રાજકોટ
News of Thursday, 29th September 2022

રાજકોટથી સીદસર સુધીની ‘ચાલો કોંગ્રેસ કે સાથ મા કે દ્વાર' યાત્રાનો પ્રારંભ

યાત્રા રાજકોટ, અમરેલી - રાજુલા બે જુદા-જુદા સ્‍થળેથી શરૂ : પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર, રાજ્‍યસભાના સાંસદ : શકિતસિંહ ગોહિલ તથા સૌરાષ્‍ટ્રના પ્રભારી રામકિશન ઓઝાની રાજકોટની યાત્રામાં ઉપસ્‍થિતિ : વિશાળ સંખ્‍યામાં લોકો જોડાયા

રાજકોટમાં આજે સૌરાષ્ટ્ર કોંગ્રેસ દ્વારા ‘કોંગ્રેસ સાથ મા કે દ્વાર' યાત્રાનો બહુમાળી ભવન ખાતેથી પ્રારંભ કરવામાં આવ્‍યો હતો. આ યાત્રા ખોડલધામ, ગાંઠિલા અને સીદસર સુધી યોજાશે. બહુમાળી ભવન ખાતે સરદાર પટેલની પ્રતિમાને હાર પહેરાવી યાત્રાની શરૂઆત કરવામાં આવી હતી. જેમાં રાજયસભાના સાંસદ શક્‍તિસિંહ ગોહિલ, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોર તથા ધારાસભ્‍ય ઋત્‍વીક મકવાણા, લલિત કગથરા તથા સૌરાષ્‍ટ્રના પ્રભારી રામકિશન ઓઝા સહિતના આગેવાનો મોટી સંખ્‍યામાં કાર્યકરો બાઇક અને કારના કાફલા સાથે જોડાયા છે. આ યાત્રાનું ઈન્‍દિરા સર્કલ પાસે બાળાઓ દ્વારા સ્‍વાગત કરવામાં આવ્‍યું હતું. અહીં કોંગ્રેસના નેતાઓએ ઈન્‍દિરા ગાંધીની પ્રતિમાને હાર પહેરાવ્‍યો હતો. આ યાત્રામાં પ્રદેશ કોંગી આગેવાન ગાયત્રીબા વાઘેલા, અર્જુનભાઇ ખાટરિયા, મહેશ રાજપૂત તથા ગોપાલ અનડકટ તેમજ સૌરાષ્‍ટ્ર કોંગ્રેસના આગેવાનો તથા જિલ્લા - તાલુકા કોંગ્રેસના કાર્યકરો યાત્રામાં જોડાયા હતા. (તસ્‍વીર : સંદિપ બગથરીયા)(૨૧.૪૧)

રાજકોટ તા. ૨૮ : કોંગ્રેસ દ્વારા વિધાનસભાની ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે ત્‍યારે આજે સવારે રાજકોટથી સિદસર સુધી ‘ચાલો કોંગ્રેસ કે સાથ મા કે દ્વાર' યાત્રાનો રેસકોર્ષ ખાતેના સરદાર વલ્લભભાઇ પટેલના સ્‍ટેચ્‍યુ ખાતેથી પ્રારંભ થયો છે.

આ અંગે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ જગદીશ ઠાકોર એ જણાવ્‍યું હતું કે નવરાત્રીના પાવન પર્વમાં ‘માં' ના આશીર્વાદ સૌને મળે તે માટે નવરાત્રીના ત્રીજા નોરતે એટલે કે આજે સવારે ૮.૩૦ વાગ્‍યાથી ‘ચાલો કોંગ્રસ કે સાથ માં કે દ્વાર' યાત્રાનું આયોજન કરવામાં આવ્‍યું છે. મોંઘવારી, બેરોજગારી, ભ્રષ્ટાચારના ભરડામાંથી ગુજરાતને મુક્‍તિ મળે અને ગુજરાતીઓને શાંતિ,સમૃદ્ધી મળે તે સંકલ્‍પ સાથે આયોજીત ‘ચાલો કોંગ્રેસ કે સાથ માં કે દ્વાર' યાત્રામાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના કાર્યકારી પ્રમુખ અને ધારાસભ્‍ય લલિત કગથરા, ઋત્‍વિક મકવાણા, અંબરીશ ડેરની આગેવાનીમાં બે જુદા જુદા સ્‍થાનેથી નીકળશે. ૨૦૦ કિલોમીટરથી વધુ લાંબી યાત્રા બે જુદા જુદા સ્‍થાનેથી નીકળશે. ‘ચાલો કોંગ્રેસ કે સાથ માં કે દ્વાર'ની પ્રથમ યાત્રા ગુજરાત કોંગ્રસના કાર્યકારી પ્રમુખ અને ધારાસભ્‍ય લલિત કગથરા, ઋત્‍વિક મકવાણાની આગેવાનીમાં રાજકોટના રેસકોર્ષથી ઉમિયામાંતાના પાવનધામ સીદસર સુધી, બીજી યાત્રા ગુજરાત કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ અને ધારાસભ્‍યશ્રી અંબરીશ ડેરની આગેવાનીમાં રાજુલાથી શરુ થઇ ખાંભા, ચલાલા, બગસરા, જેતપુર થઇ લાખો ગુજરાતીઓના આસ્‍થાસ્‍થાન ઉમિયામાતા સીદસર અને ખોડલધામ ખાતે પોહાચશે. સમગ્ર યાત્રામાં મોટી સંખ્‍યામાં કોંગ્રેસ આગેવાનો, કાર્યકરો અને શ્રદ્ધાળુઓ રેલી સ્‍વરૂપે જોડાયા હતા.

 

યાત્રાની વિગત

પ્રથમ યાત્રા :  રાજકોટ રેસકોર્ષથી- શાપર - ગોંડલ - વીરપુર - ખોડલધામ - જેતપુર - જુનાગઢ સીટી- ગાઠીલા - વંથલી - માણાવદર - ઉપલેટા - મોટી પાનેલી -ઉમિયા માતાના પાવનધામ સીદસર સુધી,

બીજી યાત્રા : રાજુલા- ખાંભા-ચલાલા - બગસરા- જેતપુર-ખોડલધામ પહોંચશે.

(3:30 pm IST)