રાજકોટ
News of Tuesday, 29th September 2020

દિલ્હીની સ્ટાર ગ્લોબસ કંપનીએ આપેલ ૧૦ લાખનો ચેક પાછો ફરતાં કોર્ટમાં ફરિયાદ

રાજકોટ, તા.૨૯: દિલ્લીની પ્રખ્યાત સ્ટાર ગ્લોબસ કંપનીએ આપેલ ૧૦ લાખનો ચેક રીટર્ન થતાં રાજકોટની કોર્ટમાં ફરીયાદ થયેલ છે.

આ કેસની વિગત જોઇએ તો રાજકોટના રહેવાસી ઇશાનકુમાર દિપકભાઇ શાહ રહે. 'નીરવ' સોમનાથ સોસાયટી, ૧૫૦ રિંગ રોડ,  રાજકોટવાળાએ ગજાનંદ કૌશિક શર્મા સ્ટાર ગ્લોબસ કંપનીના માલિક દરજજે ૫૦૮,૫૦૯ ફરીયાદમાં માળ, નેતાજી સુભાષ પ્લેસ, પ્રિતમપૂરા ન્યુ દિલ્હી સામે નોંધાવેલ ફરીયાદમાં જણાવેલ છે કે ઇશાંનભાઇએ પોતાના નાણાંનું યોગ્ય ઇન્વેસ્ટમેન્ટ કરવા માગતા હોય જેથી રાહુલ સોની દ્વારા ફરીયાદી ઇશાનભાઇને સ્ટાર ગ્લોબલ કંપનીમાં રોકાણ કરવાનું જણાવી આ કામના ફરીયાદીને માસિક ૧૦ થી ૧૨ ટકા રીટર્ન મળશે તેવી લાલચો આપી અને કંપનીના માલિકે કંપની ડ્રેગન ફુટ અને ફલાવર્સ જેવા ખેતીલક્ષી પ્રોજેકટમાં રોકાણ કરે છે જેથી કયારેય તમારા પૈસા ડુબસે નહી અને તમને દર મહિને રીટર્ન મળતું રહેશે અને તમો માગો ત્યારે તમારા પૈસા પરત મળશે તેવી વાતો કરેલ અને તમો માત્ર નફામાં ભાગીદાર બનશો તેવો કંપનીએ ભરોસો આપેલ અને આ કંપનીનો સેમિનાર અમદાવાદ મુકામે હોય ત્યાં ઇશાનભાઇને સ્ટાર ગ્લોબસ કંપનીના માલિક ગજાનંદ કૌશિક મળેલ અને ઉપર મુજબની વાતો જણાવેલ તેની આવી વાતોમાં આવી જઇને ફરીયાદીએ આ કંપનીમાં RTGS થી રૂપિયા ૨૫,૦૦,૦૦૦/નું રોકાણ કરેલ.

ત્યારબાદ અચાનક થોડા સમયમાં જ આ કંપની તરફથી જમા થતાં પૈસા બંધ થઇ જતાં તેની ફરીયાદ કંપનીને કરતાં આ કંપનીએ ફરીયાદીના કાયદેસરના લેણા નીકળતા રૂ.૨૫,૦૦,૦૦૦/માંથી અંકે રૂપિયા ૧૦,૦૦,૦૦૦/ના પાર્ટ પેમેન્ટનો ચેક ફરીયાદીને લખી આપેલ. જે ચેક બેંકમાંથી પરત ફર્યો હતો.

આથી ફરીયાદીએ પોતાના વકીલ કુલદીપસિંહ જાડેજા દ્વારા દિલ્હીની કંપનીને લીગલ નોટીસ પણ મોકલેલ પરંતુ સમયમર્યાદા પૂરી થવા છતાં આરોપી કંપનીએ નોટિસનો કોઇ જવાબ ના આપતા દિલ્હીની પ્રખ્યાત સ્ટાર ગ્લોબસ કંપની સામે રાજકોટની કોર્ટમાં એન.આઇ.એકટની કલમ ૧૩૮ મુજબ ફરિયાદ દાખલ કરેલ છે.

આ કેસમાં રાજકોટના વકીલ કુલદીપસિંહ બી.જાડેજા, હિતેન્દ્ર સોલંકી, શિવરાજસિંહ ઝાલા તથા અશોક ચાંડપા રોકાયેલ છે.

(3:21 pm IST)