથે જ રાજયમાં સ્પોર્ટ્સ ફિવર છવાઈ જશે. રાજકોટમાં રમતપ્રેમીઓના જોશ અને ઉત્સાહ વચ્ચે બીજી ઓકટોબરથી નેશનલ ગેમ્સની સ્વિમિંગ અને હોકીની સ્પર્ધાઓ શરૃ થવાની છે ત્યારે, હાલ સ્વિમિંગ પુલને સ્પર્ધાઓને અનુરૃપ બનાવવા માટે તડામાર કામગીરી ચાલી રહી છે.

રાજકોટ મ્યુનિસિપલ કમિશનર અમિત અરોરાએ મ્યુનિસિપલ કોર્પોરેશના તથા પોલીસ અધિકારીઓની ટીમ સાથે કોઠારિયા ખાતે આવેલા સ્વિમિંગ પુલનું નિરીક્ષણ કર્યું હતું, તેમજ તૈયારીઓની સમીક્ષા કરી હતી.

સ્વિમિંગ કોચ બંકિમ જોશીએ જણાવ્યું હતું કે, રાષ્ટ્રીય સ્પર્ધાઓ માટે સ્વિમિંગ પુલમાં વિવિધ પ્રકારની કામગીરી હાલ પૂરજોશમાં ચાલી રહી છે. ઓટોમેટિક ટચ પેનલ, ડાયરેકટ ટચ ટાઇમ ડિસ્પ્લે, બેક સ્ટ્રોક ઇન્ડિકેટર, ગોલ પોસ્ટ સહિત સ્પર્ધા માટે જરૃરી તમામ સાધનો લગાવવાનું કામ ગતિમાં છે.

ઉપરાંત વોટર પોલોની ટીમનું આજ સાંજથી આગમન થનાર છે, ત્યારે ખેલાડીઓના નિવાસ સહિતની વ્યવસ્થાઓ પણ સુનિશ્ચિત કરી દેવામાં આવી છે.

(3:42 pm IST)